Charchapatra

સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં લખેલા નિયમો

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ તરફથી સંચાલિત તમામ બસમાં જાતજાતના નિયમોનું પાલન કરવા માટેની નિયમાવલી લખવામાં આવે છે, પરંતુ તે માત્ર પોથીમાંનાં રીંગણાં સમાન જ પુરવાર થાય છે. કંડકટર, ડ્રાઈવરથી લઈને પેસેન્જર સુધી કોઈ પણ વ્યક્તિ એક પણ નિયમનું ચુસ્તપણે પાલન કરતાં નથી. દરેક બસમાં લખ્યું હોય છે કે ‘‘બસમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે’’ છતાં કંડકટર, ડ્રાઈવર તથા પેસેન્જર્સ બધાં જ બિન્ધાસ્ત રીતે ધૂમ્રપાન કરે છે. ‘‘કંડકટરને હંમેશા છૂટા પૈસા આપવાનો આગ્રહ રાખો’’. પરંતુ કોઈ પણ વ્યક્તિ છૂટા પૈસા આપતા નથી, તો ક્યારેક, કંડકટર રૂપિયો કે બે રૂપિયા છૂટા નથી કહી ને પેસેન્જરને પાછા આપતાં નથી.

‘‘કંડકટર પાસે ફરિયાદ બુક મળશે, તમે તમારી ફરિયાદ, ફરિયાદ બુકમાં નોંધી શકો છો’’ પરંતુ ભાગ્યે જ કોઈ કંડકટર પાસે ફરિયાદ બુક હોય છે અને હોય છે તો તેઓ પેસેન્જરને આપતાં નથી. ‘‘બસમાં કોઈએ ગંદકી કરવી નહીં’’ એવાં બોર્ડ મારેલાં હોય છે, પરંતુ ચાલુ બસમાં લોકો નાસ્તો, ખાણું, પાણી તથા ઠંડાં પીણાં વિગેરે ખાઈ પીને બસમાં જ આમતેમ ફેંકી દે છે. ‘‘આ ત્રણ બેઠકો મહિલાઓ માટે ખાલી રાખવી’’ પરંતુ આ નિયમનું પાલન ક્યારેય થતું નથી અને મહિલાઓને ઊભા ઊભા મુસાફરી કરવાની ફરજ પડે છે. ‘આ બે બેઠકો દિવ્યાંગ, અશક્ત તથા વૃદ્ધો માટે ખાલી રાખવી’’ પરંતુ ક્યારેય કોઈ માનવતા બતાવીને વૃદ્ધોને કે દિવ્યાંગોને જગા આપતું નથી અને કંડકટર પણ દરમિયાનગીરી કરીને વૃદ્ધો કે દિવ્યાંગોને મદદરૂપ બનતાં નથી.
હાલોલ – યોગેશભાઈ આર. જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top