Dakshin Gujarat

સાયણમાં કરંટ લાગતાં કામદારનું મોત થયું સાથી કર્મચારીઓએ કર્યો હલ્લાબોલ

દેલાડ: સાયણમાં (Sayan) એક યુ.પી.વાસી શ્રમજીવી યુવાનને સોસાયટીમાં આવેલી પલટેક્સ (Paltex) કંપનીના વીજ સપ્લાય માટે મૂકવામાં આવેલા વીજકંપનીના (power company) ટી.સી.નો કરંટ (current) લાગતાં શ્રમજીવી યુવાનનું મોત નીપજ્યું હતું. યુવાનનું મોત થતાં વિફરેલા કામદારોએ શેઠ મૃતકના પરિવારજનોને રૂ.૨૫ લાખનું રકમ વળતર આપે તેવી માંગ સાથે ઘટના સ્થળેથી બે કલાક સુધી લાશ ઉઠાવવા દીધી ન હતી. જો કે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો કાબૂમાં લેતાં છેવટે લાશને પીએમ માટે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવી હતી.

વીજકંપનીના ટી.સી.માંથી અચાનક ઇલેક્ટ્રિક વીજ કરંટ લાગ્યો હતો
મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વારાણસીનો વતની સિકંદર રાજકુમાર (ઉં.વ.૨૮) હાલ ઓલપાડના સાયણ ટાઉનના આદર્શનગર-૨ સોસાયટીમાં પાલ ભવન એપાર્ટમેન્ટના મકાન નં.૫માં તેના સગા કાકા છાગુર, નાનો ભાઈ શેરૂ તથા મામા-ફોઈના ભાઈઓ સાથે રહી દવલબા ટેક્સટાઇલમાં નોકરી કરતો હતો. ગત શુક્રવાર, તા.૭ના રોજ સાંજે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે ૫:૪૨ કલાકના સુમારે તેના રહેઠાણની સોસાયટીની અંદરના ખાતા નં.૩૬માં પલટેક્સ નામની કંપનીની દીવાલ પાસેના વીજકંપનીના ટી.સી.માંથી અચાનક ઇલેક્ટ્રિક વીજ કરંટ લાગ્યો હતો. જેથી તે ડાબા હાથે ગંભીર રીતે દાઝી જતાં ઘટના સ્થળે જ પ્રાણપંખીડું ઊડી ગયું હતું. આ મામલે મૃતક યુવાનના નાના ભાઈ શેરૂએ સાયણ આ.પો. ચોકીમાં જાણ કરી હતી. જેથી પોલીસે લાશનો કબજો લઈ સરકારી દવાખાનામાં પીએમ કરાવી હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. જો કે, યુવાનના મોતનું રહસ્ય તો પીએમ રિપોર્ટ બાદ જ ખૂલશે.

વળતર ન મળે ત્યાં સુધી લાશનો કબજો ન સ્વીકારીએ એવી માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાનની લાશનું પી.એમ. પૂરું થયાના ચોવીસ કલાક પછી પણ પરિવારજનો અને કામદારો જ્યાં સુધી શેઠ પરિવારને 25 લાખનું વળતર ન મળે ત્યાં સુધી લાશનો કબજો ન સ્વીકારીએ એવી માંગ સાથે અડિંગો જમાવ્યો છે. જેના પગલે લાશ હાલ સાયણ ખાતેના સરકારી દવાખાનાના પી.એમ. રૂમમાં પડી રહી છે.

Most Popular

To Top