National

મુસ્લિમોમાં કલા, લેખનની સૌથી વધુ ક્ષમતા, બોલિવૂડને પણ ટોચ પર લાવ્યા- શરદ પવારનું નિવેદન

નાગપુર: (Nagpur) જો આપણે આજે કલા, કવિતા અને લેખન (Art, Poetry and Writing) વિશે વાત કરીએ તો લઘુમતીઓમાં આ વિભાગોમાં યોગદાન આપવાની સૌથી વધુ ક્ષમતા છે. બોલિવૂડમાં કોણે સૌથી વધુ યોગદાન આપ્યું છે? મુસ્લિમ કલાકારોએ (Muslims Artist) સૌથી વધુ યોગદાન આપ્યું છે અને આપણે તેઓને અવગણી શકીએ નહીં. એનસીપીના (NCP) વડા શરદ પવારે (Sharad Pawar) આ વાત કહી. તેઓ નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. શરદ પવારે કહ્યું કે દેશના દરેક ક્ષેત્રમાં લઘુમતીઓ અને ઉર્દૂ ભાષાનું યોગદાન છે. તેમણે કહ્યું કે આજે દરેક ક્ષેત્રમાં પછી તે કલા હોય, લેખન હોય કે કવિતા, મુસ્લિમો અને ઉર્દૂ ભાષાનું સૌથી વધુ યોગદાન છે. બોલીવુડને ટોચ પર લઈ જવાનું કામ મુસ્લિમોએ કર્યું છે.

મોહન ભાગવતના નિવેદન પર વળતો પ્રહાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના નિવેદનને આવકાર્યું હતું કે સામાજિક ભેદભાવ પેદા કરતી દરેક વસ્તુને ફગાવી દેવી જોઈએ. પવારે કહ્યું કે આવા નિવેદનનો ખરેખર અમલ થવો જોઈએ તે માત્ર દેખાડો કરવા માટે ન કહેવું જોઈએ.

ભાગવતે આ નિવેદન આપ્યું હતું
શુક્રવારે ભાગવતે કહ્યું હતું કે વર્ણ અને જાતિ જેવી વિભાવનાઓને સંપૂર્ણપણે નકારી દેવી જોઈએ. તેમણે કહ્યું કે હવે જ્ઞાતિ પ્રથાની કોઈ પ્રાસંગિકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે પોતાના પૂર્વજો દ્વારા થયેલી ભૂલો સ્વીકારવામાં અને માફી માંગવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ.

સમાજનો એક મોટો વર્ગ આવા ભેદભાવથી પીડાઈ રહ્યો છે
નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે આવા નિવેદનોને વાસ્તવિક વ્યવહારમાં અમલમાં મૂકવાની જરૂર છે અને માત્ર કહેવા માટે કહેવું જોઈએ નહીં. પવારે કહ્યું કે સમાજનો એક મોટો વર્ગ આવા ભેદભાવથી પીડાઈ રહ્યો છે. પરંતુ એક હકીકત એ પણ છે કે જે લોકો આવા ભેદભાવ માટે જવાબદાર હતા. તેઓને લાગે છે કે તેનો અંત થવો જોઈએ. તે સારી વાત છે. એનસીપીના વડાએ કહ્યું કે માત્ર માફીથી કામ નહીં ચાલે. તે બધું તેના પર નિર્ભર કરે છે કે આપણે સમાજના આ વર્ગ સાથે ખરેખર કેવું વર્તન કરીએ છીએ.

Most Popular

To Top