Comments

રાઘવ સહિત સાત સાંસદો ભાજપમાં : ભારતના રાજકારણના ન્યૂ નોર્મલ

આમ આદમી પાર્ટીના સાત રાજ્યસભા સાંસદોનું એકસાથે ભાજપમાં જોડાવું એ ભારતીય રાજકારણની એક અત્યંત મોટી અને દુર્લભ ઘટના છે. રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં આ સાંસદોએ પક્ષપલટો કર્યો હતો, જેને રાજ્યસભાના અધ્યક્ષે માન્યતા પણ આપી દીધી છે. અલબત્ત આ ઘટના સંદર્ભે અનેક પ્રશ્નો ઊઠ્યા છે. એ બધાના જવાબ મળવા લગભગ અસંભવ લાગે છે. આ ઘટનાના પડઘા કોના પર કેવા પડશે એ પણ રસપ્રદ બનવાનું છે.

સૌ પ્રથમ તો ભારતના રાજકીય પક્ષો, એના નેતાઓ અને રાજકારણ પાસે લોકોની જે અપેક્ષા રહેતી હોય છે એ ભાંગીને ક્યારની ભુક્કો થઇ ગઈ છે. કોઈ પણ પક્ષ પાસે નીતિરીતિની અપેક્ષા રહી નથી. હવે માત્ર એક જ ધ્યેય છે કે વિરોધીઓને યેનકેન પ્રકારેણ પરાસ્ત કરવા. ચૂંટણી થકી એ ના થાય તો બીજા ઉપાયો કરવા અને એમાં ગમે તે હદ સુધી જઈ શકાય ને એ હવે ભારતના રાજકારણના ન્યુ નોર્મલ બનતા જાય છે. 

પક્ષની વિચારધારાનો કોઈ મતલબ જ રહ્યો નથી. એવી અપેક્ષા પણ કોઈ પાસે રાખવી નકામી છે પણ એમાં એટલું માનવું રહ્યું કે, ભાજપમાંથી બીજા પક્ષમાં જવાનું પ્રમાણ સાવ નહીંવત્ છે. સત્તા નહોતી ત્યારે પણ એ પ્રમાણ ઓછું હતું અને આજે સત્તા છે તો પણ સ્થિતિ બહુ બદલાઈ નથી. પણ ભાજપ જે રીતે વિપક્ષને માત કરી રહ્યો છે એ રીતભાત પણ ગળે ઊતરે એવી નથી. હવે કોઈ પાર્ટી, પાર્ટી વિથ એ ડીફરન્સ એવા દાવાઓ કરી શકે એમ નથી. ભારતના રાજકારણના ઇતિહાસમાં નવાં પ્રકરણ ઉમેરાવા લાગ્યાં છે.

રાઘવ ચઢ્ઢાની જ વાત કરીએ. આ રૂપકડો, શિક્ષિત ચહેરો આપમાં જ નહિ લોકોમાં લોકપ્રિય બન્યો. એમણે સંસદમાં એવા મુદા્ ઉઠાવ્યા કે જે પ્રજાને સીધા અસરકર્તા હોય અને એમાં કેટલીક સફળતા પણ મળી પણ હવે એ આપમાંથી  ભાજપમાં ગયા તો લાગે છે કે બધું પૂર્વનિર્ધારિત હતું. અલબત્ત કેજરીવાલનાં ચાલ-ચરિત્ર પહેલાં જેવાં રહ્યાં નથી. પણ સામા પક્ષે જે રાઘવ કે જે ભાજપ સામે ઉગ્રતાથી વાત મૂકતા હતા એ ભાજપમાં જ જાય એ ગળે ઊતરે એવી વાત નથી. એમણે આપ સામે ભ્રષ્ટાચારની વાત કરી તો ભાજપ પણ ક્યાં દૂધે ધોયેલો છે. એટલે રાઘવે જે કારણો આપ્યાં છે એ પ્રતીતિજનક તો નથી જ.

સરવાળે વાત તો એ જ છે કે, બધાને સત્તા જોઈએ છે. સત્તાની નજીક રહેવું છે. એમાં થોડો પણ કાપ મુકાય કે તમારું મહત્ત્વ ઘટાડી દેવામાં આવે તો પક્ષની વિચારધારા કોરાણે મૂકી દેવામાં આવે છે. એમ તો આપને ભાજપની બી ટીમ કહેવામાં  આવે છે. આમેય આવું કાંઈ પહેલી વાર બન્યું નહિ. ભારતીય રાજકારણમાં બે-તૃતીયાંશ  બહુમતી સાથે આખો ‘લેજિસ્લેચર પક્ષ’ બીજા પક્ષમાં ભળી જવાની ઘટનાઓ અગાઉ પણ બની છે. જૂન ૨૦૧૯માં TDPના ૬ રાજ્યસભા સાંસદોમાંથી ૪ સાંસદો (સી.એમ. રમેશ, વાય.એસ. ચૌધરી વગેરે) એકસાથે ભાજપમાં જોડાયા હતા ત્યારે પણ ૨/૩ ની સંખ્યા હોવાથી તેમનું સભ્યપદ રદ થયું નહોતું. ૨૦૨૨માં ગોવામાં કોંગ્રેસના ૧૧ માંથી ૮ ધારાસભ્યો એકસાથે ભાજપમાં જોડાયા હતા.

જો કે આ ઘટના થોડી અલગ છે. રાઘવ ચઢ્ઢા પક્ષના સ્થાપક સભ્યોમાંના એક અને અરવિંદ કેજરીવાલના અત્યંત નજીકના ગણાતા હતા. તેમનું જવું એ ‘આપ’ માટે મોટો નૈતિક ફટકો છે. આ યાદીમાં પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ, સ્વાતિ માલીવાલ, સંદીપ પાઠક, અશોક મિત્તલ, વિક્રમ સાહની અને રાજેન્દ્ર ગુપ્તા જેવાં મોટાં નામો સામેલ છે. આ સાતમાંથી છ સાંસદો પંજાબના છે. ભાજપ અત્યારે પંજાબમાં પોતાનો પગપેસારો કરવા માંગે છે, ત્યારે આટલા મોટા ગજાના નેતાઓનું આવવું એ પંજાબના રાજકારણ માટે નવી વાત છે.

અગાઉની આવી ઘટનાઓની જેમ, અહીં પણ એન્ટી-ડિફેક્શન લો (પક્ષપલટા વિરોધી કાયદો) ની કલમ ૪ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કોઈ પક્ષના ૨/૩ થી વધુ સાંસદો/ધારાસભ્યો બીજા પક્ષમાં ભળે, તો તેને ‘મર્જર’ (વિલીનીકરણ) માનવામાં આવે છે અને તેમનું સભ્યપદ રદ થતું નથી. આપ પાસે ૧૦ સાંસદો હતા, જેમાંથી ૭ (એટલે કે ૭૦%) ભાજપમાં ગયા હોવાથી આ ટેકનિકલ બહુમતી સાબિત થઈ ગઈ છે. જો કે, જાણીતા એડવોકેટ કપિલ સિબ્બલના કહેવા મુજબ કાયદા મુજબ આ વાત યોગ્ય નથી. કાનૂની પેચ છે પણ કોર્ટમાં આવા ચુકાદા આવતાં બહુ સમય લાગે છે. શિવસેનાના બે ફાડચા પડ્યા એ કેસ હજુય કોર્ટમાં ચાલે છે.

બીજું કે, સાત સાંસદોનું સભ્યપદ ચાલુ રહેવાનું છે કે નહિ અને એ મુદે્ આપ કયાં પગલાં લે છે એય મહત્ત્વનું બનશે. પણ કેજરીવાલ અને એના સાથીઓએ એ પણ વિચારવું પડશે કે એમના સાથીદારો એક પછી એક એમને છોડીને કેમ જાય છે. હવે આપ પાસે એક પંજાબ જ બચ્યું છે. એમની હાલત ખરાબ છે. રાજકીય અસ્તિત્વના પડકારો એમની સામે ઊભા થયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top