આખરે દક્ષિણ આફ્રિકાના માથા પરથી ચોકર્સનું કલંક દૂર થયું છે. 27 વર્ષના લાંબા ઈંતજાર બાદ દક્ષિણ આફ્રિકાએ આઈસીસી (ICC) ટુર્નામેન્ટ જીતવામાં સફળતા મેળવી છે. અનેકોવાર જીતની નજીક પહોંચ્યા બાદ હારી જનાર દક્ષિણ આફ્રિકાનું નસીબ જ ખરાબ હોવાનું ચાહકોએ માની લીધું હતું, પરંતુ આજે એડન માર્કરામની મક્કમ બેટિંગના સથવારે દક્ષિણ આફ્રિકાએ સખ્ત પુરુષાર્થથી પોતાનું નસીબ લખ્યું છે.
ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશીપની લોડ્સ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી છે. (South Africa wins the World Test Championship 2025) માર્કરામ 136 રનની મેચ વિનીંગ ઈનિંગ રમી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સાઉથ આફ્રિકાને ઐતિહાસિક જીતમાં મોટું યોગદાન આપ્યું હતું.
લોડ્સ ખાતે રમાયેલી આ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 282 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી ઇનિંગમાં 212 રન અને બીજી ઇનિંગમાં 207 રન બનાવ્યા હતા. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ 138 રનમાં સમેટાઈ ગઈ હતી. પહેલી ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને 74 રનની લીડ મળી હતી.
ટાર્ગેટનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાએ તેમની બીજી ઇનિંગમાં 70 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. અહીંથી એડન માર્કરામ અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ બાજી સંભાળી. ત્રીજી વિકેટ માટે બંને વચ્ચે 147 રનની ભાગીદારી થઈ, જેના કારણે દક્ષિણ આફ્રિકા જીત તરફ અગ્રેસર બન્યું હતું.

આ ભાગીદારી દરમિયાન માર્કરામે 101 બોલમાં 11 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. ટેસ્ટ કારકિર્દીની આ માર્કરામની આઠમી સદી હતી. માર્કરામ ICC ઇવેન્ટના ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન બન્યો છે.
બીજી તરફ ટેમ્બા બાવુમાએ પણ હેમસ્ટ્રિંગની ઈજા સામે ઝઝૂમવા છતાં શાનદાર ઇનિંગ રમી હતી. બાવુમાએ 134 બોલમાં 66 રન બનાવ્યા હતા, જેમાં 5 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. બાવુમાને વિરોધી ટીમના કેપ્ટન પેટ કમિન્સે રન આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાના બીજી ઈનિંગમાં સ્ટાર્કે અર્ધસદી ફટકારી
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગની વાત કરીએ તો કાંગારૂ ટીમનો સ્કોર એક સમયે 7 વિકેટે 73 રન હતો. અહીંથી વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી અને મિશેલ સ્ટાર્કની શાનદાર બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયા 207 રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. સ્ટાર્કે 136 બોલમાં અણનમ 58 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એલેક્સ કેરીએ 50 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા માટે કાગીસો રબાડાએ બીજી ઇનિંગમાં પણ શાનદાર બોલિંગ કરી અને ચાર વિકેટ લીધી. જ્યારે લુંગી એનગિડીને ત્રણ સફળતા મળી હતી.

રબાડાના ‘પંજા’એ જીતનો પાયો નાંખ્યો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે તેમની પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા. બ્યુ વેબસ્ટરે સૌથી વધુ 72 રનની ઇનિંગ રમી, જેમાં 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથના બેટમાંથી 66 રન આવ્યા. સ્મિથે તેની ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા. દક્ષિણ આફ્રિકા તરફથી ઝડપી બોલર કાગીસો રબાડાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. રબાડાએ એક રીતે ઐતિહાસિક જીતનો પાયો નાંખ્યો હતો. જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર માર્કો જેન્સેનને ત્રણ વિકેટ મળી. સ્પિન બોલર કેશવ મહારાજ અને એડન માર્કરામે પણ એક-એક વિકેટ લીધી.
