SURAT

યુ-ટ્યુબના વીડિયોથી ડુપ્લીકેટ રેમેડીસીવીર બનાવનાર ઠગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

સુરત : યુ-ટ્યુબના વીડિયો (Youtube video)થી ડુપ્લીકેટ રેમેડીસીવીર ઇન્જેકશન (duplicate injection) બનાવનાર અડાજણના કૌશલ વોરા તેમજ મુંબઇના પુનીત શાહની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને કોર્ટ (Surat district court)માં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ (Police remand) માંગવામાં આવ્યા હતા. કોર્ટે સરકારી વકીલની દલીલો બાદ બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાની બીજી લહેર દરમિયાન રેમેડીસીવીર ઇન્જેકશનની માંગ ખુબ જ વધી હતી. સંજીવની સમાન ગણાતા આ ઇન્જેકશનને લેવા માટે લોકો રાત-દિવસ આમથી તેમ દોડી રહ્યા હતા. પોતાના સ્વજનોને બચાવવા માટે લોકોએ એડીચૌટીનું જોર લગાવ્યું હતું. ત્યારે જ બજારમાં ડુપ્લીકેટ ઇન્જેકશનો બહાર આવ્યા હતા. સુરતના ઓલપાડ વિસ્તાર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ફેક્ટરી નાંખી ડુપ્લીકેટ ઇન્જેકશન વેચવાનું કૌભાંડ પકડાયું હતું. આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે અડાજણ જલારામ મંદિરની સામે એલપી સવાણી રોડ ઉપર રહેતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તેમજ મુંબઇના મીરા રોડ ઉપર બાલાજી હોટેલ નજીક પુનમ કલસ્ટરમાં પુનીત ગુણવંતલાલ શાહની ધરપકડ કરી હતી.

બંને મેડીકલ ફિલ્ડ સાથે સંકળાયેલા હતા, ઇન્જેકશન બનાવવા માટે જે વસ્તુની જરૂર પડે તે બંનેને આસાનીથી મળી જતી હતી. આ ઉપરાંત જ્યારે પણ કોઇ ઇન્જેકશન બને કે બોટલ બને તેમાં મોટાભાગે ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોવાની માહિતી મેળવી હતી. ત્યારબાદ બંનેએ યુ-ટ્યુબમાં વીડિયો જોઇને ડુપ્લીકેટ ઇન્જેકશન બનાવ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સરકારી વકીલ સુનીલ પટેલે દલીલો કરીને રિમાન્ડ આપવા માટે કોર્ટમાં દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

— પોલીસે બંનેનો મોરબી કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવ્યો
ડુપ્લીકેટ ઇન્જેકશનના કૌભાંડમાં મુખ્ય સુત્રધાર એવા કૌશલ વોરા તેમજ પુનીત શાહની ધરપકડ મોરબી પોલીસે કરી હતી. આ બંનેનો કબજો મોરબી પોલીસ પાસે હતો. બંનેની ધરપકડની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે મોરબી કોર્ટમાં ટ્રાન્સફર વોરંટની અરજી કરીને બંનેનો કબજો માંગ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની અરજી મંજૂર કરીને બંનેનો કબજો સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો.

— પોલીસે રજૂ કરેલા રિમાન્ડના મુદ્દાઓ

  • બંનેએ ડુપ્લીકેટ ઇન્જેકશન બનાવવાની ફેક્ટરી બનાવી હતી.
  • બંનેએ સુરતમાં 100 થી વધુ ડુપ્લીકેટ ઇન્જેકશન આપ્યા છે
  • કોણે-કોણે ઇન્જેકશન આપ્યા છે, તેની વિગત મેળવવાની છે,
  • કોલ ડિટેઇલ્સ મેળવી બીજા કયા આરોપી સંડોવાયા છે તે તપાસવાનું છે.

Most Popular

To Top