Gujarat

વિદ્યાર્થીઓના હિતમાં શાળામાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા માંગણી

રાજ્યમાં નવા વર્ષના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) હેઠળના પ્રવેશની કાર્યવાહી શરૂ થઈ નથી. આ કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવા માટે એનએસયુઆઇના કાર્યકરોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ધરણા, પ્રદર્શન અને દેખાવો યોજ્યા હતા.

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઇ.ના મહામંત્રી ગૌરવ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે, પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી આરટીઈ હેઠળના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી. ગરીબ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની આરટીઈ હેઠળની પ્રવેશ કાર્યવાહી જો આગામી બે દિવસમાં શરૂ કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં શિક્ષણાધિકારીની કચેરીઓમાં તાળાબંધી કરવામાં આવશે.

આરટીઇ હેઠળ પ્રવેશ કાર્યવાહી હજુ શરૂ ન થઇ હોવાથી ધોરણ-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડવાની શક્યતાઓ રહેલી છે. જો ઝડપથી આ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તો ગરીબ અને મધ્યમ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવશે. આ પરિસ્થિતિ જોતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક આરટીઇ હેઠળની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવે, તેવી એનએસયુઆઈ દ્વારા માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top