Dakshin Gujarat

હર હર શંભુ…શિવ મહાદેવ: બે વર્ષ બાદ પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરે મેળો યોજાયો

દેલાડ: ઓલપાડ તાલુકાના સરસ ગામે (Saras Village) આવેલા ઐતિહાસિક પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ (Siddhanath Mahadev) મંદિર ખાતે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના સરસ ગામે શિવભક્તોની આસ્થાના પ્રતીક સમાન અને ઓલપાડ કોર્ટના વહીવટ તાબા હેઠળનું ઐતિહાસિક અને પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરના પરિસરમાં દર વર્ષે હિન્દુ શાસ્ત્રના માગશર સુદ અગિયારસના દિનથી બેદિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે, છેલ્લાં બે વર્ષ દરમિયાન કોરોના કાળની મહામારી (Corona Epidemic) પ્રતિબંધના કારણે મંદિર પરિસરમાં યોજાતો અદભૂત મેળો તે સમય દરમિયાન મોકૂફ રાખવામાં આવ્યો હતો.

નાની-નાની રાઇડ્સમાં બાળકોએ મજા માણી હતી
ચાલુ વર્ષે કોરોના નહીંવત જણાતાં મેળો યોજાયો હતો. આ મેળામાં સુરત શહેર સહિત ઓલપાડ, ચોર્યાસી, હાંસોટ અને કામરેજ તાલુકાનાં ગામોના શિવભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને શ્રી સિદ્ધનાથ મહાદેવદાદાની પૂજા-અર્ચના કરી શિવજીના દર્શનનો લહાવો લીધો હતો. જો કે, મોરબીની દુર્ઘટના બાદ આ વેળા મેળામાં ચકડોળ જેવી મોટી મોટી રાઈડ્સની મંજૂરી મળી ન હતી,પરંતુ નાની-નાની રાઇડ્સમાં બાળકોએ મજા માણી હતી. આ મેળામાં જીવનજરૂરી વસ્તુઓ, ખાણીપીણી, મનોરંજન સાધન, રમતગમતના સાધન, કપડાંના વિવિધ સ્ટોલ લાગ્યા હતા. જેમાં મેળામાં મહાલવા આવેલા સુરત શહેર અને કાંઠા વિસ્તારના લોકોએ ખરીદી પણ કરી હતી. આ ઉપરાંત ચોર્યાસી તાલુકામાંથી આવેલા વાંસવા અને દામકા ગામના વેપારીઓ દ્વારા તાડના ફળમાંથી બનતા મૂળ દંતાળાનું પણ વેચાણ કરાયું હતું.

અંકલેશ્વર ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૬મી સ્પોર્ટ્સ મીટનું આયોજન
અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલા ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે૧૬મી સ્પોર્ટ્સ મીટમાં ૧૨ શાળાનાં ૨૮૦૦ બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.રમતને પ્રોત્સાહન મળે તે માટે ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા દર વર્ષે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવે છે. જે સ્પોર્ટ્સ મીટમાં જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી વિવિધ શાળાનાં બાળકો ભાગ લેતા હોય છે. ત્યારે સોમવારે ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૬મી સ્પોર્ટ્સ મીટ યોજાઈ હતી..

જેમાં ૧૨ શાળાનાં ૨૮૦૦ જેટલાં બાળકોએ ૧૦૦,૨૦૦ અને ૪૦૦ મીટર દોડ, વોલીબોલ તેમજ ચેસ સહિત ૧૫ જેટલી રમત રમાડવામાં આવી હતી. આ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ મીટ આજથી પાંચ દિવસ ચાલશે, જેમાં વિજેતા શાળા અને રમતવીરને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સ્પોર્ટ્સ મીટમાં સંચાલક ક્રિષ્ના મહારાઉલજી અને સભ્યો તેમજ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top