Columns

દેશમાં સ્થિરતા-આર્થિક પ્રગતિ સુધ્ધાં કેમ લોકો નાગરિકત્વ છોડી રહ્યાં છે?

ભારતીયો નાગરિકત્વ છોડતા રહ્યા છે અને પશ્ચિમી દેશોમાં નાગરિક થઈને સપનું જોતા આવ્યા છે પણ છેલ્લા એક દાયકામાં ભારતની તાસીર બદલાઈ છે, વિશ્વમાં તેનું સ્થાન અદકેરું બન્યું છે અને એ રીતે દેશમાં સુવિધાઓ પણ વર્લ્ડક્લાસ બની છે અને સાથે-સાથે એક સ્થિરતા પણ દેશમાં છે. બહેતર બની રહેલા માહોલ સુધ્ધાં ગત વર્ષે દેશના નાગરિકત્વ છોડવાનો જે આંકડો આવ્યો છે તે કંઈક અંશે ચોંકાવનારો છે. 2022ની વાત કરીએ તો શરૂઆતના 10 મહિનામાં ભારતનું નાગરિકત્વ છોડનારાંઓની સંખ્યા 1,83,741 રહી છે. મતલબ કે રોજના 600 લોકોએ દેશ છોડ્યો હતો! આ આંકડો વિદેશ મંત્રાલયમાંથી લેવામાં આવ્યો છે. આ મુદ્દો છેલ્લા દિવસોમાં કૉંગ્રેસ દ્વારા જોરશોરથી ઉઠાવવામાં આવ્યો, તેનું એક કારણ એ પણ છે કે 2014માં જ્યારે કૉંગ્રેસની ગઠબંધનની સરકાર હતી ત્યારે આ આંકડો 354ની આસપાસ હતો. કૉંગ્રેસ દ્વારા એવો કટાક્ષ પણ કરવામાં આવ્યો કે હવે લોકો ‘અચ્છે દિન’ની શોધમાં દરિયાપાર જઈ રહ્યા છે. દેશ છોડી રહેલાં લોકો પાછળનું કારણ શું છે અને ખરેખર વિદેશમાં સ્થળાંતરિત થઈ રહેલાં લોકોની સંખ્યા એટલી છે કે તે વિશે ન્યૂઝ બને, આટલી ચર્ચા થાય. આ મુદ્દાને તપાસીએ.

અત્યારે જ્યારે અરબ વિશ્વ તૂટી રહ્યું છે, યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતના પાડોશી દેશો પાકિસ્તાન-શ્રીલંકા કટોકટીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ઇંગ્લેન્ડ પર દેવું વધ્યું છે અને અમેરિકાના આગેવાન બાયડન સુધ્ધાં ગુપ્ત દસ્તાવેજોના મામલે ફસાયા છે, ત્યારે ભારત ઠીકઠીક સ્થિર લાગી રહ્યું છે અને તે કારણે આપણા દેશની વાહવાહી પણ થઈ રહી છે. વર્લ્ડ મેપ પર અત્યારે ઇન્ડિયા ઝગમગી રહ્યું છે. સ્વાભાવિક છે કે આ ચિત્રને સત્તાધારી પક્ષ વધુ બઢાવી- ચઢાવીને રજૂ કરે. હવે આ ચિત્રને જો સાચું માની લઈએ તો કોઈએ દેશનું નાગરિકત્વ છોડવાનો વારો જ ન આવે. પણ એવું નથી થઈ રહ્યું, લોકો દેશનું નાગરિકત્વ છોડી રહ્યા છે અને તેમાં સતત નોંધપાત્ર વધારો પણ થઈ રહ્યો છે.

હવે આવું થવાનું એક સર્વસામાન્ય કારણ એ છે કે વિદેશ અને તેમાં પણ ખાસ કરીને પશ્ચિમના દેશોમાં વધુ સારા શિક્ષણની તકો છે, ઉપરાંત સારી જીવનશૈલી પણ ત્યાં સહજ છે. આ બંને કારણો એવાં છે કે તેમાં દેશનું નાગરિકત્વ છોડવાનો કોઈનેય અફસોસ થતો નથી. ઓછું પ્રદૂષણ ને સિંગાપોર-UAEમાં તો ભારત કરતાં વ્યક્તિગત કર ચૂકવવાનો ખૂબ ઓછો આવે છે. આ સિવાય એ કારણ પણ છે કે હાલની સરકારે કાળાં નાણાં વિરુદ્ધ જ્યારે જોરશોરથી ઝુંબેશ ચલાવી ત્યારે ઘણા પરિવારે 6 મહિનાથી વધુ દેશ બહાર રહેવા માટે અરજી કરી હતી. આ રીતે ઘણા પરિવારે ‘નોન-રેસિડન્ટ્સ’ની કેટેગરીમાં આવીને પોતાના નાણાંને છુપાવી દેશનું નાગરિકત્વ ગુમાવ્યું.

આ ઉપરાંત, એક કારણ દેશની એફેરમેટિવ એક્શન પોલિસીને ગણવામાં આવે છે. એફેરમેટિવ એક્શન એટલે દેશમાં સામાજિક રીતે પીડિત વર્ગને નીતિગત રીતે નોકરી અને શિક્ષણમાં મળતું પ્રાધાન્ય. જો કે આ દલીલ પાયાવિહોણી એ માટે પણ છે કે માર્કેટમાં રહેલી કુલ નોકરીઓમાં એફેરમેટિવ એક્શનમાં મળતી અનામત નગણ્ય છે. ભારત ડ્યુઅલ સિટીઝનશિપ આપતું નથી એટલે પણ ઘણાં લોકો H1 B વિઝા કન્વર્ટ કરાવી વિદેશમાં સ્થાયી થાય છે. ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર દિલીપ મંડલે આ વિષય પર વિગતવાર લખ્યું છે અને તેમાં કેટલાક મુદ્દા વધુ ઠોસ લાગે છે.

જેમ કે દિલીપનું માનવું છે કે, ભારતીય નાગરિકત્વ છોડવામાં જે સંખ્યા વધી રહી છે તેનું એક કારણ અમીર લોકોનું અલગધલગ રહેવાનું વલણ છે અને બીજું કે આ લોકો દેશ છોડવા માટે આતુર હોય છે. દિલીપ આ માટે ઉદાહરણ ટાંકતા લખે છે કે, જ્યારે તમે દેશના શહેરોમાં અમીર વિસ્તાર જોશો તો તેમાં તેમની અલગધલગ રહેવાની એક પેટર્નનો ખ્યાલ આવશે. આ વિસ્તારોમાં તેઓ પોતાની સિક્યુરિટી સિસ્ટમ ધરાવતા હશે, તેમનો વિશેષ વોટર સપ્લાય હશે, તેમની ખાનગી જનરેટરની વ્યવસ્થા અને તેમની હરવાફરવાની જગ્યા પણ પ્રાઇવેટ હશે. આ પ્રકારના રહેઠાણ એક ‘નાનકડા દેશ’ની જેમ સંચાલિત થતા હોય છે અને તેમના રહેઠાણમાં રાજ્યની ભૂમિકા ત્યારે જ આવે છે જ્યારે અહીંયા કોઈ ક્રાઈમ કે કશું અજુગતું થાય. આ કિસ્સામાં જોઈએ તો આ પ્રકારનો એલિટ ક્લાસ ‘સ્વતંત્ર’ અને ‘સ્વાયત્ત’ થઈ ચૂક્યો છે.

તેઓ સરકારી હોસ્પિટલ કે એજ્યુકેશન સિસ્ટમનો ક્યારેય ઉપયોગ કરતા નથી. તેઓ માત્ર અન્ય લોકોની જેમ માત્ર શ્વાસ અહીંની હવામાંથી લેતા હતા પણ હવે તો એર પ્યુરીફાયરે તેમાં પણ ભેદ પાડી દીધો છે. આ સ્થિતિ પર કોઈ પરિવાર પહોંચે તો તેમને મોટા પાયે હાલાકીમાં જીવતાં લોકોનું ચિત્ર કલ્પી શકતા નથી. આ રીતે વર્ષોનાં વર્ષો નીકળ્યાં પણ જ્યારે કોવિડ આવ્યો ત્યારે તેઓને સામાન્ય લોકોની સાથે સ્પેસ શેર કરવી પડી. જો કે આ અપવાદ હતો કે બાકી તો આ વર્ગ વિદેશમાં ફરવા જાય છે, ઇન્ટરનેશનલ બોર્ડમાં પોતાનાં સંતાનોને ભણાવે છે અને તેમના માટે ગ્લોબલ સિટીઝનશિપ અને ગ્લોબલ વિલેજ જેવો કોઈ કન્સેપ્ટ નથી.

હવે જ્યારે આ રીતે પોતાના દેશમાં જીવતા હોવ ત્યારે સ્વાભાવિક છે કે તેમને જ્યારે તક મળે ત્યારે તેઓ તુરંત વિદેશની વાટ પકડી લે છે અને તે કારણે જે સંપત્તિવાન પોતાનો દેશ છોડીને બીજા દેશમાં વસે છે તેમાં ભારત બીજા ક્રમે આવે છે. પ્રથમ ક્રમ ચીનનો છે જ્યાંના અતિ સંપત્તિવાન લોકો દેશ છોડીને અન્ય દેશમાં વસે છે. બીજું સૌથી મોટું કારણ ભારતીય પાસપોર્ટની રેંકિંગ 85મા ક્રમે આવે તે છે. હવે જ્યારે સર્વશ્રેષ્ઠ રેન્કિંગ ધરાવતો વિઝા જો કોઈને મળે તો તે ઝાઝી અડચણ વિના વિશ્વના ઘણા બધા દેશોમાં જઈ શકે છે, જ્યારે ભારતના વિઝાને લઈને તે છૂટછાટ નથી. આ કિસ્સામાં વેપારી અને ઉદ્યોગપતિઓને ભારત કરતાં અન્ય કોઈ દેશનો વિઝા રાખવામાં સગવડ રહે. બસ તેમાં ખોવાપણું એટલું જ કે એક સમય પછી પરિવારને વિદેશમાં વસાવવો પડે.

બજારના અને વ્યક્તિગત રીતે દેશ છોડવા ઇચ્છતા લોકોના કારણો છે તેમ કેટલાંક અન્ય કારણો કૉંગ્રેસ પાર્ટી આપી રહી છે. આ અંગે કૉંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રવર્તમાન સરકારની 6 મર્યાદા ગણાવી છે જે કારણે લોકો દેશ છોડી રહ્યા છે. તેમાં એક છે બેરોજગારીનો વધતો દર, GST અને નોટબંધીના કારણે ઘટી રહેલી તકો, ઉપરાંત વિશ્વની સરખામણી કરીએ તો દેશમાં ભૂખમરો, જાતિઆધારિત ભેદ હજુય મટ્યો નથી અને તે સિવાય પ્રેસ ફ્રીડમની પણ વાત થઈ હતી. આ સિવાય દેશમાં ગરીબ વર્ગ ખૂબ મોટો છે તે કારણે પણ અનેક લોકો દેશ છોડે છે. સિટીઝનશિપ છોડી દેવાનો છેલ્લા એક દાયકાનો ટ્રેન્ડ જોઈએ તો 2011માં 1,20,923 લોકોએ દેશ છોડ્યો હતો. 2012માં 1,31,405 અને 2013માં 1,29,328 લોકોએ દેશની નાગરિકતા છોડી હતી. તે પછી આ આંકડા સતત વધી રહ્યા છે. અહીંથી જેઓ દેશ છોડી રહ્યા છે તેમના માટે સેટલ થવા માટેનું મોસ્ટ ફેવરીટ ડેસ્ટિનેશન અમેરિકા અને કેનેડા છે. ઉપરાંત ઓસ્ટ્રેલિયા, યુરોપના દેશોને પણ લોકો સ્થાયી થવા પસંદ કરે છે.

150 કરોડની જનસંખ્યા ધરાવતાં દેશમાં આટલા લોકો વિદેશમાં સ્થાયી થાય તે ખૂબ સામાન્ય ઘટના છે પરંતુ જ્યારે દેશમાં ઠીકઠીક સુવિધાઓ મળતી હોય તેમ છતાં જો શ્રીમંત લોકો જઈ રહ્યા છે તો તેનું એક મહત્ત્વનું કારણ અર્થતંત્રમાં આવેલી મંદ ગતિ છે. નોટબંધી, કોરોના અને સરકારની વેપારી-ઉદ્યોગો પ્રત્યેની સખ્ત નીતિના કારણે હવે લોકો વિદેશમાં બિઝનેસ કરવાનું પસંદ કરે છે. દલીલ એવી થાય છે કે વર્તમાન સરકારે આર્થિક મામલે સખ્ત પગલાં લઈને સામાન્ય લોકોનું ભલું કર્યું છે પરંતુ ખરેખર તેનો લાભ સામાન્ય લોકોને મળ્યો નથી, ઉપરથી બેરોજગારીનો દર વધ્યો છે.

વ્યવહારુ અર્થતંત્રની તો એક બાજુ એવુંયે કહે છે કે બજારમાં બધો વ્યવહાર ઓનલાઈન ન થઈ શકે. કેટલોક વ્યવહાર રોકડમાં જ થવાનો. અર્થતંત્રની ગતિ આ રીતે ધીમે પડી છે. ખુદ સરકારને પણ નિયમમાં જકડીને શાસન ચલાવવાનું કહે તો તેના માટે તે શક્ય ન બને તો પછી અન્ય વેપારી-ઉદ્યોગીઓ માટે તે કેવી રીતે શક્ય બને? દેશનું અર્થતંત્ર ફરતું રાખનારા જો આ રીતે દેશ છોડીને જાય તો તેની વહેલા-મોડા અસર થવાની અને જાગ્રત નાગરિક તરીકે સૌએ જોવાનું એ રહ્યું કે આપણી સ્થિતિ પાકિસ્તાન કે શ્રીલંકા જેવી ન થાય.

Most Popular

To Top