માર્વેલના લોકપ્રિય સુપરહીરો સ્પાઇડર-મેનની નવી ફિલ્મ ‘Spider-Man: Brand New Day’ ભારતમાં રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મે પહેલા જ દિવસે અંદાજે 72 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કરીને હોલિવૂડ ફિલ્મોની ભારતીય ઓપનિંગનો નવો રેકોર્ડ બનાવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સાથે જ અગાઉ ‘Avengers: Endgame’ના નામે રહેલો ઓપનિંગ ડેનો રેકોર્ડ પણ પાછળ રહી ગયો છે. માત્ર બે દિવસમાં જ ફિલ્મે ભારતમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે. ટોમ હોલેન્ડ ફરી એકવાર સ્પાઇડર-મેનના પાત્રમાં જોવા મળી રહ્યો છે, જ્યારે ઝેન્ડાયા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઓપનિંગ વીકએન્ડમાં 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફિલ્મની કમાણી જેટલી ચર્ચામાં છે, એટલી જ ચર્ચા તેના હિન્દી ડબિંગને લઈને પણ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનો એક ડાયલોગ વાયરલ થયો છે, જેમાં સ્પાઇડર-મેન અને તેના મિત્ર નેડ વચ્ચેની વાતચીતમાં લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા હિન્દી ડબિંગમાં નેડ કહે છે, “બતા ભી દો મોટા ભાઈ, રિસ્ક હૈ તો ઇશ્ક હૈ…”, જેના જવાબમાં સ્પાઇડર-મેન કહે છે, “શેઠજી, બાઘા યહ રાઝ બાવરી કો ભી નહીં બતાયેગા.”
આ ડાયલોગ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર માર્વેલના ઘણા ચાહકોએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે અંગ્રેજી મૂળ વર્ઝનમાં આવો સંવાદ નથી અને ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને હિન્દી ડબિંગમાં વધારાના સંદર્ભો ઉમેરવામાં આવ્યા છે. કેટલાક ફેન્સનું માનવું છે કે આવા સંવાદોથી ફિલ્મના ગંભીર દૃશ્યનો પ્રભાવ ઓછો થઈ જાય છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે માર્વેલ ફિલ્મોની હિન્દી ડબિંગની ગુણવત્તા છેલ્લા કેટલાક સમયથી ઘટી રહી છે. કેટલાકે તો એવી પણ પ્રતિક્રિયા આપી કે આવા ડાયલોગ સાંભળ્યા બાદ તેઓ ફિલ્મ હિન્દીમાં જોવાનું પસંદ નહીં કરે.
બીજી તરફ કેટલાક દર્શકોએ આ ડબિંગને મનોરંજક ગણાવીને સમર્થન પણ આપ્યું છે. તેમનું કહેવું છે કે સ્થાનિક સંદર્ભો ઉમેરવાથી ભારતીય દર્શકો સાથે જોડાણ વધુ મજબૂત બને છે અને ફિલ્મ વધુ મજેદાર લાગે છે. ડબિંગને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા અને મતભેદ ચાલુ હોવા છતાં ફિલ્મની કમાણી પર તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી. ‘Spider-Man: Brand New Day’ હાલમાં દેશભરના સિનેમાઘરોમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે અને બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.