National

સિમેન્ટ-સ્ટીલના ભાવવધારાનાં વિરોધમાં કોન્ટ્રાક્ટર્સ એસો. સહિતના પાંચ એસો. દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાળ

સિમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ સહિતના સંલગ્ન એસોસિએશનના સભ્યોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાવા પામી છે.

ખાસ કરીને સિમેન્ટ, સ્ટીલના ઉત્પાદકો દ્વારા થઇ રહેલા કાર્ટેલાઇઝેશનના કારણે સિમેન્ટ અને સ્ટીલના ભાવોમાં ઝીંકાયેલા અસહ્ય અને બિનવ્યવહારૂ ભાવવધારાના વિરોધમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન સહિતના પાંચ મોટા એસોસિએશન દ્વારા આવતીકાલે તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું.

આ હડતાળમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનની સાથે સાથે બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ક્રેડાઇ ગુજરાત (કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસો. ઓફ ઇન્ડિયા), ક્રેડાઇ અમદાવાદ ગાહેડ (ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ) અને એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનીયર્સ (ઇન્ડિયા)-અમદાવાદ સેન્ટર, ગુજરાત (એસીસીઇ) અને તેના હજારો સભ્યો પણ જોડાશે.

આવતીકાલની આ હડતાળના કારણે ગુજરાતમાં અંદાજે ૨૨ હજારથી વધુ સાઇટો પર કામકાજ ઠપ્પ થઇ જશે, જેના કારણે આશરે ૨૦ લાખથી વધુ શ્રમિકો, કામદારો અને મજૂરોની રોજગારી છીનવાશે. બીજીબાજુ, રાજય સરકાર અને કેન્દ્ર સરકારના હજારો કરોડોના પ્રોજેકટ અટવાવાની સાથે સરકારોને પણ અબજો રૂપિયાના જાહેર નાણાંનું નુકસાન સહન કરવુ પડશે, તેવું ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજયના પ્રમુખ કિર્તીભાઇ ઠાકર અને ક્રેડાઇ, ગુજરાતના પ્રમુખ આશિષભાઇ પટેલે જણાવ્યું હતું.

સિમેન્ટ અને સ્ટીલના ભાવોમાં કૃત્રિમ રીતે અસહ્ય ભાવવધારો અને ગેરવાજબી નફાખોરી રળવાના બદઇરાદા સાથે ચાલી રહેલા સિમેન્ટ-સ્ટીલના ઉત્પાદકોના કાર્ટેલાઇઝેશનના વિરોધમાં રાજ્યભરના કોન્ટ્રાકટર્સ, બિલ્ડર્સ અને સંલગ્ન સંગઠનોના સભ્યો અને તેઓની સાથે સંકળાયેલા અસરકર્તાઓમાં ભારોભાર આક્રોશની લાગણી ફેલાઇ છે.

રાજ્યના મોટા પાંચ એસોસીએશનની મુખ્ય માંગણીઓ

(૧) સિમેન્ટ અને સ્ટીલના ભાવોને કાયમી ધોરણે નિયંત્રણમાં રાખવા અને આ પ્રકારના ગેરકાયદે કાર્ટેલાઇઝેશનને નાથવા માટે તાત્કાલિક ધોરણે એક વિશેષ રેગ્યુલેટરી ઓથોરીટીની રચના કરો
(૨) સ્ટીલ અને સિમેન્ટની કિંમતોમાં છાશવારે ઝીંકાતા ગેરકાયદે અને અસહ્ય ભાવવધારા મુદ્દે સમગ્ર તપાસ માટે સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરો
(૩) કેન્દ્ર સરકાર દ્વારા કોન્ટ્રાકટરો માટે પરફોર્મન્સ બેંક ગેરંટી ૫થી ૧૦ ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરવામાં આવે
(૪) પેટ્રોલ-ડિઝલના ભાવોમાં પણ સતત થઇ રહેલા ભાવવધારાને કોઇ માળખાકીય વ્યવસ્થા દ્વારા અંકુશ લગાવવામાં આવે
(૫) માત્ર નફાખારો રળવાના બદઇરાદા સાથે કાર્ટેલાઇઝેશનનું ષડયંત્ર રચનારી સ્ટીલ અને સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ વિરૂધ્ધ સરકાર દ્વારા આકરીમાં આકરી કાર્યવાહી કરવામાં આવે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top