Dakshin Gujarat

ચીખલીના મલવાડા હાઇવે પર સર્વિસ રોડનું કામ 7 મહિનાથી અધુરૂં રહેતા વાહન ચાલકોના માથે જોખમ

ઘેજ: ચીખલીના (Chikhli) મલવાડા – મજીગામ નેશનલ હાઇવે (Malwada – Majigam National Highway) સ્થિત અંડરપાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્યવહાર શરૂ કરાયાને 7 માસ જેટલો લાંબો સમય વીતવા છતાં સર્વિસ રોડના (Service Road) ઠેકાણા નહીં હોવાથી વાહન ચાલકોના માથે જોખમ યથાવત રહ્યું છે. હાઇવે ઓથોરિટિના બેદરકારીભર્યા વહીવટમાં મજીગામ -થાલા વચ્ચેની લંબાઇમાં વર્ષોથી સર્વિસ રોડનું કામ અધ્ધરતાલ રહ્યું છે.

દિવસ – રાત વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે પર મલવાડા – મજીગામ ફાટકનો વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો હતો અને જે સમસ્યાના નિવારણ માટે સ્થાનિકોની વર્ષો જુની માંગને ધ્યાનમાં લઇ હાઇવે ઓથોરિટી દ્વારા મલવાડા – મજીગામ ફાટક પાસે કરોડો રૂપિયના ખર્ચે અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આ અંડરપાસ વાહન ચાલકો માટે ગત મે માસમાં જ ખુલ્લો મૂકી દેવાયો હતો. અંડરપાસ પર વાહન વ્યવહાર શરૂ કરાયાને સાતેક માસ વીતવા છતાં સર્વિસ રોડનું અધુરુ કામ કોઇક કારણોસર પૂરુ કરાયુ નથી અને આજે સર્વિસ રોડના અધૂરા કામને પગલે અંડરપાસનો પૂરતો મતલબ નહીં રહેવા સાથે વાહન ચાલકોના માથે જોખમની સ્થિતિ યથાવત રહી છે.

માર્ગ સિકસ લેન કરાયાને વર્ષો વીતી ગયા છતાં સર્વિસ રોડને પૂર્ણ કરાયો નથી

નેશનલ હાઇવે પર મજીગામથી થાલા વચ્ચેની લંબાઇમાં મલવાડા અંડરપાસ પાસે, કાલાખાડી નજીક, થાલામાં કસ્તૂરી ટ્રેડર્સ સહિતના વિસ્તારમાં વર્ષોથી સર્વિસ રોડનું કામ અધુરુ છે અને જૈસે થે ની સ્થિતિમાં જ જોવા મળી રહ્યું છે. ખરેખર હાઇવે ઓથોરિટિએ સર્વિસ રોડના અધુરા કામને પૂર્ણ કરવા આળશ ખંખેરવી જોઇએ. આમ, તો નેશનલ હાઇવેનું વિસ્તૃતિકરણ કરીને સિકસ લેન કરાયાને પણ ઘણા વર્ષો વીતી ગયા છે તેમ છતાં સર્વિસ રોડને પૂર્ણ કરવામાં આવ્યો નથી. સત્તાધારી ભાજપ પક્ષના ચૂંટાયેલા નેતાઓની પણ નિષ્ક્રિયતા પણ આ માટે જવાબદાર જણાઇ રહી છે.

વાહન ચાલકો રોંગ સાઇડે જતા જોખમ

થાલાના અનિલભાઇ આહિરે જણાવ્યું હતું કે થાલામાં કસ્તૂરી ટ્રેડર્સ પાસે સર્વિસ રોડ અધૂરો હોવાથી ચીખલી તરફ જવા માટે હાઇવે પર રોંગ સાઇડે ચઢવુ પડે છે અને આવી સ્થિતિમાં રાત્રિ દરમ્યાન જોખમ વધી જતુ હોય છે ત્યારે સર્વિસ રોડની અધૂરી કામગીરીથી લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.

Most Popular

To Top