ડૉલર રૂ. ૯૬ પાર થઈ ગયો છે. પરંતુ સવાલ માત્ર એટલો નથી કે ડૉલર રૂ. ૯૬ થયો. સાચો સવાલ એ છે કે જો ડૉલર રૂ. ૧૦૦ની નજીક જશે તો આપણા જીવનમાં શું બદલાશે? પેટ્રોલ-ડીઝલ મોંઘાં થશે? રસોડાનો ખર્ચ વધશે? સોનાની કિંમત ક્યાં જશે? શેરબજાર પર શું અસર પડશે? અને ભારત જેવી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે રૂ. ૯૬નો ડૉલર માત્ર ચલણનો આંકડો છે કે કોઈ મોટી આર્થિક ચેતવણી? ૨૯ સપ્ટેમ્બરે રૂપિયો ડૉલર સામે ૯૬.૧૪ સુધી પહોંચી ગયો હતો, જ્યારે બ્રેન્ટ ક્રુડ લગભગ ૧૦૭ ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું. એટલે એક તરફ મોંઘો ડૉલર અને બીજી તરફ મોંઘું ક્રુડ. ભારત માટે આ બેવડો માર છે, કારણ કે ભારત ઊર્જા માટે આયાત પર ભારે આધારિત છે.
રૂપિયો નબળો પડ્યો એટલે ભારત તરત ગરીબ થઈ ગયું એવું નથી. પરંતુ વિનિમય દર અર્થવ્યવસ્થા પરનાં અનેક દબાણોનું પ્રતિબિંબ હોય છે. અત્યારે રૂપિયાની નબળાઈ પાછળ મોંઘું ક્રુડ, મજબૂત ડૉલર, વૈશ્વિક વ્યાજદર અંગેની અપેક્ષા, વિદેશી રોકાણકારોની મૂડીનું બહાર જવું અને મધ્યપૂર્વની ભૂરાજકીય અનિશ્ચિતતા જેવાં પરિબળો છે. રોઈટરના અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેર અને બોન્ડમાંથી આશરે ૩.૭ અબજ ડૉલર પાછા ખેંચ્યા છે, જ્યારે આખા વર્ષનો મૂડી બહાર જવાનો પ્રવાહ લગભગ ૧૯.૬ અબજ ડૉલર સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે. રોકાણકારો રૂપિયા વેચીને ડૉલર ખરીદે ત્યારે ડૉલરની માંગ વધે છે અને રૂપિયા પર વધુ દબાણ આવે છે.
મોંઘું ક્રુડ કેમ ચિંતાનો વિષય છે? કોઈ પૂછે કે ‘મારે ક્રુડ સાથે શું લેવાદેવા?’તો જવાબ છે – ઘણું મોટું લેવાદેવા છે. કાર, બસ, ટ્રક, ખાતર, પ્લાસ્ટિક, રસાયણો અને અનેક ઉદ્યોગોના ખર્ચમાં ઊર્જાનો મોટો ભાગ છે. એટલે ક્રુડ માત્ર પેટ્રોલ પંપની વસ્તુ નથી; તે સમગ્ર અર્થવ્યવસ્થાના ખર્ચને અસર કરે છે. જો ક્રુડ $107 અને ડૉલર રૂ.૯૬ હોય તો ભારતે મોંઘું તેલ મોંઘા ડૉલરમાં ખરીદવું પડે છે. આયાત બિલ વધે છે, ડૉલરની માંગ વધી શકે છે, રૂપિયા પર દબાણ આવે છે અને આયાતી મોંઘવારીનું જોખમ વધે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે પેટ્રોલ આવતીકાલે જ રૂ.૧૫૦ થઈ જશે. પેટ્રોલ-ડીઝલના ભાવ પર ક્રુડ ઉપરાંત કરવેરા, રિફાઇનિંગ ખર્ચ, માર્કેટિંગ માર્જિન અને સરકારી નીતિ પણ અસર કરે છે. મુખ્ય પ્રશ્ન એ છે કે ક્રુડ $100થી ઉપર થોડા દિવસ રહે છે કે ઘણા મહિના.
શેરબજાર આજની સ્થિતિ કરતાં આવતી કાલની કમાણી જુએ છે. ક્રુડ મોંઘું થાય તો કંપનીનો ખર્ચ વધે છે. રૂપિયો નબળો પડે તો આયાતી કાચો માલ મોંઘો થાય છે. મોંઘવારી વધે તો વ્યાજદર અંગે ચિંતા વધે છે અને જો અમેરિકામાં વ્યાજદર ઊંચા રહે તો વિદેશી રોકાણકારોને અમેરિકન બોન્ડ વધુ આકર્ષક લાગી શકે છે. એટલે બજારની નબળાઈ પાછળ એક નહીં પરંતુ અનેક પરિબળો છે – મોંઘું ક્રુડ, નબળો રૂપિયો, વિદેશી મૂડીનો બહાર જતો પ્રવાહ, ઊંચા વૈશ્વિક વ્યાજદર અને ભૂરાજકીય જોખમ.
RBI પાસે રૂપિયાને ટેકો આપવા માટે અનેક સાધનો છે અને જરૂર પડે ત્યારે તે વિદેશી વિનિમય બજારમાં હસ્તક્ષેપ કરી શકે છે. RBIની વિવિધ કામગીરી દ્વારા બેન્કિંગ સિસ્ટમમાંથી લગભગ ૨૦ અબજ ડૉલર જેટલી વધારાની રૂપિયાની પ્રવાહિતા શોષાઈ હોવાનું જણાવાયું છે. પરંતુ RBI પણ બજાર સામે અનંત સમય સુધી લડી શકતું નથી. તેને મોંઘવારી, વૃદ્ધિ, બેન્કિંગ પ્રવાહિતા, વિદેશી મુદ્રા ભંડાર, વ્યાજદર અને નાણાંકીય સ્થિરતા વચ્ચે સંતુલન જાળવવું પડે છે.
આ પરિસ્થિતિમાં સામાન્ય માણસ અને રોકાણકારે શું કરવું? સૌથી પહેલાં ગભરાવું નહીં. પરંતુ આગામી મહિનાઓના ખર્ચનું આયોજન સાવચેતીથી કરવું યોગ્ય છે. ડૉલર વધ્યો એટલે તરત સોનું કે શેર ખરીદવા કે વેચવા દોડવું નહીં. રોકાણકાર માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે, મારી જોખમ સહન કરવાની ક્ષમતા કેટલી છે? લાંબા ગાળાના રોકાણકાર માટે એક દિવસના બજાર ઘટાડા પરથી નિર્ણય લેવો યોગ્ય નથી. પરંતુ બજાર ઘટ્યું એટલે બધું સસ્તું થઈ ગયું છે એવું માનવું પણ ભૂલ છે. કંપનીની કમાણી, દેવું, રોકડ પ્રવાહ, વ્યવસાયની મૂળભૂત સ્થિતિ અને શેરની કિંમત આ બધું જોવું જરૂરી છે. જો તમે કોઈ સારો શેર ધરાવો છો તો ભાવ ઘટ્યો છે એટલા માટે જ વેચવાની જરૂર નથી; પહેલાં જુઓ કે કંપનીનો મૂળભૂત વ્યવસાય બદલાયો છે કે નહીં. બીજી તરફ માત્ર ભાવ ઘટ્યો છે એટલે ખરીદી પણ ન કરો.
શું ડૉલર ₹100 થશે? આજે કોઈ ચોક્કસ કહી શકાય નહીં. તે ક્રુડના ભાવ, મધ્યપૂર્વની સ્થિતિ, અમેરિકાના વ્યાજદર, વિદેશી રોકાણકારોના પ્રવાહ, ભારતના આયાત બિલ અને RBIની નીતિ પર આધારિત રહેશે. જો ક્રુડ ઝડપથી નીચે આવે અને ભૂરાજકીય તણાવ ઘટે તો પરિસ્થિતિ સુધરી શકે. પરંતુ જો ક્રૂડ $110-$120 તરફ જાય અને વિદેશી મૂડીનો બહાર જવાનો પ્રવાહ ચાલુ રહે તો દબાણ વધી શકે. આ ભવિષ્યવાણી નથી, આ સંભવિત પરિસ્થિતિઓનું વિશ્લેષણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.