Entertainment

અક્ષયકુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ બોક્સ ઓફિસ પર મેજર વિક્રમ કરી શકી નહીં!

અક્ષયકુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને “ 39 કરોડનો વકરો થતા આ વર્ષમાં સૌથી વધુ વીકએન્ડ મેળવનારી હિન્દી ફિલ્મોમાં ભલે બીજા સ્થાને આવી છે, પરંતુ “ 250 કરોડથી વધુના ખર્ચે બની હોવાથી મોટી ખોટ કરશે. અગાઉની “ 150 કરોડની ‘બચ્ચન પાંડે’ માત્ર ત્રીજા ભાગની જ કમાણી કરી શકી હતી. ત્યારે અક્ષયકુમારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું બહાનું બનાવ્યું હતું. આ વખતે દક્ષિણની ફિલ્મોનું બહાનું મળી શકે છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની સાથે બોલિવૂડની બીજી કોઇ ફિલ્મ રજૂ થઇ ન હતી. તેમ છતાં વિજય સેતુપતિ – કમલ હસનની તમિલ ‘વિક્રમ’ અને આદિવિ શેષની તેલુગુ ‘મેજર’ને કારણે એના ધંધા પર અસર થઇ છે. “

30 કરોડની ‘મેજર’નો ખર્ચ 2 દિવસમાં વસૂલ થઇ ગયો છે અને ‘વિક્રમ’ તો પહેલા વીકએન્ડમાં જ “ 100 કરોડની નજીક પહોંચી ગઇ હતી. ‘વિક્રમ’ નું બજેટ “ 150 કરોડનું છે, પણ વૈશ્વિક કમાણી સાથે એટલા મેળવી લીધા હતા. બોલિવૂડ માટે આ બાબત એટલા માટે ચિંતાનો વિષય છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને દક્ષિણની ફિલ્મોથી વધારે સ્ક્રીન મળ્યા હતા. અક્ષયકુમારની ફિલ્મને સમીક્ષકોએ વધારે સ્ટાર આપ્યા ન હતા અને પહેલા દિવસે ‘બચ્ચન પાંડે’થી પણ ઓછું “ 10 કરોડનું ઓપનિંગ મળતા ટીકા થવા લાગી હતી. શનિ – રવિમાં કલેક્શન વધ્યું હોવાથી અક્કીને થોડી રાહત થઇ હતી.

દક્ષિણની બંને ફિલ્મોની પ્રશંસા ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરતા વધુ થઇ છે. પુષ્પા, RRR અને KGF – 2ની જબરદસ્ત સફળતા પછી જ્યારે પણ દક્ષિણની ફિલ્મ રજૂ થાય છે, ત્યારે એ બોલિવૂડની ફિલ્મ વિરુધ્ધની હોય એવો માહોલ બને છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને સારી કે ખરાબ કહેવાને બદલે એક સામાન્ય ફિલ્મ ગણવામાં આવી છે. ફિલ્મના મોટા પ્લસ પોઇન્ટમાં સહ કલાકારોનો અભિનય અને જબરદસ્ત ક્લાઇમેક્સ છે. અક્ષયકુમારે એને સોંપવામાં આવેલી ભૂમિકા માત્ર ભજવી જાણી છે.

તે 40 દિવસમાં એક ફિલ્મનું શૂટિંગ પૂરું કરી દેતો હોય, ત્યારે એ ઐતિહાસિક પાત્રમાં પ્રાણ પૂરી દેશે એવી આશા રાખવી નકામી છે અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની મુખ્ય ભૂમિકામાં એનો અવાજ સૌથી મોટો માઇનસ પોઇન્ટ ગણાયો છે. કોઇ સમ્રાટ જેવો ભારે અવાજ લાગતો જ નથી. તેની અગાઉની કોઇ પણ ભૂમિકામાં આવો જ અવાજ હતો. મતલબ કે તેણે આવા પાત્રમાં લુક કે અવાજ પર જે મહેનત કરવાની હોય છે એ કરી ન હતી. આજકાલ દરેક અભિનેતા પોતાની ભૂમિકા માટે શરીરનું જે ટ્રાન્સફોર્મેશન કરે છે એનો અભાવ છે. માત્ર કપડાં બદલવાથી અને મૂછ લગાવવાથી પૃથ્વીરાજ બની જવાય છે, એવું અક્ષયકુમારે માન્યું લાગે છે.

અલબત્ત, એણે અંતમાં જબરદસ્ત કામ કરીને ઇજ્જત બચાવવાનો પ્રયત્ન કર્યો છે. એક સમ્રાટની ફિલ્મમાં એક્શન દ્રશ્યો નામ માત્રના છે. લડાઇના દ્રશ્યો વધુ રાખવામાં આવ્યા હોત તો રાજાની ફિલ્મ લાગી શકી હોત. ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી જેવા અનુભવી નિર્દેશક હોવા છતાં દર્શકને એક ઐતિહાસિક ફિલ્મનો સાચો અનુભવ મળતો નથી. પૃથ્વીરાજના જીવનનું બેકગ્રાઉન્ડ જ બતાવવામાં આવ્યું નથી અને સંયોગિતા સાથે તેમનો પ્રેમ ક્યાંથી કેવી રીતે શરૂ થયો એની કોઇ માહિતી આપી નથી. રાજકુમારી સંયોગિતાની ભૂમિકાને તેણે સારી રીતે ભજવી છે. ફિલ્મની એક નબળાઇ વિલન તરીકે માનવ વિજની પસંદગી છે. તે સમ્રાટ સામે ઠંડો લાગે છે. કોઇ ડર ઊભો કરી શકતો નથી. જ્યારે સોનુ સૂદ અને સંજય દત્ત પ્રભાવશાળી સાબિત થાય છે. ફિલ્મનું સંગીત પણ નિરાશાજનક છે.

‘સમ્રાટ પૃથ્વીરાજ’ને બે- અઢી સ્ટાર મળ્યા છે, ત્યારે ‘મેજર’ને પૂરા 5 સુધી સ્ટાર આપવામાં આવ્યા છે. ઘણાને આવી જ ‘શેરશાહ’ યાદ આવી ગઇ હશે, પણ આ ફિલ્મ બનાવવાની નિર્દેશકની રીત ઘણી અલગ છે. માત્ર મનોરંજન પૂરું પાડવાનો જ હેતુ રાખવામાં આવ્યો છે. અનેક વખત બદલાતો રહેતો આદિ કેટલો મંજાયેલો અભિનેતા છે એનો ખ્યાલ આવશે. તેણે સંદીપના પાત્રને પડદા પર જીવંત કરી દીધું છે. આદિએ ભૂમિકા પર જ નહીં હિન્દીમાં સંવાદ ડબ કરતી વખતે કોઇને એ તેલુગુ અભિનેતા હોવાનો ખ્યાલ ના આવે એના પર પણ મહેનત કરી છે. સાંઇ માંજરેકર રોમેન્ટિક ભૂમિકામાં જામે છે. પ્રકાશ રાજનો જવાબ નથી. એમણે પોતાના પાત્રમાં શહિદ પુત્રની વાતને સહજ રીતે જાતે જણાવી છે. નિર્દેશકનો એ કમાલ જ કહેવાય કે દરેક પ્રકારના દ્રશ્યોમાં સંવાદ જોરદાર છે. ત્રીજી ફિલ્મ ‘વિક્રમ’ તો ત્રણ કલાક લાંબી હોવા છતાં કંટાળો લાવતી નથી. 3 – 4 વાર્તાઓ ચાલતી હોય છે અને છેલ્લે બધી એકબીજા સાથે જોડાઇ જાય છે. કમલ હસન કેટલા પ્રતિભાશાળી છે, એનું આ વધુ એક ઉદાહરણ છે. વિજય એક નકારાત્મક ભૂમિકામાં પણ અસર છોડી જાય છે. ‘વિક્રમ’ બોક્સ ઓફિસ પર અનેક નવા વિક્રમ બનાવી શકે છે.

ઓટોગ્રાફ!
માનુષી છિલ્લરે કહ્યું છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ માં ઓડિશન માટે દીપિકા પાદુકોણ- સિંહની ‘બાજીરાવ મસ્તાની’ નું એક દ્રશ્ય ભજવવા આપવામાં આવ્યું હતું. (રાજકુમારી તરીકેના માનુષીના અભિનયના વખાણ થઇ રહ્યાા હોવાથી એમ કહી શકાય કે બોલિવૂડમાં દીપિકાનો વિકલ્પ મળી શકે છે?!)

Most Popular

To Top