દ્રશ્ય એક : ઉનાળાનો ધોમધખતો તાપ…તપતો સુરજ…સખ્ત ગરમી અને આ બધાની વચ્ચે રોજ તૈયાર થઇ ડ્રેસ ઉપર સફેદ શર્ટ પહેરી, સ્કાર્ફની બુકાની બાંધી ગોગલ્સ પહેરી તડકાથી બચવા માટે દસ મીનીટની તૈયારી કરી સ્કુટી પર બેસીને નિશા ઓફીસ જવા નીકળતી અને સતત મનમાં વિચારતી કે આ તડકાથી બચવા કેટલી જહેમત કરવી પડે છે, વળી હેલ્મેટ પહેરવાથી ગુંગળામણ થાય છે અને તેમાં વળી ટ્રાફિકના ત્રાસને કારણે ઓફીસ પહોંચતા અડધોથી પોણો કલાક લાગે છે.
આ ગરમી અને ગરદી બંને નો ત્રાસ છે જો ઇએમઆઈ ભરવાની મજબૂરી ન હોત તો આ નોકરી છોડીને શાંતિથી ઘરમાં બેસત પણ મજબુરી છે કે નોકરી છોડી શકાય તેમ નથી. દ્રશ્ય બીજું: ઉનાળાનો ધોમધખતો તાપ…તપતો સુરજ…સખ્ત ગરમી અને આ બધાની વચ્ચે રોજ તૈયાર થઈને એક મિનીટ પણ આગળ પાછળ થવાય તો બસ ચુકી જવાય અને કામ પર મોડું પહોંચાય અને મેડમ ખીજાય રોજ મોડું ન થાય અને બસ ચુકી ન જવાય તે માટે મહેનત કરતી મંજુ દોડીને ગરમીમાં, બસની ગરદીમાં ઊભા ઊભા કામ પર પહોંચતી.
મંજુ વિચારતી કે ‘સારું થયું આજે બસ ચુકી ન ગઈ નહીં તો મેડમની વઢ ખાવી પડત.’ દ્રશ્ય ત્રીજું : ઉનાળાનો ધોમધખતો તાપ…તપતો સુરજ…સખ્ત ગરમી અને આ બધાની વચ્ચે રસ્તા પર આમ થી તેમ ટ્રાફિકમાં કારથી કાર સુધી ફરીને ગજરા વેચતી ચમેલી, સખ્ત ગરમીમાં પોતાના કરતા ગજરાના ફૂલો કરમાઈ ન જાય તેની પર તેનું ધ્યાન અને વિચારતી કે ‘આજે ગરમી બહુ છે ભગવાનને એજ પ્રાર્થના છે કે આ ગજરા જલ્દી વેચાઈ જાય તો જે પૈસા મળે તેમાંથી થોડો લોટ અને દાળ ચોખા લઈને ઘરમાં છોકરાઓને રોટલો ખવડાવું.’
ઉપરના ત્રણ દ્રશ્યમાં માત્ર ગરમી અને ધોમધખતો તાપ જ સર્વ સામાન્ય છે બાકી દરેક જીવન અને જીવનનો આયામ અલગ અલગ છે. ચમેલી પાસે કામ નથી તેથી પૈસા કમાવા તે રસ્તા પર તાપમાં ગજરા વેચે છે તેને તાપની કોઈ પરવા નથી, પોતાની કોઈ પરવા નથી… પરવા છે ગજરાની અને તે વેચીને પૈસા કમાવાની અને બાળકોને રોટલો ખવડાવવાની… બીજા દ્રશ્યમાં મંજુ પાસે કામ છે, ગરમીમાં બસમાં ધક્કા ખાઈને ગરદીમાં પિસાઈને તેને કામ પર સમયસર પહોંચવાની ચિંતા છે નહીં તો મેડમ ખીજાશે.
પહેલા દ્રશ્યમાં નિશા પાસે નોકરી છે, ગરમીમાં બસની ગરદીમાં હેરાન થવાનું નથી છતાં તેને પોતાની સ્કુટી પર બેસીને ધોમધખતા તાપમાં નોકરી પર જવામાં તકલીફ પડે છે અને જો ઇએમાઈ ન ભરવાના હોય તો તેને નોકરી છોડી ઘરે બેસવું છે. દરેકના જીવનના આયામ અલગ હોય છે કોઈ ધોમધખતા તાપની ચિંતા કર્યા વિના રસ્તા પર પૈસા કમાવા મહેનત કરે છે, કોઈ કામ પર પહોંચવા ગરમી અને ગરદીમાં બસ પકડવા દોડે છે, કોઈ તડકામાં સ્કુટી પર કામ પર જવામાં પરેશાન અનુભવે છે. પોતાની પાસે જે છે, જે કામ છે, જે સંજોગ છે, જે પરિસ્થિતિ છે તે બધાનો સ્વીકાર કરો અને તેમાં સકારાત્મક બાજુ જોઇને આગળ વધો. જીવનના આયામ હંમેશા સકારાત્મક રાખો.