Dakshin Gujarat

સુરતમાં ધો. 10ના વિદ્યાર્થીએ પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં કરેલા આ કારનામાએ બધાને હેરાન કરી દીધા

સુરત: ધો. 10 બોર્ડની પરીક્ષા હાલ રાજ્યભરમાં ચાલી રહી છે ત્યારે સુરતના ધો. 10ના એક વિદ્યાર્થી વિશે ચોંકાવનારી હકીકત સામે આવી છે. ત્રણ દિવસ પહેલાં તા. 12મી માર્ચની રાત્રિએ સુરતના કડોદરાના જ્વેલરીના શો રૂમમાં તસ્કરોએ રૂપિયા 5 લાખની ચોરી કરી હતી. આ કેસમાં આરોપી ધો. 10નો વિદ્યાર્થી નીકળ્યો છે. આ ચોર બોર્ડની પરિક્ષા આપી રહ્યો હોય તેની ધરપકડ કરવી કે નહીં તે બાબતે પોલીસ મૂંઝવણમાં મુકાઈ હતી અને અંતે બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખી પરિક્ષા બાદ જુવેનાઈલ હોલમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો.

સુરત જિલ્લા એલસીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે કડોદરા ખાતે ગત 12મી માર્ચના રોજ મોડી રાત્રે મોનિકા જ્વેલર્સમાં તસ્કરો ત્રાટકયા હતા. સીસીટીવીમાં નજરે પડેલા બે આરોપીઓ દ્વારા શો – રૂમમાં રાખવામાં આવેલા સોના – ચાંદીના ઘરેણાં મળીને અંદાજે 5 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલા કડોદરા પીઆઈ આર એસ પટેલ સહિતના ઉચ્ચાધિકારીઓ દ્વારા લૂંટારૂઓને ઝડપી પાડવામાં માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

જેમાં પ્રાથમિક તપાસ દરમ્યાન સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અંતે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓમાં એક બાળ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વરેલી ખાતે રહેતા દિનેશ સહિત રવિ (નામ બદલેલ છે) નામના આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં વિ ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યો. હોવાનું જાણવા મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મુળ પાલી ગામના વતની આ બન્નેને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

મોજ શોખ માટે વિદ્યાર્થીએ ચોરી કરી હતી
પોલીસ દ્વારા બાળ આરોપી સહિત બન્ને આરોપીની સધન પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, માત્ર મોંધા મોબાઈલ અને કપડાંનો શોખ પુરો કરવા માટે તેઓ ચોરીના રવાડે ચઢ્યા હતા. હાલ રવિ કડોદરા ખાતે સરદાર સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળતાં પોલીસ દ્વારા તેના ભવિષ્યને ધ્યાને રાખીને બાળ સુધાર ગૃહ મોક્લવાને બદલે જયાં સુધી ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના મા- બાપ પાસે બંદોબસ્ત સાથે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક વર્ષ અગાઉ પણ દુકાનમાંથી છ લાખની ચોરી કરી હતી
કડોદરામાં જ્વેલર્સમાં ચોરીના આરોપમાં ઝડપાયેલા રવિ અને કિશન નામના આરોપીઓ વરેલીમાં સાથે રહેતા અને એક જ શાળામાં ભણતાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ બન્ને આરોપીઓ દ્વારા જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે ઘર પાસે જ એક દુકાનમાંથી તેઓએ છ લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે, વધુ તપાસ હાથ ધરતાં દુકાનદાર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ગેમમાં પૈસા જીત્યા હોવાનું કહી પિતાને બે લાખ આપ્યા
શ્રમિક પરિવારના આ બન્ને આરોપીઓ દ્વારા જ્વેલર્સમાંથી ચોરી કર્યા બાદ બે લાખ રૂપિયા પિતાઓને આપ્યા હતા. આ અંગે જ્યારે પોલીસ દ્વારા તેઓના પિતાની ઉલટતપાસ હાથ ધરવામાં આવી ત્યારે ખુદ પિતાના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી. પલસાણા જીઆઈડીસીમાં નોકરી કરતાં તેઓના પિતાએ જણાવ્યું હતું કે, રૂપિયા આપતી વખતે આ બન્ને આરોપીઓએ તેઓને ગેમ્સમાં રૂપિયા જીત્યા હોવાનું જણાવ્યું હતું. જો કે, પોલીસ દ્વારા બાકીની રકમ અંગે પૂછપરછ કરતાં તેઓએ મોબાઈલ અને કપડાં પાછળ ખર્ચ્યા હોવાનું જણાવ્યું હતું.

બાળ આરોપીના ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો
સમગ્ર પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, જ્વેલર્સમાંથી ચોરી કરવાના આરોપસર ઝડપાયેલા આરોપીઓ પૈકી એક બાળ આરોપી હોવાને કારણે પોલીસ દ્વારા તેના ભવિષ્યને ધ્યાને રાખીને હાલના તબક્કે જ્યાં સુધી તે બોર્ડની પરીક્ષા પુરી નહીં કરે ત્યાં સુધી તેને મા-પિતાની કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાં બાદ બાળ આરોપી વિરૂદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવશે.

Most Popular

To Top