Sports

મહિલા T20 વર્લ્ડ કપ 2026: ભારતનો પાકિસ્તાન પર ધમાકેદાર વિજય

સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માની ચમકથી હરમનપ્રીત બ્રિગેડનો વિજયી આગાજ

મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરતાં ચિરપ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 64 રને પરાજય આપ્યો છે. બર્મિંગહામના એજબાસ્ટન મેદાનમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે બેટિંગ ,બોલિંગ બંને વિભાગમાં દમદાર પ્રદર્શન કર્યું. સ્મૃતિ મંધાનાની તોફાની અડધી સદી અને દીપ્તિ શર્માની ઐતિહાસિક પાંચ વિકેટની કમાલના કારણે ભારતે એકતરફી જીત નોંધાવી હતી.

ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ટીમની શરૂઆત સારી રહી નહોતી. શરૂઆતના જ ઓવરોમાં ભારતે બે મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર 18 રનમાં 2 વિકેટ થઈ ગયો હતો. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ટીમને સંભાળી હતી. સાથેજ સ્મૃતિ મંધાનાએ પોતાની ક્લાસિક બેટિંગનું પ્રદર્શન કરતાં માત્ર 44 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો હતો. Rf બીજી તરફ કેપ્ટન હરમનપ્રીત કૌરે 36 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 91 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જેના કારણે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું.

મંધાનાની આ અડધી સદી ખાસ રહી હતી કારણ કે મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં તેમની આ પાંચમી ફિફ્ટી હતી.આ સાથે તેમણે ભારતીય દિગ્ગજ ખેલાડીઓ હરમનપ્રીત કૌર, મિતાલી રાજના રેકોર્ડની બરાબરી કરી હતી.મધ્યક્રમમાં કેટલાક ઝડપી વિકેટ પડ્યા બાદ રિચા ઘોષે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિચાએ માત્ર 17 બોલમાં 34 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમની આ ઇનિંગ્સના કારણે ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 170 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો.

171 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે શરૂઆતમાં સકારાત્મક રમત દર્શાવી હતી. પાવરપ્લે દરમિયાન પાકિસ્તાને 52 રન બનાવીને ભારત સામે મહિલા T20માં પોતાનો શ્રેષ્ઠ પાવરપ્લે સ્કોર નોંધાવ્યો હતો. મુનીબા અલીએ આક્રમક બેટિંગ કરતાં ભારતીય બોલરોને પડકાર આપ્યો હતો.જોકે મેચનો ટર્નિંગ પોઇન્ટ દીપ્તિ શર્માની બોલિંગ સાબિત થઈ હતી. દીપ્તિએ પોતાની ઓફ-સ્પિનથી પાકિસ્તાની બેટિંગ લાઇનઅપને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી નાખી હતી. તેમણે એક પછી એક મહત્વપૂર્ણ વિકેટ ઝડપીને પાકિસ્તાનને મેચમાંથી બહાર કરી દીધું હતું.

દીપ્તિ શર્માએ 5 વિકેટ માત્ર 10 રનમાં ઝડપી હતી, જે તેમના T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીના શ્રેષ્ઠ આંકડા છે. તેમણે ગુલ ફેરોઝા, આયેશા ઝફર સહિતના મુખ્ય બેટરોને પેવેલિયન મોકલ્યા હતા. ઉપરાંત મુનીબા અલીને 41 રન પર સીધા થ્રોથી રનઆઉટ કરીને પાકિસ્તાનની આશાઓને મોટો ઝટકો આપ્યો હતો.દીપ્તિના આ પ્રદર્શનને કારણે પાકિસ્તાનનો સ્કોર 75 રનમાં 3 વિકેટથી 106 ઓલઆઉટ સુધી સીમિત રહી ગયો હતો. ભારત તરફથી શ્રી ચરાણીએ પણ અસરકારક બોલિંગ કરતાં 3 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની આખી ટીમ 20 ઓવર પૂરી થાય તે પહેલાં જ 106 રનમાં સમેટાઈ ગઈ હતી.
મેચ બાદ દીપ્તિ શર્માના પ્રદર્શનની સર્વત્ર પ્રશંસા થઈ હતી. કેટલાક અહેવાલો મુજબ આ પાંચ વિકેટના પ્રદર્શન સાથે તેમણે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહત્વપૂર્ણ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

ભારત માટે આ જીત અનેક કારણોસર મહત્વપૂર્ણ છે. પ્રથમ મેચમાં મોટી જીત મેળવવાથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. ઉપરાંત ગ્રુપ સ્ટેજમાં નેટ રન રેટ પણ મહત્વપૂર્ણ હોય છે અને 64 રનની જીતના કારણે ભારતને તેમાં મોટો ફાયદો થયો છે. આ જીત બાદ ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.ભારતીય ટીમે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ – ત્રણેય વિભાગમાં પાકિસ્તાન કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. શરૂઆતના ઝટકા બાદ મંધાના અને હરમનપ્રીતે ઇનિંગ્સ સંભાળી, જ્યારે અંતમાં રિચા ઘોષે ઝડપી રન ઉમેરીને સ્કોરને 170 સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ દીપ્તિ શર્માની ઘાતક બોલિંગે પાકિસ્તાનના બેટરોને કોઈ તક જ આપી નહોતી.

મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતે પોતાના સૌથી મોટા હરીફ સામે શાનદાર જીત સાથે અભિયાનનો પ્રારંભ કર્યો છે. સ્મૃતિ મંધાનાની બેટિંગ, હરમનપ્રીત કૌરની જવાબદાર ઇનિંગ્સ, રિચા ઘોષની વિસ્ફોટક ફિનિશિંગ અને દીપ્તિ શર્માની ઐતિહાસિક બોલિંગના કારણે ભારતીય ટીમે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે આ વખતે ખિતાબ માટે પ્રબળ દાવેદાર છે. હવે ભારતીય ચાહકોને આશા રહેશે કે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ આ જ લય જાળવી રાખીને વર્લ્ડ કપમાં આગળ વધશે.

Most Popular

To Top