Comments

ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ હંમેશા ‘સત્તાધારી પક્ષ’ને જીતાડવા માટે જ ઊભો થાય છે…?

ગુજરાતનો રાજકીય ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી. ગુજરાતની પ્રજા કદાચ આર અને પારની રાજકીય લડાઈમાં હંમેશા બે પક્ષો પર ભરોસો રાખે છે. કદાચ એટલે જ ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી પછી ખાસ કરીને સુરતમાં આમ આદમી પાર્ટીના વિજય પછી ફરી આ જ ચર્ચાઓ થવા લાગી છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ઊભો થઇ ગયો.ગુજરાતના લોકોનું રાજકીય માનસ પરિવર્તન થઇ રહ્યું છે વગેરે વગેરે. રાજકારણમાં એક તો ચર્ચાઓ હંમેશા થતી રહે છે, પણ કઈ ચર્ચા આગળ જતાં સત્ય બનશે એ માટે થોડોક ભૂતકાળનો પણ સહારો લેવો જોઈએ. આજે ગુજરાતમાં ચર્ચા છે કે 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજો મોરચો બનીને બહાર આવશે ત્યારે ગુજરાતના રાજકીય ઇતિહાસના આઈનામાં એક ડોકિયું કરીએ તો ખ્યાલ આવી જશે કે આ વાત કેટલા અંશે સાચી પડશે?

૧ લી મે,૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્રથી અલગ થઈને અસ્તિત્વમાં આવેલા ગુજરાતમાં અત્યાર સુધી લગભગ તમામ દાયકામાં મુખ્ય રાજકીય પક્ષો સાથીની નારાજગીની તીવ્રતાને કારણે ત્રીજા મોરચાનું ગઠન થતું રહ્યું છે પરંતુ મુખ્ય રાજકીય પક્ષ જેટલા કાર્યકરોના મજબૂત નેટવર્કના અભાવ તથા તેમની સાથેના સમાંતર અંતરના અભાવને લીધે આવા નવગઠિત ત્રીજા મોરચા કે પ્રાદેશિક પક્ષોનું બાળમરણ થતું રહ્યું છે.ગુજરાતના અસ્તિત્વમાં આવેલા અત્યાર સુધીના તમામ ત્રીજા મોરચા કે પ્રાદેશિક પક્ષનું પરિણામ એ વાતનું સાક્ષી રહ્યું છે કે,આવા પક્ષો કાં તો ૫-૧૫ બેઠકો સાથે વિપક્ષમાં સ્થાન લઈ લે છે અથવા કોઈ મુખ્ય પક્ષને શાસન ચલાવવા માટે ટેકો જાહેર કરી દે છે અને પછી તે પોતાને ફાવતા મુખ્ય રાજકીય પક્ષમાં વિલીન થઈ જાય છે.પછી તે શંકરસિંહની રાજપા હોય, ચીમનભાઈ પટેલની જનતા દળ હોય કે ગોરધન ઝડફિયાની જી.પી.પી અને મજપા.

વિગતવાર ગુજરાતમાં બનેલા ત્રીજા મોરચા પર નજર નાખીએ તો ૧૯૬૦ જનસંઘ,૧૯૬૫ સ્વતંત્ર પક્ષ ,૧૯૭૫ કિસાન મજદૂર લોકપક્ષ(કિમલોપ),૧૯૭૫ જનતા મોરચો ,૧૯૭૭ જનતા પાર્ટી,૧૯૯૧ જનતા દળ (ગુજરાત) ,૧૯૯૬ રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)૨૦૦૮ મહાગુજરાત જનતા પાર્ટી (મજપા),2012 જી.પી.પી. અને એ પછી શંકરસિંહે બનાવેલો પક્ષ, ટૂંકમાં ઇતિહાસ લાંબો છે. હવે ગુજરાતમાં ત્રીજા પક્ષની નિષ્ફ્ળતાનાં કારણો પણ જાણવા જેવાં છે કેમકે ગુજરાતમાં ઊભો થતો નવો પક્ષ કે ત્રીજો પક્ષ મોટે ભાગે એવા લોકોએ શરૂ કર્યો જે ક્યારેક સીધી કે આડકતરી રીતે મુખ્ય ધારાના રાજકીય પક્ષ સાથે જોડાયેલા હતા. એમના પોતાના અંગત ધ્યેય સિદ્ધ કરવા કે પછી અન્ય કોઈ કારણસર એમણે ગુજરાતમાં ત્રીજો પક્ષ તો ઊભો કરી દીધો, પણ જેવો એમનો ધ્યેય સર થયો કે તરત મુખ્ય પક્ષમાં એમનો પક્ષ ભેળવી દીધો. સરવાળે ગુજરાતી પ્રજા માનસમાં એવી છબી ઘર કરી ગઈ કે અહીં ત્રીજો પક્ષ માત્ર ને માત્ર પોતાના અંગત સ્કોર સેટલ કરવા જન્મે છે અને જેવા એ સ્કોર સ્ટેલ થઇ જાય એટલે પક્ષ પૂરો થઇ જાય છે.

ત્રીજા પક્ષની ગુજરાતમાં નિષ્ફ્ળતાનાં બીજાં પણ કારણો સમજવા જેવાં છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ, ખાસ કરીને 2001 પછી એટલે કે નરેન્દ્ર મોદીના શાસન પછી ત્યારે જ ઊભો થયો જયારે સત્તાધારી પક્ષને એવું લાગ્યું કે આવનાર ચૂંટણીમાં સત્તા નહિ મેળવી શકે. સત્તા પક્ષને કે પછી સત્તા પક્ષમાં બેઠેલા લોકોને જયારે જયારે એવું લાગ્યું કે એમનું શાસન ખતરામાં છે ત્યારે ત્યારે ગુજરાતમાં ત્રીજો પક્ષ ઊભો થઇ ગયો. આ વાતને સમજવા 2008 અને 2012માં રચાયેલા જીપીપી અને મજપા પાર્ટીને સમજવું પડે. આ પાર્ટી આમ તો ત્યારે બની જયારે ગુજરાત સરકારમાં પાટીદારોને અન્યાય થાય છે એવી સ્થિતિ કે વાતો વધી ગઈ એટલે પાટીદારો માટે પક્ષ સ્થાપવામાં આવ્યો પણ અંદરની વાત એવી છે કે પાટીદારોને તે સમયના મુખ્યમંત્રી સામે વાંધો હતો. એમની કાર્યશૈલી સામે વાંધો હતો એટલે આવનાર ચૂંટણીમાં એ બતાવી દેવા માટે વિરોધી એટલે કે કોંગ્રેસને મત આપવાના હતા એવા સમયે ગુજરાતમાં એવો ત્રીજો પક્ષ ઊભો થયો, જેણે પોતે બૂમો પાડવાનું શરૂ કર્યું કે અમે પાટીદારોના મસીહા છીએ અને અમને પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી સામે વાંધો છે. આ સ્થિતિનું પરિણામ એ આવ્યું કે જે પાટીદારો તે સમયે નારાજ થઇ ગુજરાતના મુખ્યમંત્રી મોદી વિરુદ્ધ કોંગ્રેસને મત આપવાના હતા એ નવી રચાયેલી પાટીદારોની પાર્ટીને મત આપ્યા સરવાળે સરકાર વિરોધી મતોની વહેંચણી થઇ ગઈ અને સરકાર બચી ગઈ. સ્થિતિઓ એવું કહે છે ગુજરાતમાં ત્રીજા પક્ષે હંમેશા સત્તા પક્ષને ફાયદો જ કર્યો છે.

હવે ગુજરાતના રાજકારણમાં હોટકેકની જેમ ચર્ચાતા આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી સરકાર વિરોધી એક લહેર છે. દરેક ઘર પરિવાર કોરોના કાળમાં ગુજરાત સરકારની નિષ્ફ્ળતાનો ભોગ બન્યો છે, જેનું પરિણામ 2022 માં કદાચ એવું પણ આવે કે લોકો હાલની સરકારના વિરુદ્ધમાં જઈને મત આપે. ટૂંકમાં કહું તો હાલની દરેક સ્થિતિ સત્તા અને સરકારની વિરુદ્ધમાં છે ત્યારે ફરી એક વાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઊભી થઇ છે. આમ આદમી પાર્ટી માટે જે લોકોએ કહે છે કે સુરતમાં મેજીક સર્જ્યું એમણે પહેલાં સુરતનું રાજકારણ સમજવું જોઈએ. આમ આદમી પાર્ટી સુરતમાં ચાલી કે ચલાવવામાં આવી? આવા અનેક પ્રશ્નો છે? ચાલો, એક વાર માની પણ લઇએ, ગુજરાતમાં આપ એટલે કે આમ આદમી પાર્ટી ઊભી થઇ રહી છે તો પ્રશ્ન એટલો કે ગુજરાત કોર્પોરેશનની ચૂંટણીમાં પહેલાં એ પણ જાણી લેવું જોઈએ કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કેટલા ઉમેદવારો ઊભા રાખ્યા હતા, કેટલા ઉમેદવારો જીત્યા? શું આમ આદમી પાર્ટીની લહેર માત્ર સુરતમાં જ ઊભી થાય? ના, જરા પણ નહિ.

ગુજરાતનો રાજકીય ઇતિહાસ અને ત્રીજા પક્ષનાં પરિણામો બૂમો પાડીને કહે છે કે ત્રીજો પક્ષ કોઈ પણ નક્કર આયોજન કે શહેર સંગઠન, ફંડ વિના માત્ર ઊભું થાય છે, જે કાળક્રમે રાજકીય ગોલ સેટ કરીને વિલીન થઇ જાય છે. ગુજરાતની પ્રજા પણ આ જ વાતમાં કદાચ વિશ્વાસ માને છે એટલે ત્રીજા પક્ષ પર ભરોસો કરતાં એક હજાર વાર વિચારે છે. એમ પણ ગુજરાતી કહેવત છે કે ‘દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે’ ગુજરાતની પ્રજા રાજકીય ત્રીજા મોરચા વિષે પણ કદાચ આવું કરી રહી છે..!

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top