સોશ્યલ મીડિયા આપણને એન્ટિ-સોશ્યલ બનાવી રહ્યું છે

ક વર્ષ અગાઉ સુલ્લી બાઈ અને આ વખતે બુલ્લી બાઈ નામના સોશ્યલ મીડિયા એપ મારફતે દેશની ૧૦૦ જેટલી નામી-અનામી મુસ્લિમ મહિલાને સાર્વજનિક ‘લિલામી’ કરવાના, તેમને જાહેરમાં અપમાનિત કરવાના અને ડરાવવાના ષડ્યંત્રમાં, સારા ઘરના ભણેલા-ગણેલા યુવાન છોકરાઓ સામેલ હોય એ હકીકત ભારતના રાજકારણે કઈ હદ સુધી લોકોના મનમાં ઝેર ભરી દીધું છે તે તો ઉજાગર કરે જ છે, તે ઉપરાંત ટેકનોલોજી અને સોશ્યલ મીડિયા કેટલી સરળતાથી તેજસ્વી અને આશાસ્પદ યુવા માનસને ગંદકીમાં ધકેલી રહ્યું છે તે પણ એટલી જ ચિંતાનું કારણ છે.

નવી ટેકનોલોજીઓ ઈતિહાસના દરેક પડાવ પર ફાયદાની સાથે ગેરફાયદાઓ લાવતી રહી છે પણ રાજકારણ, ટેકનોલોજી અને યુવા માનસની આવી ઝેરી જુગલબંધી જોવા મળશે એ કોઈને કલ્પના પણ નહીં હોય. એક બીજી એપ ‘ટેક ફોગ’ વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને અને ફેસબૂક-ટ્વીટરના ટ્રેન્ડસ હાઈજેક કરીને ચોક્કસ પ્રકારનો માહોલ પેદા કરી રહ્યું છે. ભારતના અનેક યુવાનો આમાં જાણે-અજાણે શિકાર બને છે. જે જાણીને શિકાર બને છે તેમના રાજકીય કે આર્થિક સ્વાર્થ છે. વિરાટ કોહલીની ૯ મહિનાની દીકરીનો બળાત્કાર કરવાની ધમકી આપનારો એક એન્જિનિયર યુવાન જેલમાં છે.

દેશની બહુમતી પ્રજાને આ બધાથી ફરક નથી પડતો અને સોશ્યલ મીડિયાના એન્ટિ-સોશ્યલ વ્યવહારને આપણે નોર્મલ ગણતા થઇ ગયા છીએ એ બતાવે છે કે આપણે કેટલી હદ સુધી ટેકનોલોજીની તોતિંગ તાકાતના ગુલામ થઇ ગયા છીએ. ૨૦ વર્ષ પહેલાં, આપણે સોશ્યલ મીડિયાના નવા રમકડાને વાપરતા થયા હતા ત્યારે આપણને અંદાજ પણ ન હતો કે એક દિવસ આ ટેકનોલોજી આપણી પેઢીને કુસંસ્કારી બનાવી દેશે અને તેમને માનસિક બીમાર કરી દેશે.

એક સમયે ટેલિવિઝન અને વીડિયો ગેમની ટેકનોલોજી સમયની બરબાદી અને સંતાનોના અભ્યાસમાં દખલઅંદાજી ગણાતી હતી પણ સ્માર્ટફોન આવી ગયા પછી હવે ટેલિવિઝન એટલું ‘નોર્મલ’ થઇ ગયું છે કે હવે કોઈ એવું નથી કહેતું કે તેને જોવાથી છોકરાં બગડી જાય છે. છોકરાંને ‘બગાડી’ મૂકવાનું લાંછન હવે સ્ક્રીનટાઈમ પર આવ્યું છે. સ્ક્રીનટાઈમ એટલે મોબાઈલ, ટેલિવિઝન, કોમ્પ્યુટર અને વીડિયો કોન્સોલ જેવાં ડિવાઈસ પાછળ ખર્ચાતો સમય.

એક તરફ બદલાતી દુનિયા સાથે કદમ મિલાવતા રહેવાની અનિવાર્યતા અને બીજી તરફ ટેકનોલોજીની આપણા મન પર પડતી અસર, બેમાંથી એકની પસંદગી કેવી રીતે થાય? અમેરિકાના પ્રિવેન્ટીવ મેડિસિન રિપોર્ટ નામની પત્રિકામાં જારી એક અભ્યાસ પ્રમાણે જે કિશોર-કિશોરીઓ દિવસના સાત કે તેથી વધુ કલાક સ્ક્રીન સામે પસાર કરે છે તેમનામાં ડિપ્રેશન અને એન્ઝાયટી આવવાની સંભાવના વધી જાય છે. અભ્યાસ પ્રમાણે ચાર કલાકનો સ્ક્રીનટાઈમ ‘આદર્શ’ છે.

સોશ્યલ મીડિયાનો ઉપયોગ જો સમજદારીપૂર્વક ન થાય તો તે માનસિક તંદુરસ્તી માટે હાનિકારક છે. પશ્ચિમમાં અનેક અભ્યાસોમાં પુરવાર થયું છે કે સોશ્યલ મીડિયા માણસોની અંદરની નકારાત્મકતાને વધુ બહાર લાવે છે. રોષપૂર્ણ, સનસનાટીવાળી, પીડાદાયક, ફરિયાદવાળી, આરોપોવાળી, બિનપાયાદાર અને લખવા ખાતર લખાયેલી વાતો (સ્ટેટસ અને કૉમેન્ટ્સ)માં વધુ લોકો જોડાય છે. એના પરથી હવે ડિજિટલ ડીસન્સી અથવા ડિજિટલ એટીકેટનું મહત્ત્વ વધ્યું છે. સોશ્યલ મીડિયા પર એવી રીતે વ્યવહાર કરવો જેથી પોતાને અને બીજાને તેનો તંદુરસ્ત અનુભવ થાય પણ તે પહેલાં સોશ્યલ મીડિયા કેવી રીતે કામ કરે છે તે સમજવું જરૂરી છે.

1. તેનું વ્યસન થઈ જાય
સોશ્યલ મીડિયા હેબીટ ફોર્મિંગ માધ્યમ છે. ઇજનેરોએ તેને બનાવ્યું છે જ એ રીતે કે વધુ ને વધુ લોકો સતત તેનો ઉપયોગ કરે. માણસની અંદરની સામાજિક વ્યવહારની માનસિકતાને ઓળખીને તેનું અેલગોરિધમ બનાવવામાં આવ્યું છે. આપણને સોશ્યલ મીડિયા પર જે પુષ્ટિ અને સ્વીકૃતિ મળે છે, તેના આનંદની આદત પડી જાય છે.

2. આત્મવિશ્વાસને ઓછો કરે છે
તમે જ્યારે સોશ્યલ મીડિયા પર સતત બીજા લોકોની ‘આદર્શ’ જિંદગીનો સામનો કરો ત્યારે તમે પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપે ખુદની સરખામણી કરતા થઈ જાવ. એમાં બે વસ્તુ થાય; તમે એનું અનુકરણ કરવાની કોશિશ કરો અથવા એમાં ત્રુટિઓ શોધીને ભાંડવાનું શરૂ કરો. ‘જાણીતા લોકો’ને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવા પાછળ આ સરખામણીનો ભાવ કામ કરે છે. તમે જે ઊંચાઈ પર ના પહોંચી શકો તો તે ઊંચાઈને ભોંયભેગી કરવી તમારા માટે અનિવાર્ય બની જાય છે.

3. અહંકારને મજબૂત કરે છે
સોશ્યલ મીડિયા વર્ચ્યુઅલ ‘ફ્રેન્ડ્સ’ની દુનિયા છે અને તેનો સઘળો પાવર તમારી આંગળીને ટેરવે છે. તમે ટોયલેટમાં બેઠા-બેઠા કે બસ-ટ્રેનમાં ધક્કા-મુક્કી કરતાં કશું પણ લખી શકો છો અને તેના માટે કોઈ જ ઉત્તરદાયીત્વ હોતું નથી. ફેસ ટુ ફેસ સંપર્કથી વિપરીત, સોશ્યલ મીડિયા પર તમે એકલા જ હો છો (અને સામે ન્યૂઝફીડ હોય છે) એટલે તમને બે આંખની શરમ નડતી નથી. પરિણામે તમે ચિક્કાર અહંકાર અને રોષ સાથે લખવા માટે મુક્ત હો છો.

4. વાતનું વતેસર જ થાય
આપણે કોઈને રૂબરૂ મળીને વાત કરીએ તો એ જે બોલે છે, તેની સાથે આપણને તેના હાવભાવ, અવાજનો ટોન, આંખોના ભાવ પણ તેની વાત સમજવામાં મદદ કરે છે. સોશ્યલ મીડિયામાં સામે વ્યક્તિ નથી હોતી એટલે તમે તેના શબ્દોનું તમારી રીતે અર્થઘટન કરો છો. હું તમને રૂબરૂમાં એમ કહું કે ‘તમને નહીં સમજાય,’ તો તે વખતે તમને મારા હોઠ પરનું હાસ્ય પણ દેખાશે અને તમે પણ હસી પડશો. સોશ્યલ મીડિયા પર તમે આ જ વાક્યનો અર્થ ‘મારામાં બુદ્ધિ ઓછી છે’ એવો કરશો.

5. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા માટે બૌદ્ધ ચિંતનમાં શબ્દો ઉચ્ચારતાં પહેલાં જે ત્રણ સવાલો પુછાયા હતા, તેનો જવાબ મેળવવો જોઈએ: 1. ‘એ સાચું છે?’ (હું લખું છું તે સાચું છે? એમાં તથ્ય છે?) 2. ‘એ જરૂરી છે?’ (તે કોઈના કામનું છે?) 3.‘એ નમ્ર છે?’(હું જે લખું છું તેમાં નમ્રતા છે? ગરિમા છે? ગહેરાઇ છે?)

Most Popular

To Top