Sports

ગુજરાત ટાઈટન્સે નવા કેપ્ટનના નામની જાહેરાત કરી, ગિલને મળી કમાન

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઇટન્સ (GT) એ ટીમના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ (SubhmanGill) હવે આઈપીએલની આગામી સિઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં ગયા બાદ ગુજરાત ટાઈટન્સે આ મોટો નિર્ણય લીધો છે.

ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, શુભમન ગિલે છેલ્લાં બે વર્ષમાં ક્રિકેટમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકેની મેચ્યોરિટી જોઈ છે. મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સ એક મજબૂત ટીમ તરીકે ઉભરી આવી છે. તેની મેચ્યોરીટી અને ટેલેન્ટ તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.

શુભમન ગિલ IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેણે ઓરેન્જ કેપ જીતી હતી. ગિલે 17 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન પણ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનવાની રેસમાં હતો પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝીએ આ યુવા ભારતીય ખેલાડીને મહત્વ આપ્યું છે.

24 વર્ષીય શુભમન ગિલે 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી આઈપીએલની શરૂઆત કરી હતી. ગિલે તેની IPL કેરિયરમાં અત્યાર સુધી 91 મેચ રમી છે, જેમાં તેણે 37.70ની એવરેજથી 2790 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 18 અડધી સદી ફટકારી હતી. આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર 129 રન છે. શુભમન ગિલે તેની IPL કેરિયરમાં 273 ફોર અને 80 સિક્સર ફટકારી છે. IPL 2023ની હરાજી પહેલા ગિલને ગુજરાત ટાઇટન્સે 8 કરોડ રૂપિયામાં ખરીદયો હતો.

Most Popular

To Top