Business

યુક્રેનના ખેરસોન શહેરમાંથી રશિયન સૈન્યની નામોશીભરી પીછેહઠ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ૮ મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ રશિયાનું લશ્કર આગેકૂચ કરવાને બદલે પીછેહઠ કરવામાં પડ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ધાર્યું હતું કે તેઓ એક સપ્તાહમાં યુક્રેનને હરાવી કાઢશે, પણ તેમની તમામ ગણતરીઓ ખોટી પડી છે. રશિયાનું લશ્કર યુક્રેનની રાજધાની કીવ પર આક્રમણ લઈને ગયું હતું, પણ રસ્તામાં તેની સપ્લાય લાઇન ખોરવાઇ જતાં તેને આક્રમણ છોડી દેવાની ફરજ પડી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધી આશરે બે લાખ સૈનિકોનાં મોત થયાં છે અથવા તેઓ ઘાયલ થયાં છે, જેમાંનાં એક લાખ રશિયન છે. આટલી જાનહાનિ પછી પણ રશિયા જીતી શકતું નથી તેનું મુખ્ય કારણ યુક્રેનને પશ્ચિમના દેશો દ્વારા મળી રહેલી મદદ છે. અમેરિકાએ તાજેતરમાં યુક્રેનને ૪૦ કરોડ ડોલરની મદદ જાહેર કરી છે, જેમાં દારૂગોળા ઉપરાંત એર ડિફેન્સ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. રશિયા સાથેના યુદ્ધને કારણે અમેરિકા કરતાં યુરોપને વધુ નુકસાન થયું છે. યુરોપના દેશોમાં ઊર્જાની અભૂતપૂર્વ કટોકટી પેદા થઈ છે અને અર્થતંત્ર મુસીબતમાં છે.

રશિયાએ ગયા મહિને યુક્રેનના ખેરસોન શહેરને રશિયામાં જોડી દેવાની જાહેરાત કરી હતી. આ ખેરસોન શહેર ક્રીમિયાની સરહદે આવેલું છે, જેને રશિયાએ ૨૦૧૪માં જીતી લીધું હતું. ખેરસોન શહેરને રશિયામાં જોડી દેવામાં આવ્યું ત્યારે મોસ્કોના રેડ સ્ક્વેરમાં ભવ્ય વિજય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં રશિયાના પ્રમુખ પુતિન પણ હાજર રહ્યા હતા. હવે રશિયાના સૈન્યે ખેરસોનમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કરી છે તે જાહેરાત નેશનલ ટી.વી. પર કરવામાં આવી છે, જેમાં રશિયન સૈન્યના વડા જનરલ સેરગેઇ સુરોવિકીન હાજર રહ્યા હતા. ખેરસોન શહેરની બાજુમાંથી નિપ્રો નામની નદી વહે છે. આ નદી પરથી રશિયન સૈન્યને અનાજ અને દારૂગોળાનો પુરવઠો મળતો રહે છે. યુક્રેનના લશ્કરે તેના પુલ પર બોમ્બમારો કરીને સૈન્યની સપ્લાય લાઈન ખોરવી કાઢી હતી.

ખેરસોન શહેરની વસતિ આશરે ત્રણ લાખની છે. તે ભૌગોલિક દૃષ્ટિએ વ્યૂહાત્મક સ્થળ પર આવેલું છે. રશિયાના કબજા હેઠળના ક્રીમિયા અને યુક્રેન વચ્ચે ખેરસોન કડીરૂપ છે. તે કાળા સમુદ્રથી પણ નજીક આવેલું છે. જો યુક્રેન ક્રીમિયાને ફરી જીતી લેવા માગતું હોય તો પણ તેના માટે ખેરસોન શહેર બહુ અગત્યનું છે. યુક્રેનની સૌથી મોટી નદી નિપ્રો છે. તે ખેરસોન નજીકથી પસાર થાય છે. જે દેશનો અંકુશ નિપ્રો નદી પર હોય તે દેશને યુદ્ધમાં ફાયદો થાય તેમ છે. રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં અત્યાર સુધીમાં એક જ પ્રાદેશિક રાજધાની જીતી હતી, જે ખેરસોન હતી.

ખેરસોન પ્રાંતનું નામ છે અને તેની રાજધાનીનું નામ પણ છે. ખેરસોનમાં રશિયાના આશરે ૪૦, ૦૦૦ સૈનિકો હાજર હતાં. તેમણે પીછેહઠનો પ્રારંભ તો કરી દીધો છે, પણ સંપૂર્ણ સૈન્યને ખેરસોન ખાલી કરતાં અઠવાડિયું લાગશે. યુક્રેનનું સૈન્ય ખાલી કરવામાં આવેલા ખેરસોનમાં પ્રવેશવાની ઉતાવળ કરવાના મૂડમાં નથી. તેને ડર છે કે ખેરસોનમાં તેના માટે સુરંગો બિછાવાઇ હશે. રશિયાના કેટલાક સૈનિકો નાગરિક વેષમાં ખેરસોનમાં રહી ગયા હોય તેવી પણ શંકા રહે છે. યુક્રેનનું લશ્કર ખેરસોનમાં પ્રવેશ કરે તો તેમના પર ગોળીબારની રમઝટ બોલાવવામાં આવે તેવું પણ બની શકે છે. પછી કહી શકાય કે ખેરસોનના નાગરિકો દ્વારા જ યુક્રેનનાં લશ્કર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ કારણે યુક્રેનનું લશ્કર રશિયાનું સૈન્ય ખેરસોન પૂરેપૂરું ખાલી કરીને દક્ષિણ તરફ ચાલ્યું જાય તેની રાહ જુએ છે.

સપ્ટેમ્બર મહિનામાં યુક્રેનના ચાર પ્રાંતો પર કબજો જમાવીને તેને રશિયામાં ભેળવી દેવામાં આવ્યા તેમાં ડોનેત્સ્ક અને લુહાન્સ્ક ઉપરાંત ખેરસોન અને ઝપોરીજઝિયાનો પણ સમાવેશ થતો હતો. રશિયા દ્વારા ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપવામાં આવી તેને પગલે ત્યાંનાં લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને તેઓ રશિયાનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા રસ્તા પર આવી ગયા હતા. રશિયાનાં સરકારી પ્રચાર માધ્યમો દ્વારા તેની તસવીરો બહાર પાડવામાં આવી હતી. રશિયાનાં આ પગલાંના યુક્રેનમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. તેના નાગરિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે હવે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર પણ હુમલો કરશે. ડોનેત્સ્ક અને લુહાન્સ્કમાં રશિયાનું લશ્કર મોકલવામાં આવ્યું હતું. તેમાં બનાવટી જનમત કરીને તેને રશિયામાં જોડી દેવામાં આવ્યા હતા. યુક્રેનનાં સૈન્ય દ્વારા ઓગસ્ટ મહિનામાં વળતું આક્રમણ શરૂ કરવામાં આવ્યું ત્યાર બાદ અત્યાર સુધીમાં રશિયા દ્વારા જીતવામાં આવેલા ૬,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને મુક્ત કરવામાં આવ્યો છે. હવે યુક્રેનનું સૈન્ય ઝપોરીજઝિયાને મુક્ત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

૧૯૯૦ પહેલાં યુક્રેન રશિયાનો ભાગ હતું. ૧૯૯૧માં સોવિયેટ રશિયાનું વિસર્જન થયું ત્યારે અન્ય દેશોની જેમ યુક્રેન પણ તેનાથી છૂટું પડી ગયું હતું, પણ તેની સરકારો રશિયાતરફી હતી. રશિયાથી છૂટું પડેલું યુક્રેન સામ્યવાદ છોડીને મૂડીવાદ તરફ આગળ વધ્યું હતું. તેના વેપારી સંબંધો યુરોપના દેશો સાથે વધ્યા હતા. કોઈ તબક્કે તો યુક્રેન યુરોપિયન યુનિયનમાં જોડાવા પણ તૈયાર થઈ ગયું હતું. ૨૦૧૩માં યુક્રેનમાં બળવો થયો હતો અને તેના રશિયાતરફી પ્રમુખને રાજીનામું આપવાની ફરજ પડી હતી. યુક્રેનમાં જે નવી સરકાર આવી તે યુરોપતરફી મૂડીવાદી સરકાર હતી. આ કારણે રશિયાના પેટમાં તેલ રેડાયું હતું, પણ તે સમસમીને બેસી રહ્યું હતું. રશિયાએ તેનો બદલો લેવા ક્રીમિયા પર આક્રમણ કરીને તેને યુક્રેનથી છૂટું પાડી દીધું હતું. યુક્રેને હજુ સુધી ક્રીમિયા પરનો પોતાનો દાવો જતો કર્યો નથી. રશિયાની માગણી છે કે ક્રીમિયાને તેના ભાગ તરીકે સ્વીકારી લેવામાં આવે.

રશિયાની યોજના યુક્રેન આખું લડીને લઈ લેવાની હતી. તે યોજના સફળ થઈ નથી. રશિયાના લશ્કરે જે પ્રદેશો જીત્યા હતા ત્યાંથી પણ તેને પીછેહઠ કરવી પડી રહી છે. આ યુદ્ધમાં રશિયાના આશરે એક લાખ સૈનિકો માર્યા ગયા છે. તેમનું સ્થાન લેવા સરકાર તરફથી યુવાનોને ફરજિયાત લશ્કરમાં જોડાવાનો આદેશ આપવામાં આવ્યો તેનો પણ યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક યુવાનો ધરણાં પર બેસી ગયા હતા તો કેટલાક દેશ છોડી ભાગી ગયા હતા.

આ કોલમમાં અગાઉ લખવામાં આવ્યું હતું કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ માત્ર નાટક છે. રશિયા અને અમેરિકા વચ્ચે ખરું યુદ્ધ આર્થિક મોરચે ચાલી રહ્યું છે. રશિયાને સજા કરવા અમેરિકા દ્વારા તેના પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા તે હવે બૂમરેંગ થઈ રહ્યા છે. અમેરિકા દ્વારા રશિયન બેન્કોને સ્વિફ્ટ સિસ્ટમથી બાકાત કરી નાખવામાં આવતાં રશિયા પાસેના ૩૬૦ અબજ ડોલરનો ભંડાર હાલ પૂરતો નકામો થઈ ગયો છે. રશિયાને વિદેશમાંથી કોઈ પણ માલની ખરીદી કરવી હોય તો તે ડોલરમાં ચૂકવણી કરી શકતું નથી.

જો કે રશિયાએ તેનો રસ્તો શોધી કાઢ્યો છે. યુરોપના દેશો પોતાની ખનિજ તેલની અને ગેસની ૨૫ ટકા ખરીદી રશિયાથી કરે છે. તેઓ પણ રશિયાને ડોલર કે યુરોમાં ચૂકવણી કરી શકે તેમ નથી. રશિયા તેમને રૂબલમાં ચૂકવણી કરવાનું કહી રહ્યું છે. આ રૂબલ તેમણે સોનું વેચીને રશિયાની બેન્કોમાંથી ખરીદવા પડશે. આ કારણે રૂબલના ભાવો ઊંચકાઇ ગયા છે. જો યુરોપના દેશો રૂબલમાં ખરીદી કરવાનો ઇનકાર કરે તો ભારત તૈયાર છે. જો રશિયા ડોલરનો વિકલ્પ આપી શકે તેમ હોય તો અમેરિકા વગર યુદ્ધે પાયમાલ થઈ જશે.

Most Popular

To Top