Comments

જમ્મુ-કાશ્મીર: મૂડી રોકાણ સમાન ચૂંટણી?

કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત જમ્મુ – કાશ્મીરમાં ચૂંટણી યોજવા વિધાનસભા મત વિસ્તારની નવેસરથી રચના કરવા હદરેખા માટેનું પંચ એક વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા પછી ઓચિંતું સક્રિય થઇ ગયું છે. આ પંચે તમામ વીસ જિલ્લા સત્તાવાળાઓ પાસે મતદારોની સંખ્યા, સ્થાનિક ભૂગોળ અને જિલ્લાની અન્ય વિગતો મંગાવતાં ચૂંટણીઓ નજીક આવી રહી છે કે કેમ તેની અટકળો થવા માંડી છે. આ અટકળનો વધારો કરે તેનું એક જોરદાર કારણ છે કે પંચની મુદત ગયા માર્ચમાં પૂરી થઇ ગઇ છે અને આ એક વર્ષ દરમ્યાન પંચે આકારણી માટે સ્થળની મુલાકાત લેવાની વાત તો બાજુ પર રહી, પણ કંઇ જ કામગીરી નથી કરી. ત્રણ મહિના પછી તેને એક વર્ષનો મુદ્દતવધારો અપાયો છે અને હવે આખરે તેણે કંઇ કામગીરી કરી છે.

તા. ૭ મી જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગું પ્રવચન કર્યું તે પહેલાં એવી અફવાઓ ચાલતી હતી કે મોદી જમ્મુ-કાશ્મીરને રાજયત્વનો દરજજો પાછો આપે અથવા પંજાબ અને હિમાચલ પ્રદેશને કોરીને સ્થળાંતરિત કાશ્મીરી પંડિતો માટે એક પ્રદેશ અનામત રાખી વધુ વિભાજન કરી નવેસરથી રચના કરે. પણ એવું યોગ્ય રીતે જ કંઇ થયું નહીં! અફવાઓના ગબ્બારા ઊડયા કરતા હતા પણ તે અમસ્તા ન હતા, પણ અફવાખોરોને ભાગ્યે જ ખબર હતી કે નવા રાજયની રચના સહિતની પ્રવેશની નવરચના એક જટિલ બંધારણીય પ્રક્રિયા છે અને મહામારીનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલા વડા પ્રધાન આ કટોકટીના સમયે પોતાના રાષ્ટ્રજોગા પ્રવચનમાં તેની જાહેરાત કઇ રીતે કરી શકે? અફવાખોરો ખોટા સાબિત થયા અને મોદીએ સાચી રીતે મહામારીની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

કહેવત છે કે અગ્નિ વગર ધૂમાડો નથી નીકળતો એમ જમ્મુ-કાશ્મીરમાં જે કંઇ ભાગ બાકી રહ્યો છે તેનું વિચ્છેદન નહીં કરાય તો પણ વિધાનસભાની ચૂંટણી યોજાય એવી વ્યૂહરચનાના કોઇ ભાગ રૂપે અફવાના ગબ્બારા ઉડાવાયા હોઇ શકે. સીમાંકન પંચને ઓચિંતુ લાગ્યું કે તેણે કંઇ કામ કરવાનું છે તેથી ચૂંટણીની વ્યૂહરચના બહાર પડતી લાગે છે. પંચ પ્રત્યે વાજબી બનીએ તો પંચની સીમાંકન કામગીરીનું સમય માળખું નકકી થયું એ તમામ રીતે રાજકીય નિર્ણય છે. એટલે શાસક પક્ષ સીમાંકન પ્રક્રિયા ચાલુ કરવા માટે અવસરની રાહ જોતો હોવાથી પંચની નિષ્ક્રિયતા કંઇક અંશે વાજબી ઠરી શકે. લાગે છે કે એ સમય આવી ગયો છે અને આ પ્રક્રિયા જેમ બને તેમ ઝડપથી પૂરી કરી જેમ બને તેમ જલ્દીથી ચૂંટણી કરવાની શકયતા છે. રાજકીય રીતે મહત્ત્વના ઉત્તરપ્રદેશ અને પડોશના પંજાબ અને હિમાચલ પ્રદેશમાં જયાં ભારતીય જનતા પક્ષ મોટો દાવ લગાવીને બેઠો છે તેની સાથેનાં પાંચ રાજયોની જોડાજોડ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી થશે? કે કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરની ચૂંટણી આ પાંચ રાજયોની ચૂંટણી પહેલાંની અજમાઇશ હશે?

બંધારણની કલમ ૩૭૦ નહીં હોય કે હોય અને રાજકીય પ્રયોગશાળા તરીકે જમ્મુ-કાશ્મીર વિશિષ્ટ કિસ્સો હોવાથી તેની ચૂંટણીઓને અન્ય રાજયોની ચૂંટણીઓ સાથે જોડવામાં કોઇ વાજબીપણું નથી કારણકે શાસક ભારતીય જનતા પક્ષને રાષ્ટ્રીય સ્તરે કોઇ લાભ નથી થવાનો, સિવાય કે ભારતીય જનતા પક્ષ જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયા શરૂ કર્યાનો યશ ખાટી શકે. પ્રશ્ન એ છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણી અને જમ્મુ – કાશ્મીરની ચૂંટણી વચ્ચે કોઇ સંબંધ છે? ૨૦૨૪ સુધીમાં ભારતીય જનતા પક્ષ માટે આ રાજયમાં લોકસભાની બેઠક જીતવાનું અનિવાર્ય છે. યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભારતીય જનતા પક્ષની સરકારે ઉત્તર પ્રદેશમાં કોવિડ-૧૯ ની મહામારીને હાથ ધરવામાં ઘણી ગરબડ કરી છે અને પોતાની નિષ્ફળતાઓ અને શાસનવિરોધી લાગણીઓ જોતાં ભારતીય જનતા પક્ષે હિંદુત્વ પર વિશેષ આધાર રાખવો પડશે એમાં કોઇ શંકા નથી.લેફટેનંટ ગવર્નર મનોજસિંહા પૂર્વ ઉત્તરપ્રદેશમાં રાજકીય રીતે સારું વજન ધરાવે છે અને ઘટનાઓએ પલટી મારી તેમાં યોગી આદિત્યનાથ ફાવી ગયા નહીં તો સિંહા જ મુખ્ય પ્રધાન બન્યા હોત. તેમની ઉપસ્થિતિમાં જમ્મુ – કાશ્મીરમાં ચૂંટણી યોજી પછી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી કરવામાં જોગાનુજોગ હશે? ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં હિન્દુત્વને નવું પરિમાણ આપવા માટે જમ્મુ – કાશ્મીરમાં વહેલી ચૂંટણી કરવાથી તેને માટે કોઇ લાભ દેખાય છે?

ભારતીય જનતા પક્ષ તેની મજબૂત પકડવાળા જમ્મુ પ્રદેશમાં મહામારીમાં આરોગ્ય સંભાવના માળખામાં નિષ્ફળ ગયો હોવા સહિતની ઘણી ટીકાઓનો સામનો કરે છે છતાં તે અહીં બહુમતી જાળવી રાખવાની ખાતરી રાખે છે. ઉલ્ટાનું ભારતીય જનતા પક્ષના વ્યૂહરચનાકારો પાકિસ્તાનના નિરાશ્રિતો ગુજજરો અને બેકરવાલોનો નવો ટેકો પ્રાપ્ત થવાથી બેઠકો વધવાની આશા રાખે છે. પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતોને કલમ ૩૭૦ ની નાબૂદી પછી મતાધિકાર મળ્યો છે અને બેકરવાલા અને ગુજજરોને અનુસૂચિત જનજાતિનો દરજજો મળ્યો છે.આ ઉપરાંત કાશ્મીર ખીણમાં ભારતીય જનતા પક્ષને નવા સાથીઓ મળ્યા છે.

મત વિસ્તારોના નવા સીમાંકનને પગલે આ વર્ગો માટે કેટલીક બેઠકો અનામત રખાશે એવી ચર્ચા ચાલે છે. કલમ ૩૭૦ અને ૩૫-એ ની નાબૂદી પછી ભારતીય જનતા પક્ષ જમ્મુ-કાશ્મીરમાં હિંદુ મુખ્ય પ્રધાન બેસાડવા માંગે છે. તો સિંહા શું ખોટા? ઉત્તરપ્રદેશમાં પણ તેને ફાયદો થાય.વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી વચ્ચેના કથળેલા સંબંધ અને યોગીની ઉપસ્થિતિ વગર કોંગ્રેસના નેતા જિતિનપ્રસાદ ભારતીય જનતા પક્ષમાં જોડાયાના હેવાલો વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં વધુ એક પ્રયોગ ઉત્તર પ્રદેશને ધ્યાનમાં રાખી થઇ શકે. યોગીના ‘ઠાકુર રાજ’ના સંદર્ભમાં જિતિનપ્રસાદને સમાવી ભારતીય જનતા પક્ષ દુભાયેલા બ્રાહ્મણોને રીઝવવાની કોશિષ કરે છે, ભલે પછી યોગીને પેટમાં દુખે. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી મૂડીરોકાણ સમાન છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top