SURAT

હાશ.., હજીરા-સચીન રોડ પરથી સ્પીડબ્રેકર દૂર કરાયા, આટલા દિવસ સુધી વાહનચાલકોને ટ્રાફિકમાંથી છૂટકારો મળશે

સુરત: (Surat) હજીરા-મગદલ્લા (Hazira Magdalla) હાઇ-વે (High way) ઉપર અડીને આવેલા સચિન જીઆઈડીસીના (Sachin GIDC) ગેટ નં.1 પાસે બોક્સ કલ્વર્ટનું (Box Culvert) કામ ચાલી રહ્યું હોવાથી ગભેણી (Gabheni) ચોકડી પાસે ૨થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક (Traffic) જામ થઇ રહ્યો છે. સચિન જીઆઇડીસીના ગેટ નં.1થી ગભેણી ચોકડી સુધી આવેલા 10 સ્પીડ બ્રેકરોને (Bumper ) લીધે ધીમી ગતિએ ટ્રાફિક વ્યવહાર ચાલતો હોવાથી 8 સ્પીડ બ્રેકરો સ્થાનિક વહીવટી તંત્રને વિશ્વાસમાં લઇ દૂર કરવામાં આવ્યા હતા. સચિન ઇન્ડસ્ટ્રિયલ કો.ઓ. સોસાયટીની રજૂઆતને પગલે આજે હાઇ-વે ઓથોરિટી, સુરત મનપા અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્પીડ બ્રેકર દૂર કરવા મામલે સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. હાઇ-વે ઓથોરિટી દ્વારા મંગળવારે ગભેણી ચોકડી પાસેનાં 8 સ્પીડ બ્રેકરને એક મહિના માટે દૂર કરવામાં આવ્યાં હતાં.

સચિન ઇન્ડસ્ટ્રીઝ એસો.ના અગ્રણી મહેન્દ્ર રામોલિયા અને નિલેશ કોરાટે જણાવ્યું હતું કે, સચિન જીઆઈડીસીના ગેટ નં.1થી લઈને જીઆઈડીસીના રોડ નં.૬ સુધી બોક્સ કલ્વર્ટ બનાવવાનું કામ નોટિફાઈડ ઓથોરિટી (Notified Authority) દ્વારા ચાલી રહ્યું છે. જેના કારણે જીઆઈડીસીમાં આવતા ઉદ્યોગકારોનાં વાહનોની સાથોસાથ માલ પરિવહન કરતાં ટ્રક ટેમ્પો જેવા વ્હીકલ (Vehicle) હાઈ-વે નજીક આવેલા ગેટ નં.૨ અને ગભેણી ચોકડી નજીક આવેલા ગેટ નં.8થી પસાર થાય છે. જો કે, પલસાણા (Palsana) હાઈ-વેના ફ્લાય ઓવરથી (Fly Over) સચિન જીઆઈડીસી નજીક આવતાં વાહનો અને જીઆઈડીસીમાંથી અવરજવર કરતાં વાહનોને ગભેણી ચોકડી પાસે હાઈવે ઓથોરિટીએ બનાવેલા બમ્પરથી ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે. જેના કારણે રોજ 3 કિલો મીટર જેટલો ટ્રાફિક સર્જાય છે.

આ ટ્રાફિકજામના કારણે ઉદ્યોગકારોને ત્યાંથી પસાર થવામાં કલાકથી વધુનો સમય લાગે છે. આ સમસ્યાના નિવારણ માટે હંગામી ધોરણે 1 મહિના માટે સ્પીડ બ્રેકર દૂર કરી ઉદ્યોગકારો દ્વારા ફરી બનાવી આપવાની ખાતરી આપવામાં આવી છે. આજે આ કાર્યવાહી દરમિયાન ડીસીપી પ્રશાંત સુંબે, એસીપી મેવાળા, જીઆઇડીસી પીઆઇ જાડેજા નવા સચિન ઝોનના પાલિકાના અધિકારીઓ સચિનના વિવર્સ અગ્રણીઓ મયૂર ગોળવાળા, નીરવ સભાયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Most Popular

To Top