Vadodara

નાની દુકાન, મોટા સપના: મોબાઈલ રિપેરિંગ કરનાર પિતાના પુત્રે ધોરણ 12માં મચાવી ધૂમ

  1. 700માંથી 636 ગુણ સાથે 98.80 પર્સન્ટાઈલ, A1 ગ્રેડ હાંસલ કરીને પરિવારનું નામ રોશન કર્યું
  2. દૈનિક 12-14 કલાક અભ્યાસ અને પરિવારના સહકારથી સફળતાની શિખર સર કરી

મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતા પિતાના પુત્રની ઝળહળતી સિદ્ધિ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 4
કહેવાય છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને અવિરત મહેનત હોય તો આર્થિક પરિસ્થિતિ ક્યારેય આડે આવતી નથી. આ વાતને સાકાર કરી બતાવ્યું છે વડોદરાના નિસર્ગ વિમલભાઈ ફિચાડીયાએ, જેમણે ધોરણ 12ના પરિણામોમાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે.

વડોદરાના માંડવી વિસ્તારની ઘડિયાળી પોળમાં રહેતા નિસર્ગના પિતા વિમલકુમાર ફિચાડીયા મોબાઈલ રિપેરિંગની નાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતાં હોવા છતાં, તેમણે પોતાના પુત્રના અભ્યાસમાં ક્યારેય કમી આવવા દીધી નથી.
નિસર્ગે કુલ 700માંથી 636 ગુણ મેળવી 98.80 પર્સન્ટાઈલ સાથે A1 ગ્રેડ હાંસલ કર્યો છે. વિષયવાર તેના ઉત્તમ પરિણામોમાં ઓર્ગેનાઈઝેશન ઓફ કોમર્સમાં 99 ગુણ, સ્ટેટિસ્ટિક્સમાં 97, ઈકોનોમિક્સમાં 96, એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટમાં 94 અને સેક્રેટરી પ્રેક્ટિસમાં 90 ગુણ મેળવ્યા છે. ગુજરાતી અને અંગ્રેજીમાં અનુક્રમે 79 અને 81 ગુણ મેળવ્યા છે.
નિસર્ગની માતા શીતલબેન જણાવે છે કે તે સ્વઅનુશાસિત હતો અને તેને અભ્યાસ માટે ક્યારેય ટોકવો પડતો ન હતો. નિસર્ગ દરરોજ ઘરે 6 થી 7 કલાક અને ટ્યુશન ક્લાસમાં પણ એટલો જ સમય અભ્યાસ માટે ફાળવતો હતો. સંયુક્ત પરિવારમાં રહેતા નિસર્ગને દાદા-દાદી સુરેશભાઈ અને ઇન્દુબેન તરફથી સતત માનસિક ટેકો મળતો રહ્યો.
આ સફળતા છતાં નિસર્ગ ખૂબ નમ્ર છે. તે ભવિષ્યમાં કોમર્સ ક્ષેત્રે આગળ વધી સીએ અથવા ACCA કરવાનો સંકલ્પ ધરાવે છે. પિતાના સંઘર્ષને સફળતામાં પરિવર્તિત કરવાનો તેનો નિર્ધાર હવે સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
નિસર્ગની આ સિદ્ધિ તે તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે, જે સંજોગોને કારણે પાછળ પડી જાય છે. તેની સફળતા સાબિત કરે છે કે ‘જ્યાં ચાહ, ત્યાં રાહ’.

Most Popular

To Top