Columns

બ્રિટન ભારતની વેક્સિનના કોવિન સર્ટિફિકેટને કેમ ગણકારતું નથી?

એક સમય એવો હતો કે બ્રિટનના સામ્રાજ્યમાં કદી સૂર્યનો અસ્ત થતો નહોતો. આજે બ્રિટનનું સામ્રાજ્ય બ્રિટીશ ચેનલ પૂરતું મર્યાદિત થઈ ગયું છે, પણ તેની સામ્રાજ્યવાદી મનોદશામાં ફરક પડ્યો નથી. તાજેતરમાં ભારતની કોવિશીલ્ડ વેક્સિન બ્રિટનમાં ચાલે કે નહીં? તેનો વિવાદ પેદા થયો હતો. કોવિશીલ્ડની ફોર્મ્યુલા હકીકતમાં બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે, પણ તેનું ઉત્પાદન ભારતની સિરમ ઇન્સ્ટિટ્યૂટ કરે છે.

ભારતમાં જે એસ્ટ્રાઝેનેકા વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવે છે તેની બ્રિટનમાં નિકાસ કરવામાં આવે છે અને બ્રિટન સરકાર દ્વારા તેને માન્યતા મળેલી છે, પણ બ્રિટન ભારતમાં જ બનતી કોવિશીલ્ડ વેક્સિનને માન્ય ગણવા તૈયાર નહોતું. ભારતનો કોઈ નાગરિક કોવિશીલ્ડના બે ડોઝ લઈને બ્રિટન ગયો હોય તો પણ તેણે કોરોનાનો ટેસ્ટ કરાવવો પડે છે અને ફરજિયાત દસ દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડે છે. તેનો અર્થ એવો થાય કે બ્રિટનને ભારતમાં બનતી કોવિશીલ્ડ વેક્સિન પર ભરોસો નથી.

ભારત સરકારે કોવિશીલ્ડ બાબતમાં બ્રિટન સાથે બહુ લમણાંઝીંક કરી તે પછી બ્રિટન હવે ભારતની કોવિશીલ્ડ વેક્સિનને માન્યતા આપવા તૈયાર થયું છે, પણ વેક્સિન લેનારા ભારતીય નાગરિકને જે ઓનલાઇન કોવિન સર્ટિફિકેટ આપવામાં આવે છે, તેને માન્ય રાખવા બ્રિટન તૈયાર નથી. બ્રિટનને લાગે છે કે ભારતમાં ભ્રષ્ટાચારને કારણે લાખો લોકો વેક્સિન લીધા વિના કોવિન પર રજિસ્ટ્રેશન કરાવીને ક્યુઆર કોડ ધરાવતું સર્ટિફિકેટ મેળવી લે છે. આ સર્ટિફિકેટનું ચેકિંગ કરવામાં આવે તો તે સાચું પુરવાર થાય છે, પણ તે સર્ટિફિકેટ વેક્સિન ન લેનારાં લોકો પણ સહેલાઈથી મેળવી લેતા હોય છે. બ્રિટન અને અમેરિકામાં ઓનલાઇન સર્ટિફિકેટને બદલે ડોક્ટર દ્વારા હાથે લખીને આપવામાં આવેલાં સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવે છે, પણ ભારતનું ઓનલાઇન સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવતું નથી. ભારતે તેના માટે પણ બ્રિટન સાથે લમણાંઝીક કરવી પડી રહી છે.

વેક્સિન અને તેના સર્ટિફિકેટના વિવાદમાં એક મૂળભૂત મુદ્દો જ ભૂલાઈ જાય છે. આ મુદ્દો વેક્સિન સર્ટિફિકેટને ઇન્ટરનેશનલ ટ્રાવેલ સાથે સાંકળવાને લગતો છે. દુનિયામાં કોવિડ-૧૯ નો પ્રાદુર્ભાવ થયો તે પહેલાં કોઈ પણ દેશમાંથી બીજા દેશમાં જવા માટે તે દેશના પાસપોર્ટની જરૂર પડતી હતી. દાખલા તરીકે ભારતનો કોઈ નાગરિક દુનિયાના કોઈ પણ દેશમાં જવા માગતો હોય તો તે ભારતનો પાસપોર્ટ લઈને દુનિયાના કોઈ પણ દેશમાં ટ્રાવેલ કરી શકતો હતો. કોરોનાને કારણે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

દુનિયાના ઘણા દેશોમાં કાયદા કરવામાં આવ્યા છે કે કોઈ બીજા દેશનો નાગરિક વેક્સિન લીધા સિવાય તે દેશમાં પ્રવેશ કરી શકતો નથી. જો કે તે દેશનો જ નાગરિક વેક્સિન લીધા વિના પોતાના દેશમાં ટ્રાવેલ કરી શકે છે. હકીકતમાં કોરોના વેક્સિન લીધા પછી પણ કોરોના થાય છે અને કોરોનાથી મોત થાય છે; તો પણ વેક્સિન લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. તેનો કોઈ વિરોધ કરવાનો વિચાર પણ ન કરે તે માટે વેક્સિન સર્ટિફિકેટનો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. ભારતનું વેક્સિન સર્ટિફિકેટ બ્રિટનમાં માન્ય ગણાય કે નહીં? તેની ચર્ચા કરનારા લોકો પણ એક વાત સ્વીકારી લેતા હોય છે કે બ્રિટનમાં પ્રવેશવા માટે વેક્સિન સર્ટિફિકેટ તો હોવું જ જોઈએ. હવે સવાલ ભારતનું સર્ટિફિકેટ બ્રિટનમાં માન્ય ગણાય કે નહીં? એટલો જ બાકી રહ્યો છે.

જે રીતે બ્રિટન ભારતનું વેક્સિન સર્ટિફિકેટ માન્ય નથી રાખતું તેમ દુનિયાના ઘણા દેશો એકબીજાનાં સર્ટિફિકેટો માન્ય રાખતા નથી. દાખલા તરીકે ચીન દુનિયાના કોઈ દેશનું વેક્સિન સર્ટિફિકેટ માન્ય રાખતું નથી. દુનિયાના કોઈ પણ દેશના નાગરિકને ચીનમાં પ્રવેશ કરવો હોય તો તેમણે પોતાના દેશમાં વેક્સિન લીધી હોય તો પણ ચીનમાં પ્રવેશ કરવા માટે ફરજિયાત ક્વોરન્ટાઇન થવું પડે છે અને ચીનની વેક્સિન લેવી પડે છે. તેવી રીતે ચીનમાં બનેલી વેક્સિનને યુરોપ અને અમેરિકાના દેશો માન્ય ગણતા નથી.

આ અરાજકતાનો અંત આણવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દુનિયાના તમામ દેશોને માન્ય હોય તેવાં વેક્સિન સર્ટિફિકેટનો વિચાર વહેતો મૂકવામાં આવ્યો છે. સપાટી ઉપર સરળ જણાતો આ ઉપાય બહુ ખતરનાક છે. જો આખી દુનિયાના તમામ દેશોમાં એકસરખું વેક્સિન સર્ટિફિકેટ આપવાનું હશે તો તે માટે એક કેન્દ્રિય સંસ્થા પણ હોવી જોઈએ. આ કેન્દ્રિય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ હોઈ શકે છે. ધારો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને વિશ્વના તમામ દેશોના નાગરિકોને વેક્સિન સર્ટિફિકેટ આપવાનું કામ સોંપવામાં આવશે તો તે પાવરફુલ બની જશે. દુનિયાના તમામ લોકો તેની હેઠળ આવી જશે.

યુરોપ અને અમેરિકાના કેટલાક દેશો દ્વારા ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે વેક્સિન પાસપોર્ટનો વિચાર વહેતો મૂકવામાં આવ્યો છે. આ વિચાર મુજબ દુનિયાના તમામ દેશોનાં નાગરિકોને જો એક દેશમાંથી બીજા દેશમાં મુસાફરી કરવી હોય તો તેમણે વેક્સિન પાસપોર્ટ કઢાવી લેવો પડશે. આ પાસપોર્ટ દુનિયાના તમામ દેશોમાં માન્ય રાખવામાં આવશે. આ વિચાર પણ ખતરનાક છે. વર્તમાનમાં કોઈ પણ દેશમાંથી બીજા દેશમાં ટ્રાવેલ કરવું હોય તો તે દેશની સરકાર નાગરિકને પાસપોર્ટ આપવાની સત્તા ધરાવે છે. જો દુનિયામાં વેક્સિન પાસપોર્ટની પ્રથા શરૂ કરવામાં આવશે તો દરેક દેશની પાસપોર્ટ જારી કરવાની સત્તા છીનવાઈ જશે. આ સત્તા કોઈ જાગતિક સત્તાના હાથમાં ચાલી જશે. આ સત્તા વર્લ્ડ ગવર્નમેન્ટની સમકક્ષ હશે. જો વર્લ્ડ ગવર્નમેન્ટના હાથમાં આ પ્રકારની તમામ સત્તાઓ ચાલી જશે તો દેશોનું સાર્વભૌમત્વ ખતરામાં આવી જશે. દુનિયાના તમામ દેશની સરકારો અને તેની કરોડોની વસતિ વન વર્લ્ડ ગવર્નમેન્ટની કાયમી ગુલામ બની જશે.

ભારતનો કોઈ પણ નાગરિક હેલ્થ સેન્ટરમાં કોરોનાની વેક્સિન લેવા જાય ત્યારે તેને મફતમાં વેક્સિન આપીને તેની પાસેની કેટલી મોટી મૂડી ઝૂંટવી લેવામાં આવે છે, તેની તેને ખબર નથી. કોરોનાની વેક્સિન લેવા માટે કોવિન એપ ડાઉનલોડ કરવી પડે છે અને તેના ઉપર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. આ માટે આધાર કાર્ડનો નંબર પણ આપવો પડે છે. નાગરિક જેવો કોવિનમાં પોતાના આધાર કાર્ડનો નંબર દાખલ કરે કે તરત તેની જાણ બહાર તેનો આધાર કાર્ડનો બધો ડેટા કોવિનના સર્વરમાં ચાલ્યો જાય છે. આ રીતે કોવિનમાં આધાર કાર્ડનો ડેટા ટ્રાન્સફર કરવા માટે વેક્સિન લેનારની પરવાનગી પણ માગવામાં આવતી નથી. આધાર કાર્ડના ડેટામાં નાગરિકનું નામ, સરનામું, ફોન નંબર, ફોટો, આંગળાની છાપ, આંખની કીકીની છાપ વગેરે અંગત વિગતો હોય છે.

આ ખાનગી વિગતો માત્ર સરકારના હાથમાં જ નહીં પણ કોવિન એપનું સંચાલન કરનારી વિદેશી કંપનીના હાથમાં ચાલી જાય છે. આ કોલમમાં અગાઉ જણાવ્યું હતું તેમ કોવિનનો તમામ ડેટા વિદેશી સર્વરમાં સ્ટોર કરવામાં આવે છે. જો સીબીઆઈ જેવી જાસૂસી સંસ્થાના હાથમાં આ ડેટા આવી જાય તો તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન મુજબ દુનિયાના બધા દેશો ભેગા મળીને વેક્સિન સર્ટિફિકેટનું કોઈ કોમન ફોર્મેટ બનાવશે તો તે ફોર્મેટનું સંચાલન કરતી કંપનીના હાથમાં ભારતના તમામ વેક્સિન લેનારા નાગરિકોનો ડેટા ચાલ્યો જશે. કદાચ વેક્સિન અને વેક્સિન પાસપોર્ટ લેવા જતાં આપણે આપણી સ્વતંત્રતા ગુમાવી બેસીએ તેવું કાવતરું ઘડાઈ રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top