ઇન્ડોનેશિયાના મદુરા ટાપુ નજીક એક પેસેન્જર જહાજમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત અને 41 ગુમ થયાના અહેવાલ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઘટના બાદથી બચાવ કામગીરી ચાલુ છે. ઇન્ડોનેશિયાની બચાવ એજન્સી અનુસાર આગ લાગી ત્યારે 271 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. રવિવાર બપોર સુધીમાં ઓછામાં ઓછા 225 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા અને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
અહેવાલો અનુસાર જહાજ પૂર્વ જાવા પ્રાંતના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસર જઈ રહ્યું હતું ત્યારે જાવાના ઉત્તરપૂર્વ કિનારે આવેલા મદુરા ટાપુ નજીક આગ લાગી હતી. બચાવ મિશન માટે અનેક જહાજો તૈનાત કરવામાં આવ્યા છે અને અધિકારીઓ આસપાસના પાણીમાં શોધખોળ ચલાવી રહ્યા છે જેથી તેમાં સવાર લોકોને શોધી શકાય. આગનું કારણ હજુ સુધી નક્કી થયું નથી.
આવી જ ઘટના એક વર્ષ પહેલા બની હતી
આ ઘટના એક વર્ષ પહેલા ઇન્ડોનેશિયામાં બીજા જહાજમાં આવી જ ભીષણ આગ લાગી હતી. જુલાઈ 2023 માં ઉત્તર સુલાવેસી પ્રાંત નજીક એક પેસેન્જર જહાજમાં આગ લાગી હતી, જેના પરિણામે ત્રણ લોકોના મોત થયા હતા અને આશરે 150 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. KM બાર્સેલોના 5 નામના આ જહાજમાં 280 લોકો સવાર હતા. આ ઘટના 19 જુલાઈના રોજ રાજધાની મનાડો નજીક બની હતી.
ઇન્ડોનેશિયામાં આવા અકસ્માતો સામાન્ય છે
અગાઉ 2021 માં ટર્નેટથી રવાના થયાના થોડા સમય પછી મોલુક્કા સમુદ્રમાં KM કાર્યા ઇન્દાહમાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરો અને ક્રૂને પાણીમાં કૂદી પડવાની ફરજ પડી હતી. અધિકારીઓ અને સ્થાનિક માછીમારી બોટની મદદથી કુલ 181 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાં 22 બાળકો અને 14 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. ઇન્ડોનેશિયામાં આવા અકસ્માતો સામાન્ય માનવામાં આવે છે. તે વિશ્વનો સૌથી મોટો દ્વીપસમૂહ રાષ્ટ્ર છે જેમાં 17,000 થી વધુ ટાપુઓનો સમાવેશ થાય છે.