Madhya Gujarat

નડિયાદમાં દાંડીમાર્ગની અવદશાને જોઇને દંડક ગિન્નાયા

નડિયાદ: નડિયાદ શહેરના માર્ગોની અવદશાની સાથે સાથે દાંડી માર્ગ પણ હાલમાં અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટના પણ ઠેકાણા હોતા નથી. માર્ગ પરના જોખમી ખાડામાં વરસાદી પાણી ભરાઇ રહેવાને કારણે વાહનચાલકો માટે ખાડા જોખમી અને જીવલેણ પુરવાર થાય તેવી સ્થિતીમાં છે. આ બાબતને ગંભીરતાથી લઇને વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય દ્વારા હાઇવે ઓથોરિટીને પત્ર લખીને સત્વરે ખાડા પુરવાની તેમજ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની રજૂઆત કરી છે.

નડિયાદ શહેરના ડભાણથી લઇને કોલેજ રોડ સુધી અને ત્યાંથી આગળ ઉત્તરસંડા સુધીના દાંડી માર્ગ પર છેલ્લા લાંબા સમયથી અત્યંત જોખમી ખાડા પડી ગયા છે. ઠેરઠેર વરસાદમાં રસ્તો ધોવાઇ ગયો છે. શહેરના કોકરણ હનુમાનજી મંદિર પાસેનો ખાડામાં અનેક વાહનચાલકો જોખમી રીતે પછડાયા છે. આ ઉપરાંત સંતરામ રોડ, કોલેજ રોડ ઉપર પણ ઠેરઠેર માર્ગ ધોવાઇ ગયો છે અને અત્યંત જોખમી ખાડા પડી ગયા છે. વરસાદમાં આ માર્ગ પર અને ખાડામાં પાણી ભરાઇ જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇના ધ્યાને આવતાં તેઓએ નેશનલ હાઇવે ઓથોરિટીને એક પત્ર લખીને દાંડી માર્ગ નવો બનાવવા તેમજ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં ભરવા રજૂઆત કરી છે.

શહેરના ખાડા પુરવા પણ ટકોર કરવી પડી

નડિયાદ શહેરના માર્ગો પર ઠેરઠેર જોખમી ખાડા પડી ગયા છે. જેને કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતને લઇને પણ ધારાસભ્ય દ્વારા ખાડા પુરવાની સૂચના આપવામાં આવી છે. અલબત્ત, રાજ્ય સરકાર દ્વારા ખાડાને લઇ જાહેર કરવામાં આવેલા વોટ્સઅપ નંબર બાદ પાલિકા અને આરએન્ડબીના અધિકારીઓ ઉંઘતા ઝડપાયાં છે. તેમાંય દંડકના પત્ર બાદ પાલિકા અને આરએન્ડબીના રસ્તા ક્યારે મારમત કરે છે ? તેના પર સૌની નજર છે.

Most Popular

To Top