Gujarat

રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 31મેએ પૂર્ણ પરંતુ હજી 8 મહિના ફરજ બજાવશે

ગાંધીનગર: રાજ્યના પોલીસવડા (State police chief) આશિષ ભાટિયાને (Ashish Bhatia) એક્સટેન્શન (Extension) આપવામાં આવ્યું છે. પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેએ પૂર્ણ થવાનો હતો પરંતુ આઠ મહિના માટે તેમનો કાર્યકાળ લંબાવી દેવામાં આવ્યો છે. 2020માં ગુજરાત રાજ્યના પોલીસવડા પદ માટે આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યસચિવ પંકજકુમારને પણ 31 જાન્યુઆરી 2023 સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યના મુખ્યસચિવ પંકજકુમારને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પંકજકુમાર નવી સરકારને સોગંદ લેવડાવશે. રાજ્યના પોલીસવડા અને મુખ્યસચિવના એક્સટેન્શનને કેન્દ્ર સરકારે લીલીઝંડી આપી છે.

1985ની બેચના આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCP, રેલવેના DGP અને CID ક્રાઇમ વડા સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. 2016માં તેમણે સુરતના પોલીસ કમિશનર તરીકે પણ ફરજ નિભાવી હતી. 31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસવડાપદેથી શિવાનંદ ઝાનીના નિવૃત્ત થયા બાદ આશિષ ભાટિયાની નિમણૂૂક કરવામાં આવી હતી. 2 વર્ષ પહેલાં એક નિયમ બનાવવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના પોલીસવડા માટે 2 વર્ષનો કાર્યકાળ ફરજિયાત કરવામાં આવ્યો હતો. જેથી જે પણ રાજ્યના પોલીસવડાના રાજ્યમાં બે વર્ષ ખૂટતા હોય તો પોલીસવડાને એક્સટેન્શન આપવામાં આવશે. આ અગાઉ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કેરળ, તામિલનાડુ સહિતનાં રાજ્યોમાં પોલીસવડાના એક્સટેન્સન લંબાવવામાં આવ્યા છે.

રાજ્યના પોલીસવડા તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મે 2022નાં રોજ પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ વધુ આઠ મહિના માટે તેમનો કાર્યકાળ લંબાવવા માટે ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને કેબિનટ કમિટી દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે. તેથી કહી શકાય કે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સુધી આશિષ ભાટિયા રાજ્યના પોલીસવડા તરીકે પોતાની ફરજ નિભાવશે. મળતી માહિતી મુજબ આ અગાઉ આશિષ ભાટિયા ખરાબ સ્વાસ્થને લઈને સરકાર પાસે રાજ્યના પોલીસવડાના પદ પરથી હટાવા માટે રજૂઆત કરી હતી પરંતુ સરકારે તેમની આ વાત નકારી કાઢી હતી. પરંતુ તેમના એક્સટેન્શનના સમાચારથી નવા પોલીસવડાની અટકળો પર હાલ પૂર્ણ વિરામ લાગી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના એંધાણો દેખાઈ રહ્યા છે તેથી પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવી દેવામાં આવ્યો છે.

રાજયના પોલીસવડા આશિષ ભાટિયાનો જન્મ હરિયાણામાં થયો છે અને તેમણે એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આશિષ ભાટિયા 2016માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ સિવાય તેમણે ઘણા મોટા ક્રાઈમના કેસો હેન્ડલ કર્યા છે. અમદાવાદનો સિરિયલ બ્લાસ્ટ હોય કે કોઈ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી વ્યક્તિગત હ્યુમન નેટવર્કના આધારે કેસ સોલ્વ કરનારા ફિલ્ડ અધિકારી તરીકે જાણીતા છે. આશિષ ભાટિયાએ ત્રણ હાઈપ્રોફાઈલ કેસ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Most Popular

To Top