Columns

આવજો, મધુબહેન… એક નોખી- અનોખી નારી, ‘ચિત્રલેખા’ના સહ-સ્થાપક મધુરી કોટકને શબ્દાંજલિ

45-46 વર્ષ પહેલાં એમને પહેલી વાર રૂબરૂ મળ્યો ત્યારે એમના હોઠો પર જે મધુર સ્મિત જોયું હતું અદલોદલ એવું જ સ્મિત 92૨મા વર્ષે મધુરીબહેને દેહ છોડયો ત્યારે પણ અકબંધ હતું. આ 9-9 દાયકા દરમિયાન વિષાદ, વિપદા, સંઘર્ષમાંથી પસાર થઈ એમણે પોતાનાં પ્રકાશનોને જે સફળતાના શિખર પર પહોંચાડ્યાં એનો જરાય પણ થાક એમના ચહેરા પર ડોકાતો ન હતો. એથી વિરુદ્ધ એક એવો શાશ્વત સંતોષ એમના ચહેરા પર હતો જાણે એ એમના જીવનસાથી વજુભાઈને પોરાસાઈને કહી રહ્યાં હોય : ‘‘જુવો, કોટક.. તમને આપેલું વચન મેં નિભાવ્યું છે, હોં..!’’ માંડ 10 વર્ષનું લગ્નજીવન જેમની સાથે માણ્યું-વીતાવ્યું એ વજુભાઈએ અંતિમ વિદાય લેતા પહેલાં વચન માંગેલું : ‘‘આપણાં 3 સંતાનની સાથે આપણાં 3 સામાયિક (ચિત્રલેખા-જી-બીજ)ને પણ તારે ઉછેરવાનાં છે.’’ અનેક સાંસારિક અને વ્યાવસાયિક અવરોધો વચ્ચે આ વચન મધુબહેને ખુમારીભેર પાળી બતાવીને ગુજરાતી પત્રકારત્વમાં એક સાવ અનેરી કેડી કંડારી.

મેં એ વખતની વિખ્યાત વેમ્પ બિંદુનો સવિસ્તર ઈન્ટરવ્યૂ કરેલો ત્યારે મધુબહેનને હું પહેલી વાર મળ્યો. આ તો ફિલ્મ સામાયિક ‘જી’ પ્રગટ કરી શકશે એવી ધારણા સાથે હું સીધો એમના કાર્યલય પર પહોંચી ગયો. ખોબા જેવી એક નાની-સાંકડી કેબિનમાં પુસ્તકો અને કાગળોના ઢગલા વચ્ચે એ વખતે ‘ચિત્રલેખા’ના સહ તંત્રી હરકિસનભાઈ મહેતા બેસે. બાજુમાં મધુરી કોટક. એકાદ વાર હરકિસનભાઈને મળેલો એટલે એમને વાત કરી. એમણે ફિલ્મની વાત સાંભળીને મારો હવાલો મધુબહેનને સોંપી દીધો. એ જમાનામાં બિંદુ વેમ્પ તરીકે હીટ. એનો આવો જલ્દી ઈન્ટરવ્યૂ મળે નહીં. એમાંય ‘‘હું કલકત્તાનો પત્રકાર છું અને ‘જી’ જેવા જાણીતા મેગેઝિનમાં આ મુલાકાત પ્રગટ કરવા ઈચ્છું છું’’ એ સાંભળીને જ બિંદુએ આ ઈન્ટરવ્યૂ મને આપ્યો હતો. મધુબહેને મુલાકાતની ઝીણી ઝીણી વિગતો જાણી. મુલાકાત વખતે બિન્દુ ન જાણે કેમ હીરો લોકોની આપખુદી-દાદાગીરીથી જબરી નારાજ હતી. એનો ઉલ્લેખ કરીને બિન્દુજી ઈન્ટરવ્યૂ વખતે બોલેલી: ‘‘આવા લોકોની આવતા જન્મે તો હું છુટ્ટી કરી દઈશ.’’ આ વાત સાંભળીને મધુબહેન ત્યારે બોલી ઊઠ્યાં હતાં : ‘‘લો, બિન્દુની મુલાકાતનું આપણને હેડિંગ મળી ગયું ..!’’

અને પછી ‘‘આવતા ભવે તો હું આ હીરોલોગોની છુટ્ટી કરી દઈશ !’’ એ શીર્ષક સાથે મુલાકાત પ્રગટ થઈ ને જબરી હીટ નીવડી, ખાસ કરીને એના હેડિંગે બધાનું વિશેષ ધ્યાન દોર્યું. આ હતો તંત્રી મધુરી કોટક સાથે પ્રથમ સાક્ષાત્કાર પછી તો મારા સાડા ચાર દાયકાના ‘ચિત્રલેખા’ અને કોટક પરિવાર સાથેના ઘનિષ્ઠ સંબધો દરમિયાન મધુબહેનને માત્ર તંત્રી-માલિક તરીકે નહીં પણ પરિવારના તડકા-છાયામાં એમને એક આપજન તરીકે જાણવાની તક મળી. આવી તક બધાને મળતી નથી, જે મને મળી.

આજે એમની વિદાય પછી અનેક સ્મૃતિ તાજી થઈ જાય છે, જે હવે આવરદાની આખર સુધી અકબંધ જ રહેવાની. કામની-વ્યવસાયની વાત કરીએ તો ‘નિષ્ઠા‘ કે ‘સંનિષ્ઠા’ શબ્દનો અર્થ ડિક્સનરી-શબ્દકોષમાંથી નહીં, પણ અમને સાચુકલો અર્થ મધુબહેન પાસેથી જાણવા મળ્યો છે. ‘ઊંધું ઘાલીને કામ કરવું’ એ નિષ્ઠા કે એકાગ્રતા નથી. પૂરેપૂરા ઉમંગથી ઉમળકાભેર કામ કરવું એ છે નિષ્ઠા. આ ગુણ મધુબહેને કેળવ્યો નહોતો એમનામાં એ સહજ નૈસર્ગિક હતો.

હા, એમના અમુક ગુણ વજુભાઈએ સાપ્તાહિકનાં કામ દરમિયાન એમનામાં પ્રત્યક્ષ રીતે રોપ્યા હતા અને એક અચ્છા વિદ્યાર્થી તરીકે એને અનુસરીને મધુબહેને ખુદ કેટલીક ખાસિયત આપમેળે કેળવી લીધી હતી. ફોટોગ્રાફી એમને વજુભાઈએ શીખવી પણ એક કાબેલ ફોટો જર્નાલિસ્ટ એ ખુદ બન્યાં (અને બન્ને પુત્ર મૌલિક તથા બિપીનને પણ નાનપણથી એ જ રીતે માર્ગદર્શન આપીને કાબેલ તસવીરકાર બનાવ્યા). મધરાતે ફૂટપાથ પર પથ્થરથી હત્યા કરતો વિકરાળ અપરાધી રામન રાઘવનની સ્ટોરી માટે મધરાતે સૂમસામ રોડ પર ફરીને મધુબહેને લીધેલી તસવીરો અને આના જેવી એમની ઘણી તસવીરક્થાઓ ગુજરાતી પત્રકારત્વનું એક યાદગાર પ્રકરણ છે.

મધુબહેન પોતે ખુદ (વજુભાઈના) આજ્ઞાંકિત વિદ્યાર્થી રહ્યાં તેમ આદર્શ શિક્ષક પણ હતાં. અમારા પત્રકાર તરીકેના પ્રારંભના દિવસોમાં અનેક વખતે એમની કોઠાસૂઝ અમને આબાદ કામ લાગી છે. આમ તો સમય જતા,‘ચિત્રલેખા’ના તંત્રી તરીકે મેં સુકાન સંભાળ્યું પછી તંત્રીવિભાગની કામગીરીમાં એ ભાગ્યે જ દખલ દેતા પણ કયારેક કોઈ વિષય કે ઘટના તરફ એ ધ્યાન દોરીને જરૂર કહેતા: ‘‘આના વિશે કંઈક કરવું જોઈએ વાચકોને ગમશે.’’ પોતાને જે ગમે એ વાચકોને અચૂક ગમશે એવી એમની હૈયાધારણા મોટાભાગે સાચી જ ઠરતી.

વિષયની જેમ કોઈ પત્રકાર-લેખકને શોધી કાઢવાની જાણે મધુબહેનમાં કોઈ ગજબની સૂઝ હતી. ‘જી’ મેગેઝિન માટે હરકિસનભાઈ હળવી શૈલીમાં શૂટિંગનો અહેવાલ લખતા અને સાથે ગયેલાં મધુબહેન શૂટિંગના ફોટા લેતાં. એમની ‘જાહેરમાં કહું છો ખાનગી રાખજો’ સ-તસવીર કૉલમ ખાસ્સી લોકપ્રિય હતી. આવા એક શૂટિંગ દરમિયાન જગ્ગા ડાકુની મુલાકાત થઈ, મધુબહેને ફોટા લીધા. હરકિસનભાઈની ઈચ્છા એકાદ લાંબો ઈન્ટરવ્યૂ લખવાની હતી. મધુબહેનને જ્ગ્ગા ડાકુની કથા વિશેષ રસપ્રદ લાગી. એ કહે: ‘‘આની કથા પરથી મુલાકાત તો ઠીક, નવલકથા લખવા જેવી છે.’’

‘‘પણ લખશે કોણ?’’ એવું હરકિસનભાઈએ પૂછ્યું તો ‘‘તમે લખી શકશો!’’ કહીને મધુબહેને પાનો ચઢાવ્યો અને હરકિસનભાઈની ‘જ્ગ્ગા ડાકુના વેરનાં વણામણાં’ નોવેલ ધારાવાહિક રૂપે પ્રગટ થઈ પછી તો ‘ચિત્રલેખા’નો પ્રવાહ જાણે પલટાઈ ગયો. એ ઝડપભેર લોકપ્રિય બની ગયું. મધુબહેને સૂચવેલી નવલકથાથી ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે એક અનોખી ઘટના સર્જાઈ ગઈ. ‘‘વાચકો ફેસલેસ હોય છે એને કોઈ ઓળખી નથી શકતું’ ’ પત્રકારત્વના પંડિતો આવું કહેતા હોય છે, પણ મધુબહેન અને હરકિસન મહેતા જેવા તંત્રી તો વાચકના ચહેરા પણ ઓળખતા ને નિપુણ વૈદ્યની જેમ એમની નસેનસ પણ જાણતા. આ જ છે એમના ‘ચિત્રલેખા’ જેવા સાપ્તાહિકની સફળતાનું રહસ્ય.

અગાઉથી ફિલ્મજગત સાથે સંકળાયેલા વજુભાઈ કોટકને વિખ્યાત અભિનેતા અશોકકુમાર સાથે સારો મનમેળ. વજુભાઈ ફિલ્મ સામાયિક શરૂ કરવા માગતા હતા. મિત્રભાવે એમણે દાદામુનિને મેગેઝિનનું નામ શું રાખવું એ વિશે પૂછયું તો કોઈ પણ વાતની શરૂઆત ‘જી’ શબ્દ સાથે કરવાની આદત ધરાવતા અશોકદા કહે:‘‘ ‘જી’ નામ રખ લો, કોટક!’’

 આવા ‘જી’નાં મધુબહેન સળંગ 50 વર્ષ સુધી તંત્રી રહ્યાં. નરગીસ-સુરૈયા-મધુબાલાના જમાનાથી લઈ છેક અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત અને રાજ દેવ દીલિપથી લઈને શાહરૂખ અક્ષયકુમાર સુધી ફિલ્મલાઈનમાં ગોસિપ-ગપગોળા-સ્કેન્ડલ્સની ભરમાર હોય છે, છતાં એને આવાં અનિષ્ટોથી દૂર રાખી ‘જી’ને એક નિર્ભેળ-સ્વચ્છ પારિવારિક ફિલ્મ સામાયિક તરીકે ટકાવી રાખ્યું. સામાયિકના રોજિંદા કામમાંથી એમણે નિવૃત્તિ લીધા પછી પણ એમને જે છેલ્લાં 70-71 વર્ષથી સતત કામનું ‘વ્યસન’ લાગી ગયું હતું એ જાણે ન છૂટતું હોય તેમ નિયમિત સપ્તાહમાં ત્રણેક દિવસ કાર્યાલયમાં આવતા. પોતે ઘરરખ્ખુ ગૃહિણી ઉપરથી તસવીરકાર એટલે પોતાની કેબિનમાં રહેલાં વર્ષોના ફોટોગ્રાફસને તારવી એનું વર્ગીકરણ કરીને ડિજિટલાઈઝડ કરાવતા. આવતી પેઢી માટે એમનો વારસો બરાબર સચવાઈ રહે એવી ચીવટ. આ રીતે વારસાને વ્યવસ્થિત કરવો એ મધુબહેન માટે નિરાંતે બેસીને પાછળ ફરી વીતેલાં વર્ષોને મમળાવી લેવાનો શ્રેષ્ઠ સમય હતો.

આવે વખતે એ મૂડમાં હોય તો ઈન્ટરકોમ કરીને પૂછે: ‘‘ઘેલાણીભાઈ, ફ્રી છો તો આવો સાથે ચા પીએ’ ’ પોતે મોટાભાગે ઉકાળો પીવે ને આપણા માટે ચા મંગાવે. એમના ટેબલ પર પાથરેલા ફોટામાંથી કોઈ કોઈ તસવીર પાછળની કથા કહે તો કોઈ કોઈ વાર વજુભાઈના હસ્તાક્ષરોવાળા ‘પ્રભાતનાં પુષ્પો’ કે એમની નવલકથાની હસ્તપત્રો પણ તમને દેખાડે. કયા સંજોગોમાં એ નોવેલ લખાઈ એની રસપ્રદ વાત પણ કહે. વજુભાઈની વાત કરતી વખતે આટલાં વર્ષો પછી પણ એમની 88-89ની આયુએ પણ પોતાના જીવનસાથી પ્રત્યેનો પ્રેમ-અહોભાવ એક મુગ્ધાની જેમ એમની આંખોમાં છલોછલ ઊભરાતો તમે જોઈ શકો!

 મધુબહેનની એક ખાસિયત કહો કે ખૂબી ‘‘અમારા જમાનામાં અમે આમ કર્યું તેમ કર્યું’’ એમની વાતમાં એવાં કોઈ ભૂતકાળનાં છબછબિયાં ન હોય. એક સશક્ત પ્રકાશન જૂથના સર્વેસર્વા હોવા છતાં મધુબહેન પોતાની સિદ્ધિઓને પ્રસિદ્ધિ આપવાથી સદાય દૂર રહ્યાં છે. આમ છતાંય એમના સંઘર્ષથી સફળતા સુધીની જીવનકથા: ‘મધુરયાત્રા’ જાણીતા પત્રકાર દેવાંશું દેસાઈએ બડી જહેમત સાથે સ-રસ રીતે આલેખી છે.  જાજરમાન ગૌર કાયા-સદાય હસતી મધુબહેનની સ્ફટિક જેવી આંખોમાં ઝલકતી ખુમારી અમે કોઈએ એમને ગુસ્સે થતાં કે રોષે ભરાતાં ક્યારે જોયાં નથી. હા, એ કોઈ વાર કોઈ વાતથી નારાજ થતાં ત્યારે એમના સહેજ વંકાતા હોઠ અને આંખમાંથી સહેજ ઉછળતી નારાજગી દેખાતી. અવાજનો ટોન પણ આછો બદલાતો. એ માત્ર ‘‘તમેય શું, ઘેલાણીભાઈ ’’ જેવા શબ્દોમાં ઠપકો આપી દે !

કોવિડના કપરા લોકડાઉન પહેલાં કાર્યાલય આવવામાં મધુબહેન અને હું ઘણી વાર સાથે થઈ જતાં. આયુના 90માં પ્રવેશી ગયેલાં મધુબહેન પર હવે વૃદ્ધાવસ્થાની આછી છાયા દેખાવા લાગી હતી છતાં એ કોઈની મદદ વગર બરાબર હરતાં-ફરતાં. થોડાં પગથિયાં ચઢો એટલે ઉપર એમની કેબિન. સર્પાકાર સીડી પર હું હાથ લંબાવીને કહું: ‘ચાલો’ સીડી ચઢવામાં કોઈ એમને આ રીતે મદદ કરે એ એમને ગમે નહીં. બહુ આગ્રહ કરું એટલે મારી હથેળીમાં એમનો હાથ કચવાતા મને મૂકે. ચારેક પગથિયાં આ રીતે સાથે ચઢ્યા પછી ધીમેથી પોતાનો હાથ સરકાવી મીઠું મલકી પૂછે: ‘‘રાજી?!’’ પછી ઉમેરે: ‘‘આટલાં વર્ષો વીતી ગયાં હવે કેટલાં બાકી? એ પણ નીકળી જશે. તમે લોકો ક્યાં સુધી સાથ આપશો?!’’

મધુબહેનની વાત સાચી હતી, પણ એમના આ શબ્દોમાં હતાશા નહોતી. નરી વાસ્તવિકતા હતી. જીવનસાથી વજુ કોટકથી લઈને કઈ કેટલાય સ્વજનો-કેટકેટલા હમરાહી-સહયોગીઓને નજર સામે જતાં જોયાં, છતાં પોતે અડગ રહ્યાં. આમેય મધુબહેન જન્મજાત લડવૈયા. અનેક પ્રકારની આફત-અવરોધ સામે લડી લેવાની એમની ઈચ્છાશક્તિ પ્રબળ અને આ જ પ્રચંડ મનોબળથી પોતાની શરતે એમણે શ્વાસની બાજી ખુદ સંકેરી લીધી .
આમેય મરણ કરતાં વધુ શક્તિશાળી હોય છે સ્મરણ! આવજો, મધુબહેન.

Most Popular

To Top