Sports

શોએબ અખ્તર બનવાની ઘેલછામાં ઉમરાન મલિકની પ્રતિભા વેડફાઇ ન જાય!

IPL દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમીને પોતાની બોલીંગની સ્પીડને કારણે ચર્ચામાં આવેલા ઉમરાન મલિકે કેટલીક મેચોમાં એટલી સ્પીડથી બોલ ફેંક્યા હતા કે તેની સામે ઘણા સારા બેટ્સમેન પણ છકક્ડ ખાઇ ગયા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં તેણે શ્રેયસ અય્યરને બોલ્ડ કર્યો તે યોર્કર એટલો ઝડપી અને સટીક હતો કે તેની સામે કોઇ પણ બેટ્સમેન ગોથું ખાઇ જાય. તેની આવી બોલીંગને કારણે જ ટીમ ઇન્ડિયાના માજી કોચ રવિ શાસ્ત્રીથી લઇને દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ બોલર ડેલ સ્ટેન સહિતના ક્રિકેટર્સે એક જ વાત દોહરાવી છે કે ઉમરાન મલિકને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવો જોઇએ. ઉમરાનની સ્પીડ એટલી છે કે પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમતાની સાથે જ તે ભારતના સૌથી ઝડપી ઇન્ટરનેશનલ બોલર તરીકેનું  ટેગ મેળવી શકે છે. પરંતુ શું ખરેખર તેના માટે ટીમ ઈન્ડિયામાં પ્રવેશવાનો યોગ્ય સમય છે?

આ સવાલનો જવાબ તેને ટીમમાં સામેલ કરવાની તરફેણ કરનારા દિગ્ગજ ખેલાડીઓ જ આપતા કહે છે કે કદાચ નહીં, કારણ કે આ તમામ એક વાત પર સહમત છે કે ઉમરાન ત્યારે જ ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી બની રહેશે જ્યારે તે ઝડપી હોવાની સાથે પોતાની બોલીંગને વધુ ધારદાર બનાવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર ઝડપ જ નહીં પણ યોગ્ય લાઇન લેન્થ સાથેની કુશળતા પણ હોવી જરૂર છે. જે કુશળતા જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારમાં છે તેવી જ કુશળતા હોવી જોઈએ. માત્ર ઝડપી બોલિંગ જ નહીં પણ ઈરફાન પઠાણની જેમ સ્વિંગ કરાવવાની અને  ભુવીની જેમ ધીમા બોલ ફેંકીને તેના પર વિકેટ ખેરવે અને જસપ્રીત બુમરાહની જેમ પાવરપ્લે અને ડેથ ઓવરમાં ભરોસાપાત્ર હોય. જો આમાંથી કોઈ એકના પણ ગુણ ઉમરાનમાં આવી જશે તો એ વાતમાં કોઇ શંકા નથી કે ઈન્ટરનેશનલ લેવલે આવતાની સાથે જ તે છવાઇ જશે.

માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાની લગભગ દરેક ટીમ એક સ્પીડસ્ટાર પેસર માટે ઝંખે છે. પાકિસ્તાન પાસે સમયાંતરે શાનદાર બોલરો રહ્યા છે, પરંતુ વસીમ અકરમ, વકાર યુનુસને બાદ કરતા કોઈ પણ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરી શક્યું નથી. શોએબ અખ્તર, મોહમ્મદ આસિફ, મોહમ્મદ આમિર જેવા સારા પેસરો પણ આવ્યા હતા. પરંતુ તેમનો ક્રેઝ વસીમ અને વકાર જેવો નહોતો. આ રીતે ભારત ઘણા સમયથી ઝહીર ખાનની શોધમાં છે. હવે ભારતને ઉમરાનના રૂપમાં સારો પેસર મળવાની શક્યતા છે. તે ઓવરના દરેક બોલને 150-155 કિમી પ્રતિ કલાકની ઝડપે સરળતાથી ફેંકી શકે છે. IPL 2022માં તેની સૌથી વધુ ઝડપ 157 kph હતી, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં અત્યાર સુધીની બીજી સૌથી ઝડપી ડિલિવરી બની હતી.

ઉમરાન દરેક મેચમાં બને તેટલી ઝડપી બોલિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે લાઇન લેન્થ પર ધ્યાન આપી રહ્યો નથી. આ જ કારણ છે કે તેને છેલ્લી 3 મેચમાં વિકેટ મળી નથી અને ઘણો માર પડી છે. તેણે પંજાબ કિંગ્સ સામે 4 ઓવરમાં 48 રન, દિલ્હી કેપિટલ્સ સામે 4 ઓવરમાં 52 રન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બે ઓવરમાં 25 રન આપ્યા હતા. ઉમરાને સમજવું પડશે કે સ્પીડ હંમેશાં બેટ્સમેનોને ચોંકાવી દેવાનું હથિયાર ન હોઈ શકે. કોઈએ તેમને કહેવાની જરૂર છે કે ક્યારેક તોપ જે નથી કરતી તે તલવાર કરે છે. IPL એ માત્ર પૈસા કમાવવાની ટુર્નામેન્ટ જ નહીં પરંતુ ભારત માટે ટેલેન્ટ હન્ટ શો પણ સાબિત થઇ છે. ભારતને આ ટુર્નામેન્ટમાંથી જસપ્રીત બુમરાહ અને દીપક ચાહર મળ્યા છે, જ્યારે હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા જેવા ઓલરાઉન્ડર સહિત એક એકથી ચડિયાતા ખેલાડી મળ્યા છે. હવે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી ઉમરાન સામે આવ્યો છે, ત્યારે આખો દેશ તેને હાથ લંબાવીને આવકારવા આતુર છે.

ભારતના માજી કોચ રવિ શાસ્ત્રી સનરાઇઝર્સ હૈદરાબાદની દરેક મેચમાં એક વાતનું પુનરાવર્તન કરે છે. ઉમરાન મલિક ભારતનું ભવિષ્ય છે પરંતુ તેને તાલીમની જરૂર છે. આકાશ ચોપરા અને સુનીલ ગાવસ્કરે પણ આ વાત કહી છે. હરભજન સિંહે તો ત્યાં સુધી કહ્યું કે તેને T 20 વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતારવો જોઈએ. એક છેડેથી જસપ્રીત બુમરાહ અને બીજે છેડેથી ઉમરાન મલિક બોલીંગ કરે તો આ જોડી ભારત માટે ઘણી મજબૂત બની રહેશે. જો ઉમરાનનો ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ એટલે કે શોએબ અખ્તર (ક્રિકેટ જગતનો સૌથી ઝડપી બોલર) બનવાનો ક્રેઝ નહીં જાય તો તે પોતાની જાતને બરબાદ કરી નાખશે એવી ભીતિ સેવાઇ રહી છે. અને અલબત્ત, આ ચમકતો તારો હાલ તો સૂર્યની જેમ ઝળહળી રહ્યો છે, તે કદાચ આઈપીએલ પુરી થતાની સાથે જ અતીતમાં ન ખોવાઇ જાય તેનું ધ્યાન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ પણ ધ્યાનમાં રાખવું પડશે.

Most Popular

To Top