SURAT

ઘારી અને મીઠાઈઓ માટે 115 વર્ષથી સુરતીઓનું માનીતું સ્થળ એટલે શ્રીનાથજી ચુનીલાલ માવાવાળા

આપણા મોટાભાગના તહેવાર સ્વિટ્સ વગર અધૂરા છે. ફેસ્ટિવલનો આનંદ સ્વિટ્સની મીઠાશ સાથે બેવડાય જાય છે. તેમાં પણ દૂધના માવામાંથી બનતી મીઠાઈ એટલે સોનામાં સુગંધ. સુરતીઓને તો ચંદની પડવા પર તો માવા ઘારીનો સ્વાદ લીધા વગર ચાલે જ નહીં. વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ઘારી બનાવનાર સુરતના મીઠાઈ વિક્રેતાઓને અને ઘરગથ્થુ મહિલા વ્યવસાયીઓને દૂધનો શુદ્ધ માવો મળી રહે તે માટે 115 વર્ષ પહેલાં ભાગળમાં શાકમાર્કેટ પાસે શ્રીનાથજી ચુનીલાલ માવાવાળા પેઢીની સ્થાપના થઇ હતી. 115 વર્ષથી આ પેઢીએ ઉત્તમ સર્વોત્તમ ક્વોલિટીનો દૂધનો માવો સુરતીઓને પૂરો પાડવામાં કોઈ કચાશ નથી રાખી. એટલે જ આજે પણ સુરતની ગૃહિણીઓ આ પેઢીનાં માવાને જોતાં જ ઓળખી જાય છે. આ પેઢીનાં દૂધના માવા મીઠાઈઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાનો આગ્રહ મીઠાઈ વિક્રેતાઓ અને ગૃહિણીઓ કેમ રાખે છે તે આપણે આ દુકાનના બીજી અને ત્રીજી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

રોટલી અને માવો ખાતા ગોળની ચા પિતા: બીપીનચંદ્ર માવાવાળા
આ દુકાનની બીજી પેઢીનાં સંચાલક બિપીનચંદ્ર માવાવાળા એ જણાવ્યું કે તેમના પિતા શ્રીનાથજી માવાવાળા અને તેમના વડીલભાઈઓ વિશ્વંભરનાથ, દીનેશચંદ્ર, જગદીશચંદ્ર અને રમેશચંદ્ર ખેડા મેનેજમેન્ટ કરવા જતાં ત્યારે ત્યાં એક-એક મહિનો રહેતા. તે દરમિયાન રોટલી સાથે માવો ખાતા. માવો રોટલી સાથે ખાવાની મજા અનેરી હતી અને શુગર પર રિસ્ટ્રીકશન હોવાને કારણે શુગરના બદલે ગોળની ચા પીતા હતાં. ખેડામાં ભઠ્ઠીનુ કામ મુનિમ સંભાળતા હતાં. ખેડામાં પહેલાં દૂધ સારા પ્રમાણમાં મળતું હતું. પણ પછી દૂધ મંડળીઓ આવતા દૂધની આવક ઘટતા અને માણસો મેળવવાની તકલીફ હતી જેને કારણે ખેડામાં માવાની ભઠ્ઠી બંધ કરી.

સુરતનો ટ્રેન્ડ છે કે વ્યવસાય પ્રમાણે સરનેમ થઈ જાય: વિશાલ માવાવાળા
ત્રીજી પેઢીનાં સંચાલક વિશાલ બિપીનચંદ્ર માવાવાળાએ જણાવ્યું કે પહેલાં અમારી સરનેમ ખંડેલવાલ હતી પણ દૂધનો માવો વેચવાનો ધંધો હોવાથી અમારી સરનેમ માવાવાળા થઈ ગઈ. સુરતનો ટ્રેન્ડ જ છે કે જે વ્યવસાય હોય તે પ્રમાણે સરનેમ થઈ જાય. મારા દાદા શ્રીનાથજી ચુનીલાલ માવાવાળા મૂળે રાજસ્થાનના હતાં. તેઓ રાજસ્થાનથી આગ્રા શિફ્ટ થયા હતાં પછી સુરતમાં માવો વેચવાની સારી તક હોવાથી તેઓ સુરત આવીને વસ્યા. એ સમયે મીઠાઈ વિક્રેતાઓ જાતે દૂધ બાળીને માવો બનાવતાં હતા. તેવા સમયે મારા દાદા શ્રીનાથજી માવાવાળાએ માવો વેચવાની દુકાન શરૂ કરી હતી. ત્યારથી અમે માવાની ક્વોલિટી મેન્ટેન્ડ રાખી હોવાથી આજે પણ અમારી દુકાનના માવા પર સુરતીઓને ભરોસો છે.

સુરતમાં મોટાભાગનો માવો મધ્યપ્રદેશના રતલામથી આવે છે: જય માવાવાળા
ત્રીજી પેઢીનાં સંચાલક જયભાઈ જગદીશચંદ્ર માવાવાળાએ જણાવ્યું કે સુરતમાં મોટાભાગનો માવો મધ્યપ્રદેશના રતલામથી આવે છે. આ ઉપરાંત ગુજરાતમાંથી પાલનપોર, મહેસાણાથી પણ આવે છે. અમારી શરૂઆતમાં માવો બનાવવાની ભઠ્ઠી ખેડા જિલ્લામાં હતી પછી ત્યાં દૂધની આવક ઘટતા સાબરકાંઠા અનુકૂળ લાગતાં સાબરકાંઠાના રખિયાલ પાસેના લીંબમાં ભઠ્ઠી નાંખી હતી ત્યાં ભઠ્ઠી બંધ થયા બાદ ગાંધીનગરમાં ઘીયોડ ગામમાં માવો બનાવવાની ભઠ્ઠી ચાલુ કરી હતી તે પણ બંધ થઈ. હવે બહારથી જ માવો મંગાવીને વેચીએ છીએ. રતલામનું દૂધ શુદ્ધ હોય છે એટલે માવો સારો બને છે. અમે 40 વર્ષથી રતલામથી માવો મંગાવીએ છીએ.

વર્ષો જુના બાંકડા પર બેસીને ગ્રાહકો રાજકારણ અને અન્ય ટોપિક પર કરે છે ચર્ચા
આ દુકાનમાં એક બાંકડો છે જે લગભગ 70 વર્ષ જૂનો છે. સવારે અહીં ગ્રાહકોની વાતોની રમઝટ ચાલતી હોય છે. ગ્રાહકો કલાકો સુધી બાંકડા પર બેસીને રાજકારણ અને અન્ય કરંટ ટોપિક પર ચર્ચા કરતા બેસે છે. ગ્રાહકોને અહીં બેસીને ન્યૂઝ પેપર વાંચવાનું પણ વળગણ છે. આ બાંકડાની શોભા વધારવા વર્ષો પૂર્વે બે ટાઇલ્સ લગાડવામાં આવી હતી ત્યારે આ એક ટાઇલ્સની કિંમત 500 રૂપિયાથી વધારે હતી.

વિવિધ સમાજના લગ્ન પ્રસંગે માવો લઈ જાય છે
વિવિધ સમાજ જેમકે, પટેલ સમાજ, રાણા સમાજ, ખત્રી સમાજ, માહ્યયાવંશી સમાજ, મોઢ વણિક સમાજ, માળી સમાજ, ઘાંચી સમાજ, જૈન સમાજ લગ્ન પ્રસંગે કે પછી સમાજના લોકોને આપવા માટે ઘારી કે સાલમપાક બનાવે ત્યારે માવો લઈ જતા હોય છે.

લંડન અને કેનેડા પણ માવો લઈ જાય છે
વિશાલ માવાવાળાએ જણાવ્યું કે અમારી દુકાનમાંથી સાઉથ ગુજરાતમાં નવસારી, બારડોલી, વલસાડ, અંકલેશ્વર, બીલીમોરા, સોનગઢ, વ્યારા, કરચેલીયાથી આવતા ગ્રાહકો પણ માવો લઈ જાય છે. આ ઉપરાંત લંડન, કેનેડાથી સુરત આવેલા લોકો જ્યારે પાછા ઇન્ડિયાની બહાર જતા હોય ત્યારે સાથે જરૂરિયાત અનુસારનો માવો લઈ જતાં હોય છે. માવો પેક કરીને ડીપ ફ્રીઝમાં મૂકી દેવાય છે પછી 48થી 60 કલાક વાંધો નથી આવતો.

પહેલાં વાંસની ટોકરીમાં પાનનું પેકીંગ રહેતું
પહેલાંના સમયમાં જ્યારે માવો બહારથી આવતો તો તે વાંસની ટોકરીમાં આવતો અને પાનનું પેકીંગ રહેતું. જ્યારે હવે માવો જીલેટિનના કાગળમાં પેક કરીને કંતાનનું પેકિંગ થાય છે. જીલેટિનનું કાગળ ઇકોફ્રેન્ડલી છે પ્લાસ્ટીકની સ્મેલ માવામાં આવે પણ જીલેટિનની સ્મેલ માવામાં નહીં આવે.

દુકાનની સ્વચ્છતાના વખાણ smcના પૂર્વ કમિશનર SR રાવે કર્યા હતાં
બિપીનચંદ્ર માવાવાળાએ જણાવ્યું કે 1994-95માં સુરત મહાનગર પાલિકાના કમિશનર એસ.આર.રાવના સમયે ભાગળ રાજમાર્ગને પહોળો કરવા દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે સમયે એસ આર રાવે આ દુકાનની વિઝીટ કરી હતી તેમને દુકાનમાં દેખાયેલી સ્વચ્છતા અને માવાની ક્વોલિટી તથા મારી વાતચીત કરવાની ઠબ ગમી હતી. એસ આર રાવે કહ્યું હતું કે” I am pleased to visit your shop”. આ પ્રસંગને હું ક્યારેય ભૂલી શકતો નથી.

1963-64માં 4 રૂપિયે કિલો માવો વેચાતો
પહેલાં સસ્તાઈનો જમાનો હતો ત્યારે માવો આનામાં પણ વેચાતો હતો. 1963-64માં માવો 4 રૂપિયે કિલો વેચાતો હતો. હાલમાં માવો 300 રૂપિયે કિલો વેચાય છે. ગાય અને ભેંસના દૂધનો માવો સરખા ભાવે મળે છે. ક્વોલિટી પ્રમાણે માવાનો ભાવ હોય છે.

યાદગાર પ્રસંગ
2006માં સુરતમાં મોટી રેલ આવી હતી. ત્યાર પહેલાં અમારો માવો વેચાઈ ગયો હતો. મીઠાઈ વિક્રેતાઓએ ખરીદેલો માવો રેલમાં ખરાબ થઈ ગયો હોવા છતાં અમને પૈસા ચુકાવવામાં કોઈએ પણ રેલનું બહાનું કાઢીને હાથ ઊંચા નહોતા કર્યા. આ ઘટના યાદગાર બની છે. અમને રેલ છતાં વેચેલા માવાના પુરેપુરા પૈસા મળી ગયા હતાં.

ચંદની પડવા પર માવો લેવા માટે ગ્રાહકોની લાંબી લાઇન લાગે છે
સુરતમાં વર્ષોથી ચંદની પડવા પર ઘારીનો સ્વાદ લેવાનું ચલણ છે. ચંદની પડવાના બે-ત્રણ દિવસ પહેલાં ઘારી બનાવવાનું મીઠાઈ વિક્રેતાઓ શરૂ કરી દેતા હોય છે અને મહિલા વ્યવસાયીઓ પણ ઘર ગથ્થુ ઘારી બનાવી આજીવિકા મેળવતી હોય છે. ઘારી માટે માવો લેવા દુકાન પર લાંબી લાઈન લાગી જતી હોય છે. આ ઉપરાંત શિયાળામાં સાલમ પાક બનાવવા માટે પણ માવો ખરીદવા ગ્રાહકો ઉમટી પડે છે.

કોરોનાકાળ દરમિયાન 45 દિવસ દુકાન બંધ રહી હતી
વિશાલ માવાવાળાએ જણાવ્યું કે કોરોનાના લોકડાઉન દરમિયાન અમારી દુકાન 45 દિવસ બંધ રહી હતી. જ્યારે દુકાન ખુલી ત્યારે સોશ્યલ ડિસ્ટનસિંગ રાખીને ગ્રાહકોને દૂધનો માવો આપતા હતાં. આમ તો અમારી દુકાન વર્ષના 365 દિવસ ખુલ્લી રહે છે. સામાન્ય દિવસોમાં સવારે 8થી સાંજે 7.30 વાગ્યાં સુધી અને રવિવારે સવારે 8થી બપોરે 12 વાગ્યાં સુધી દુકાન ખુલ્લી રાખવામાં આવે છે. અમે ગ્રાહકો કોઈ પ્રસંગ માટે માવો ખરીદતાં હોય અને તે પ્રસંગ કેન્સલ થાય તો ઓર્ડર કેન્સલ કરી ગ્રાહકે આપેલા એડવાન્સ પૈસા પાછા આપી દઇએ છીએ.

ખેડા જિલ્લામાં માવો બનાવવાની ભઠ્ઠી હતી
આ પેઢીનો પાયો 1907માં શ્રીનાથજી ચુનીલાલ માવાવાળાએ નાંખ્યો હતો. એ સમયે દૂધનો માવો વેચતી એક જ દુકાન અસ્તિત્વમાં હતી. તેમણે ખેડા જિલ્લામાં વાસદ વેરા ખાડીમાં માવો બનાવવાની ભઠ્ઠી નાખી હતી. તે વખતે ખેડા ડિસ્ટ્રીકટમાંથી માવો બહાર મોકલવા માટે માસિક પરમીટ કલેકટર આપતાં તે પ્રમાણે ટ્રેનમાં માલ ચઢાવવામાં આવતો. શ્રીનાથજી માવાવાળા અને તેમના પુત્રો સ્ટેશને જતાં અને માવો ઘોડાગાડીમાં લાવતા અથવા તો માવો અહીં દુકાન સુધી માથે ઊચકીને લાવતા. હાથ લારીમાં પણ દુકાન સુધી માલ લાવવામાં આવતો. શરૂઆતમાં 40થી 50 કિલો માલ લાવવામાં આવતો. 1980 સુધી સુરતમાં માત્ર 3 થી ચાર જ દૂધનો માવો વેચતી દુકાન હતી. પહેલાં માત્ર મીઠાઈ વિક્રેતાઓ જ માવો ખરીદતાં હતા.

2006ની રેલમાં 25 હજાર રૂપિયાના માલને નુકસાન
2006માં સુરતમાં આવેલા ભયંકર પુરની યાદો તો સુરતીઓના માનસ પટ પરથી ક્યારેય નહીં ભૂંસાય. એ રેલમાં મોટાભાગનું સુરત 4થી 5 દિવસ પુરના પાણીમાં જ હતું. લોકોની માલ-મિલકતને ખાસ્સું નુકસાન થયું હતું. બીપીનચંદ્ર માવાવાળાએ જણાવ્યું કે તેમની આ દુકાનમાં પણ 3થી ચાર ફૂટ પાણી ભરાયું હતું. જોકે તેમનો મોટાભાગનો માવો વેચાઈ ગયો હતો એટલે બહુ નુકસાન નહીં થયું હતું પણ 25 હજાર રૂપિયા જેટલો માવો ખરાબ થઈ જતા ફેંકવો પડ્યો હતો અને દુકાન પણ ખાસ્સા દિવસ બંધ રાખવી પડી હતી. ત્યારબાદ દુકાનમાં રીનોવેશન પણ કરાવ્યું હતું.

Most Popular

To Top