Entertainment

શોર્ટ વિડીયોથી સંચિતાનો ફિલ્મોમાં લોન્ગ જમ્પ

સંચિતા બસુ કાંઈ બંગાળના જ્યોતિ બસુની કોઈ સગી નથી. જેઓ ટિકટોક, ઈન્સ્ટાગ્રામ, સોશ્યલ મિડીયા પર એકટિવ હોય તે તરત જ કહેશે કે સંચિતા બસુ એક રૂપાળી છોકરી છે જે વિડીયો ક્રિયેટર છે, ટિક ટોકર છે, બ્લોગર છે, ઈન્સ્ટાગ્રામ પર્સનાલિટી છે ને સોશ્યલ મિડીયા સ્ટાર છે. તેના વિડીયો જોનારાને લાગે છે કે તેનામાં એકટીંગની સારી ટેલેન્ટ છે અને હકીકતે પણ તે વિડીયો પરથી ફિલ્મોમાં આવી રહી છે. અફવા તો એવી જ આવી હતી કે સાઉથના સ્ટાર અલ્લુ અર્જુન સાથે તે હમણાં કામ કરી રહી છે. સંચિતાએ યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર અઢળક ચાહકો ઊભા કરી પોતાની જગ્યા ઊભી કરી છે. સંચિતા બસુ બિહારના સહરસાહા ગામની કહો યા ભાગપુરની છે. અત્યારે 12મા ધોરણ સુધી પહોંચી છે. આમ તો તે ડોક્ટર બનવાની ય ઈચ્છા ધરાવે છે પણ લાગે છે કે એકટિંગ જ તેની કારકિર્દી બની જશે.

તેણે અભિનયની તાલીમ પણ લીધી છે અને એટલે જ તો આજે તેના 3 મિલીયન ફોલોઅર્સ છે. આજના સમયે જે ટેલેન્ટ દેખાડે તેને તક પણ મળે છે અને તે ‘ફીર સે ઉડના હે’નામના મ્યુઝિક વિડીયોમાં આવ્યા પછી સતત આગળ વધી રહી છે. આ ઉપરાંત સાઉથની કેટલીક ટી.વી શ્રેણીમાં પણ તે આવી રહી છે. ઓનલાઈન વિડીયોથી અઢળક કમાતી થયેલી સંચિતા ‘કુલ્ફી કુમાર બાજેવાલા’નામનાં લોકપ્રિય શોમાં આવી ચુકી છે અને હવે ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’નામની સાઉથની ફિલ્મમાં દેખાશે. સંચિતા બસુ હિન્દી ફિલ્મોમાં સ્થાન બનાવવા આતુર છે અને તે માટે તૈયારી પણ કરી ચુકી છે. સોશ્યલ મિડીયાથી ઘણું એચિવ કરી શકાય એવું માનતી સંચિતા હજુ 18 વર્ષની જ છે એટલે પોતાની સામે લાંબો રસ્તો હોવાનું કહે છે. મોબાઈલથી આઈફોન સુધી પહોંચી વિડીયો ફિલ્માવનારી સંચિતાને બતાવ્યું છે કે ફિલ્મો સુધી પહોંચવાના રસ્તા મોબાઈલની સ્ક્રિનમાં પણ છે.

Most Popular

To Top