Gujarat

દક્ષિણ ગુજરાતના આપના ચૈતર વસાવાએ હવે અલગ ભીલીસ્તાન માટે લડત માંડશે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ભાજપના (BJP) શાસનમાં આદિવાસીઓને (Tribal) અન્યાય થઈ રહયો હોવાને મુદ્દો આગળ ધરીને હવે આપ (AAP) પાર્ટી દ્ધારા ભાજપ સરકાર સામે મોરચો ખોલવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આપના દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે અલગ ભીલીસ્તાનની માંગણી કરી છે. આગામી નજીકના દિવસોમાં વસાવાએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના આદિવાસી સમાજના અગ્રણી નેતાઓની બેઠક બોલાવવાની તૈયારીઓ શરૂ કરી કરી દીધી છે.

  • ગુજરાત સહિત ચાર રાજયોના આદિવાસી સમાજના નેતાઓની બેઠક યોજવા રણનીતિ તૈયાર કરાઈ
  • ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાના લાખો આદિવાસી અને ભીલ પ્રજાતિ પેઢીઓથી શોષણ અને અન્યાયનો ભોગ બની રહી છે

વસાવા કહે છે કે, ગુજરાતમાં આદિવાસી સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહ્યું છે. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાના લાખો આદિવાસી, ભીલ પ્રજાતિ પેઢીઓથી શોષણ અને અન્યાયનો ભોગ બની રહી છે. રાજયમાં આદિવાસીઓ અને ભીલોને સન્માન અને હક અપાવવા માંગ કરવામાં આવશે. આ અમારો આજનો મુદ્દો નથી, આ માંગ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓમાંથી ઉઠી છે. આ માંગ આમ આદમી પાર્ટીની નથી, પરંતુ સ્થાનિક લોકોની છે. કેવડિયામાં તપાસ કરો તો કેવડિયા વિસ્તારમાં કેટલાય રાજકિય નેતાઓએ આદિવાસીઓની જમીન પચાવી પાડી છે. આદિવાસી સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહ્યું છે.

આદિવાસીઓ માટે અવાજ ઉઠાવનારને નકસલવાદી ચીતરી દેવાય છે
અલગ ભીલીસ્તાનની માંગ કર્યા બાદ વસાવાએ કહયું હતું કે, ‘આદિવાસીઓને થતા અન્યાય અને શોષણ સામે લડતા કોઈપણ નેતાઓને નક્સલવાદી ચીતરી દેવાય છે. તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવાના દાવપેચ રચાય છે. મને ડર છે કે, ભાજપ સરકાર મારી સામે પણ આદિવાસીઓને ન્યાય માટે ઉશ્કેરીને નક્સલવાદ ઉભો કરવાના બેબુનિયાદ આરોપો ઉભા કરી મારી રાજકિય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસ કરશે.’

Most Popular

To Top