Savli

RTI મામલે રાજ્ય માહિતી આયોગની કડક કાર્યવાહી: સાવલીના તત્કાલીન PI અને મામલતદારને ₹10-10 હજારનો દંડ

માહિતી આપવાની ફરજમાં બેદરકારી ભારે પડી, દંડની રકમ પગારમાંથી વસૂલવાનો આદેશ
રાજ્ય માહિતી આયોગના બે નિર્ણયોથી સરકારી કર્મચારી વર્તુળોમાં ફફડાટ, પારદર્શિતાને લઈને કડક સંદેશ

(પ્રતિનિધિ) સાવલી
સાવલી તાલુકામાં માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ માંગવામાં આવેલી માહિતી સમયસર અને યોગ્ય રીતે ઉપલબ્ધ ન કરવાના બે અલગ-અલગ કિસ્સાઓમાં રાજ્ય માહિતી આયોગે કડક વલણ અપનાવતાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને તત્કાલીન મામલતદારને રૂ.10-10 હજારનો દંડ ફટકાર્યો છે. આ બંને નિર્ણયો બાદ સરકારી કર્મચારી વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રથમ કેસમાં અરજદાર સદામશા દિલીપશા દિવાને ભાદરવા પોલીસ સ્ટેશનના PI ચેમ્બરના CCTV ફૂટેજ અંગે માહિતી માંગી હતી. માહિતી અધિકાર હેઠળ અરજી કરવા છતાં માહિતી આપવામાં આવી નહોતી અને ગુપ્તતાનો ભંગ થતો હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. મામલો રાજ્ય માહિતી આયોગ સુધી પહોંચતા સુનાવણી દરમિયાન CCTV બેકઅપ ટેકનિકલ ખામીના કારણે ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું હતું. જોકે આયોગે આ દલીલ ફગાવી તત્કાલીન PI એ.ઓ. ભરવાડને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો અને દંડની રકમ પગારમાંથી કપાત કરવાનો આદેશ કર્યો હતો.
બીજા કેસમાં અરજદાર દિલીપશા મહમ્મદશા દિવાને HP ગેસ એજન્સીના ગ્રાહકો અને રિફિલ વિતરણ અંગેની માહિતી માંગતા મામલતદાર કચેરી સામે ફરિયાદ કરી હતી. પ્રથમ અપીલ અધિકારીના આદેશ છતાં માહિતી ન આપતા મામલો રાજ્ય માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો. સુનાવણી બાદ આયોગે તત્કાલીન મામલતદાર જીગ્નેશ પટેલ દ્વારા RTI કાયદાનું યોગ્ય પાલન ન કરવામાં આવ્યું હોવાનું નોંધ્યું હતું અને તેમને પણ રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ પગારમાંથી અથવા વ્યક્તિગત ભંડોળમાંથી વસૂલ કરવાનો તેમજ 30 દિવસમાં રસીદ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મામલતદાર જીગ્નેશ પટેલ તાજેતરમાં જ નિવૃત્ત થયા છે. રાજ્ય માહિતી આયોગના આ બંને નિર્ણયો સરકારી કચેરીઓમાં પારદર્શિતા, જવાબદારી અને RTI કાયદાના અસરકારક અમલ માટે મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યા છે.

રિપોર્ટર: વિમલ પટેલ, સાવલી

Most Popular

To Top