સાપુતારામાં ઝરમર વરસાદ-ઘુમ્મસીયા વાતારવણમાં પ્રવાસીઓને મજા પડી

સાપુતારા: (Saputara) ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, પીંપરી, આહવા, બોરખલ, સુબિર, સિંગાણા, બરડીપાડા, મહાલ સહિતનાં પંથકોમાં શનિવારે સતત ત્રીજા દિવસે ઝરમર વરસાદ પડ્યો હતો. સાપુતારા ખાતે ધુમ્મસીયા વાતાવરણમાં સફેદ ચાદર ઓઢાઈ જતા વિકેન્ડમાં ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. સાપુતારામાં પોણા બે ઈંચ, આહવા અને વઘઈમાં દોઢ ઈંચ વરસાદ (Rain) પડ્યો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 6 વાગ્યાથી શનિવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 37 મિ.મી. અર્થાત 1.48 ઈંચ, વઘઇ પંથકમાં 33 મિમી અર્થાત 1.32 ઈંચ, સુબિર પંથકમાં 12 મિ.મી., જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 43 મિ.મી. અર્થાત 1.72 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સાપુતારા ઘાટમાર્ગમાં ટ્રક બે કારને ટક્કર મારી પલટી ગઈ: મોસંબી-સંતરા રસ્તા પર વેરાયા

સાપુતારા: ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં મોસંબી-સંતરાનો જથ્થો ભરેલી ટ્રક જે ટાવેરા અને સેલરીયો ગાડીને ટક્કર મારી પલ્ટી મારી જતાં સંતરા-મોસંબી રસ્તા પર વેરાઈ ગયા હતા.
નાસિક તરફથી મોસંબી-સંતરાનો જથ્થો ભરી શનિવારે સુરત તરફ જઈ રહેલી ટ્રક. નં.એમ.એચ.06.એ.સી.5256એ સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં વળાંકમાં સ્થાનિક સોનુનિયા ગામની ટાવેરા ગાડીને પાછળનાં ભાગે અને સાપુતારાની સેલરીયો ગાડીને સાઈડનાં ભાગે ટક્કર મારી માર્ગની સાઈડમાં પલ્ટી ગઈ હતી.

આ અકસ્માતનાં બનાવમાં ટ્રકનો ક્લીનર ટ્રકનાં કેબીનમાં દબાતા તેના પગનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક, ટાવેરા તેમજ સેલરીયો ગાડીને જંગી નુકસાન થયું હતું. આ બનાવમાં સંતરાનો જથ્થો પણ વેરવિખેર થઈ ચગદાય જતાં માલિકને પારાવાર નુકસાની વેઠવાની નોબત આવી છે.

Related Posts