Comments

માંદગી માનવીના સ્વભાવની બ્લ્યુ પ્રિન્ટ છે..!

માંદગીનાં વાઈબ્રેશન આવવા માંડે ત્યારથી જ અમુક તો ધ્રૂજવા માંડે. તત્કાળ કડડભૂસ થઇ જવાના હોય એમ ડરેલુ-ડરેલુ થઇ જાય. હોય ખાલી શરદી, પણ જીવલેણ રોગ ચોંટી ગયો હોય એમ, કકળાટ કરી મૂકે..! ગઈ કાલ સુધી કળા કરંતો મોર, પથારીમાં ભાંગડા કરતો થઇ જાય. એક વાત છે, ભલભલાની અસલિયત માંદગીમાં જ ઓળખાય. આપોઆપ પ્રગટ થવા માંડે. સ્વભાવની સંપૂર્ણ ‘Blue print’કાઢી આપે. ખૂબી એ વાતની કે, દર્દીને પણ જાણવાનું મળે કે, સામેવાળામાં આપણા માટે કેટલું હેત ઉભરાય છે? આપણી ચા ઢીંચીને રોજ જતો હોય અને માંદા પડ્યા તો બે સફરજન લઈને તો નહિ આવે, પણ આપણા બિછાનાના સફરજન પણ ખાઈ જાય..!

માંદગી એટલા માટે પણ આવવી જોઈએ કે, માણસની ઓળખ મળે. બરમૂડાના સંબંધનો ‘એકાઉન્ટ’ક્લોઝ કરવા જેવો છે કે બ્લોક કરવા જેવો, એનું જ્ઞાન મળે…! માંદગી બીજું કંઈ નથી, જેમ ચોઘડિયાં બદલાય, તિથિ બદલાય, પંચકોની આવન-જાવન થાય એમ શરીરમાં આવીને માંદગી ભટકાય..! બે-ચાર સ્મોલી-સ્મોલી રોગનાં આસામી હોઈએ તો, જિંદગી પણ ભરેલા રીંગણા જેવી લાગે યાર..! કોઈ પણ પ્રકારની માંદગી, અગાઉથી ટપાલ લખીને ગૃહ (શરીર) પ્રવેશ કરતી નથી. માંદગી પણ અતિથિ જેવી. ક્યારે આવીને શરીરનો ‘ડોરબેલ’વગાડે.

એનું નક્કી નહિ. હાથી કે જિરાફ બટકું ભરે તો જ માંદગી આવે એવું નથી. માઈક્રો સેન્ટીમીટરનું મચ્છરડું ચટકું મારે તો પણ માંદગી ભેટે. ‘ઓન-લાઈન’ઓર્ડર છોડવા પડતાં નથી. શટલ રીક્ષાની માફક એની આવન-જાવન ચાલુ જ હોય. ડાહી એટલી કે, આવે તો રોકાઈ પણ જાય, કે ધામો પણ નાંખે. જેવી જેવી ખાતેદારી..! (ને ‘દર્દી સાથે ફાવટ આવી ગઈ તો સાથે લઇ જાય પણ ખરી..!’એ કોણ બોલ્યું યાર..? સબર કરો ને..? ડરાવો છો શું કામ? ) માંદગી એકલી પણ આવે, ને ફેમીલી સાથે પણ આવે..! ફાફડા-જલેબીના જોડકાંની માફક શરદી આવે તો, સાથે એના પગલે ઉધરસ પણ આવે. રાજાધિરાજ યમરાજ, પાડાને બદલે શરદી-ખાંસીનું વાહન કરીને આવ્યા હોય એવું લાગે..! હસવાની વાત નથી, પણ ડરી જવાય યાર..!

 સમર્થ હાસ્યલેખક સ્વ. વિનોદ ભટ્ટ સાહેબે મૃત્યુ વિષે એક વાર લખેલું કે, ‘મૃત્યુની બીક મને એટલે લાગે છે કે, મને મારા જીવનની પડી છે. બાકી માંદગી તો મારા માટે અવારનવાર આવતી એકાદશી જેવી.’માંદગી છે યાર..! જેમ લડાઈ વગર જીવવાની મઝા નહિ આવે, એમ માંદગી વગર મરવાની પણ મઝા નહિ આવે. માંદગીને માનવીની ઉંમર સાથે ખાસ મિત્રાચારી..! ઉંમર થાય ખબર લેવા પણ અવારનવાર આવતી હોય. એમાં ‘ધાજો રે ધાજો‘જેવી હાયવોય નહિ કરાય. પછી થાય એવું કે, હાયવોય સાંભળીને સારવારને બદલે સલાહ આપવાવાળા સલાહકારોનો રાફડો ફાટવા માંડે. એની પાછળ સંવેદના આવે, કટાક્ષ આવે, ટીકા આવે, મશ્કરી ને ઉપાલંભ આવે.

સાંભળવાની સહનશક્તિ એ વખતે એવી શેર બજારની માફક તૂટી પડે કે કોઈ બોલે એટલે માથામાં હથોડાં મારતું હોય એવું લાગે. ખબર લેવાવાળો ખબર કાઢવા આવ્યો છે કે દર્દીની ખબર લઇ નાંખવા આવ્યો છે, એ નક્કી કરવાની હિંમત પણ નહિ હોય..! પાડોશીના ઘરમાંથી દરરોજ દાળનો વઘાર કે શિરામણની સુગંધ ભલે લેતાં હોય, પણ ક્યારેક કણસવાનો અવાજ આવે તો દોડી જવાનું. ઘરમાં બેસીને દીવાલ-ચાલીસા નહિ વાંચવાની. એટલા માટે કે, એમનાં સગાં તો આવે ત્યારે આવે, પણ પહેલો સગો પાડોશી કહેવાય. દોડી જવાનું યાર અને દર્દી ઉપર જ વધારે ધ્યાન આપવાનું..! બીજે ક્યાંય ડોકિયાં નહિ કરવાનાં..! મા કસ્સમ, અમુકને તો ખબર કાઢતાં પણ નહિ આવડે. દર્દીના ખાટલે બેસીને તેના જ સફરજન ઓહિયા કરી, દર્દીને ધમકાવતા હોય એમ પૂછે…

 “કેમ બહુ મોટા ઉપાડે કહેતા હતાં ને, તો આપણને નખમાં પણ રોગ નહિ..! તો આ એટેક ક્યાંથી પ્રગટ થયો? આવ્યો તો એક વાતની તો ખાતરી થઇ ને કે, ‘તમારામાં હૃદય છે..!’જુઓ, આ અગાઉ પણ તમને બે એટેક આવી ગયેલા, હવે એક બાકી રહ્યો..! એટેકના મામલા બહુ સારા નહિ, ભારે ખતરનાક..! ક્યારે ફટાકો ફોડી નાંખે એનું કાંઈ કહેવાય નહિ. બાજુવાળા ચંપકભાઈનો જ દાખલો લ્યો ને? કેવો એક જ એટેકમાં એકાઉન્ટ ક્લોઝ થઇ ગયેલો..! “સાંભળીને ખુન્નસ તો ચઢે કે, ગ્લુકોઝની નળી સાથે જ માથે બાટલો ઝીંકી દઈએ તો પાપ નહિ લાગે…!! સિંહ માંદો હોય ત્યારે સાલા સસલાં પણ કાન આમળવા આવી જાય,..!

 શરીર ભલે ભરેલાં મરચાં જેવું હોય, તો એ કુદરતનું બોનસ કહેવાય.પણ એની સામે જિંદગીની વિચારધારા પણ ભરેલાં ભીંડાં જેવી જોઈએ. શરીર હિપોપોટેમસના બચ્ચાં જેવું હોય અને જીવતરની રેસીપીમાં ભલીવાર નહિ હોય તો, એ બોનસ નહિ કહેવાય, ‘ચૌદશ’કહેવાય. ડાચું દીવેલિયું હોય તો, સામે મળતો માણસ પણ ક્ષણભર વિચારે કે, ઉઘડતા દિવસે આ ‘ચૌદશ’ના દર્શન ક્યાંથી થયાં..? માટે હસતા રહેવાનું..! આ દુનિયામાં જેમ મુસીબત વગરનો કોઈ નથી, એમ રોગ વગરનો પણ કોઈ નથી. ‘ગેસ-ટ્રબલ’પણ રોગ જ કહેવાય..! કેટલાક તો માંદગીને પણ ગર્લફ્રેન્ડની માફક પંપાળે..! કેટલાંક હોસ્પિટલને બદલે ફાઈવસ્ટાર હોટલમાં સૂતાં હોય એમ, સૂતાં-સૂતાં પણ જલસા કરે. કરે જ ને યાર..? ઘરમાં તો ચાર વાગ્યેની ચા માંગી હોય તો સાત વાગ્યે પણ આવે, અહીં તો પત્ની કાલાવાલા કરે કે, ‘થોડોક તો ચા સાથે નાસ્તો કરી લો બેબી?

પરણ્યાના પહેલા વર્ષમાં ચંદ્રમુખી લાગતી પત્ની, બે-ચાર વર્ષ પછી, સૂર્યમુખી, જ્વાળામુખી અને કાળમુખી ભલે લાગે, પણ એ જ પત્ની, હોસ્પીટલમાં દાખલ થઈએ ત્યારે ‘તું હી દાતા તું હી વિધાતા’લાગવા માંડે. પૂંઠા જેવી પત્ની મુલાયમ કાગળ જેવી લાગવા માંડે. વાઈફ સાથે ઝઘડો કર્યા વગર ભલે એક દિવસ ગયો ના હોય, પણ માંદો પડે ત્યારે, બાટલાવાળા હાથે પત્નીનો હાથ પકડીને કહે, “આજે તારા વિના મારું કોણ છે બેબી..? ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીમતિ, જૂજવે રૂપે અનંત ભાસે..!’ત્યારે પેલીનું છટકે કે લાવ એની ઓક્સિજનની નળી ઉપર પગ જ મૂકી દઉં..! શ્રીશ્રી ભગો સાચે જ કહે છે કે, ‘માણસના ઓરિજીનલ સ્વભાવને જાણવો હોય, તો માંદો પડે એની રાહ જોવાની. માંદગી માનવીના સ્વભાવની બ્લ્યુ પ્રિન્ટ છે…!

 લાસ્ટ ધ બોલ
આ લવમેરેજ અને અરેન્જ મેરેજમાં તફાવત શું..?
છોકરો એકલો ખાડામાં પડે, એને ‘લવ મેરેજ’કહેવાય. અને ૪૦-૫૦ જણા ધક્કો મારીને ખાડામાં પાડે એને ‘એરેન્જ મેરેજ’કહેવાય..!
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top