Columns

જીવનસાથી

એક યુવાન રાજેશના દાદાના આગ્રહથી અરેન્જ મેરેજ રિયા સાથે નક્કી થયા.બંને ભણેલાં હતાં, રિયા સંસ્કારી કુટુંબની ભણેલી ,નોકરી કરતી છોકરી હતી. રાજેશને રિયાનો દેખાવ થોડો ઓછો પસંદ હતો તે વેસ્ટર્ન નહિ, ઇન્ડિયન દેખાવ અને કપડાં પહેરતી હતી.રાજેશે વિચાર્યું વાંધો નહિ, ધીમે ધીમે મોડર્ન વેસ્ટર્ન કપડાં પહેરતી કરી દઈશ. સગાઈ થયા બાદ પહેલી વાર રાજેશ અને રિયા મોલમાં ફરવા અને ફિલ્મ જોવા ગયાં.રિયા ઇન્ડિયન કુર્તી અને ઓક્ઝીડાઈઝડ જ્વેલરીમાં શોભતી હતી.રાજેશને પણ તેનો દેખાવ ગમ્યો. તેને કહ્યું, ‘સરસ લાગે છે.’ મોલમાં ફર્યા.રાજેશે ઘણું કહ્યું છતાં રીયાએ કોઈ શોપિંગ કર્યું નહિ.તેને કહ્યું, ‘અરે, તમને ખબર નથી હોલસેલ માર્કેટમાં આનાથી ઘણું સસ્તું અને સારું મળે છે. આપણે કોઈ દિવસ ત્યાં જઈશું.’રાજેશ બોલ્યો, ‘ભલે ..’

ફિલ્મ કઈ જોવી છે તેમાં રીયાએ તરત કહ્યું, ‘મને ફિલ્મો જોવી બહુ ગમે છે,તમારે મને તે હંમેશા ફિલ્મ જોવા લઇ જવી પડશે પણ આજે સાથે પહેલી ફિલ્મ તમારી પસંદની જોઈએ.’ રાજેશે પોતાની પસંદની ફિલ્મ કહી અને બે ટીકીટ લીધી. ફિલ્મમાં ઇન્ટરવલ પડ્યો, રાજેશે કહ્યું, ‘શું ખાઇશ? સમોસા કે પોપકોર્ન?? ઠંડું શું લઈશ?’ રીયાએ કહ્યું, ‘પોપકોર્ન વિના ફિલ્મ જોવાની મજા ન આવે, પણ પોપકોર્ન સાથે ફિલ્મ હું ઘરે જોઉં છું. અહીં દસ રૂપિયાના પોપકોર્નના કંઈ ૨૦૦ રૂપિયા ન અપાય અને ઠંડું તો નુકસાન કરે, એટલે હમણાં મારે કંઈ નથી જોઈતું.

ખોટા ૪૦૦ થી ૫૦૦ રૂપિયા બગાડવાની કોઈ જરૂર નથી.’ રાજેશ ચુપચાપ બેસી ગયો અને કૈંક વિચારવા લાગ્યો.રિયાએ પૂછ્યું, ‘તમે મને કંજૂસ તો નથી સમજી રહ્યા ને?’ રાજેશે કહ્યું, ‘ના ..ના એવી કોઈ વાત નથી.’ ફિલ્મ પૂરી કરી ઘરે જવા નીકળ્યાં.આજે સગાઈ પછી રિયા પહેલી વાર સાસરે રોકાવાની હતી.તેણે રસ્તામાં રાજેશને પૂછ્યું, ‘એક વાત કહું?’ રાજેશે કહ્યું, ‘હા, હા, બોલ. ‘ રિયા બોલી, ‘જુઓ, તમારા પોપકોર્ન અને ઠંડાના પૈસા બચ્યા જ છે તો અત્યારે ઘરે બધા માટે ચોકલેટ અને ફેમીલી પેક આઈસ્ક્રીમ લેતાં જઈએ.બધા સાથે મળી વાતો કરીશું અને આઈસ્ક્રીમ ખાઈશું.મજા આવશે.બધાને કઈ ફ્લેવર ગમે છે?’

રાજેશ બોલ્યો, ‘ભલે, ચલ, આજે તારી પસંદનું આઈસ્ક્રીમ બધા માટે લઈએ.’ રાજેશ અને રિયા આઈસ્ક્રીમ લઈને ઘરે ગયાં.બંનેના મનમાં સરસ જીવનસાથી મળ્યો તેની મીઠાશ ઘોળાઈ રહી હતી.રાજેશ વિચારીને ખુશ થઇ રહ્યો હતો કે ‘હું નાહક મોર્ડન લુક નથી તેમાં અચકાતો હતો …પણ રિયા તો કેટલી સુંદર છે, માત્ર બહારથી જ નહિ અંદરથી પણ.’ અને રિયા રાજી થઈ રહી હતી કે ‘રાજેશ કેટલા પ્રેમાળ છે. અત્યારથી મને ખુશ કરવા કેટલું કરે છે.’ એકબીજાની પસંદને અને ફેમિલીને મહત્ત્વ આપતા.જીવનસાથી જીવન શણગારે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top