SURAT

સુરતના ઝવેરીને મહિલાએ ગજબ ચકરાવે ચઢાવ્યો, દુકાન પર આવી મીઠી મીઠી વાતો કરી અને…

સુરત(Surat): શહેરના માનદરવાજા ખાતેના ઝવેરીને (Jewelers) ઠગ મહિલાએ (Cheater Women) રૂપિયા 12.38 લાખનો ચુનો ચોપડ્યો છે. પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપીને મહિલા પેમેન્ટ કર્યા વિના દાગીના (Jewelry) લઈ છૂમંતર થઈ ગઈ છે.

  • માનદરવાજાના ચામુંડા જ્વેલર્સના ઝવેરીને મહિલા ઠગે 12.38 લાખનો ચુનો ચોપડ્યો
  • પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી ઝવેરીને ફસાવ્યો
  • દાગીના ખરીદયા બાદ આપેલો ચેક બાઉન્સ થતા ઝવેરી દોડતો થયો

આ કેસની પ્રાપ્ત માહિતી અનુસાર એલ.એચ. રોડના શુભલક્ષ્મી એપાર્ટમેન્ટના રહેતા મૂળ બનાસકાંઠા ધાનેરાના લખાભાઈ મફાભાઈ રબારી માનદરવાજા ખાતે ચામુંડા જ્વેલર્સ નામની ઝવેરાતની દુકાન ધરાવે છે. ગઈ તા. 31 માર્ચના રોજ રવિવારે સવારે પોણા અગ્યિાર વાગ્યાના અરસામાં એક મહિલા દુકાન પર સોનું ખરીદવા આવી હતી.

પોતાનું નામ હેતલકુમારી સંજયભાઈ પટેલ જણાવ્યું હતું અને બનાસકાંઠા પાલનપુરમાં રહેતી હોવાની વિગત આપી હતી. સુરતમાં પોતે ફોરવ્હીલ ખરીદવા આવી છે. ગઈ તા. 29 માર્ચે સહારા દરવાજાથી બારડોલી જતી વખતે જલારામ મસાલા પાસે મોબાઈલ ચોરી થઈ ગયો છે તેવી કેફિયત જણાવી હતી. હાલ તમારી દુકાને દાગીના ખરીદવા છે એવું કહ્યું હતું. હેતલકુમારીએ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદની કોપી પણ બનાવી હતી.

મહિલાએ પોતે નાયબ કલેક્ટર હોવાનું કહ્યું હતું. તેથી મહિલા પર વિશ્વાસ બેઠો હતો. મહિલાએ રૂપિયા 12,38,310ના દાગીના ખરીદયા હતા. પરંતુ પોતે રોકડ લાવ્યા નહીં હોય અને મોબાઈલ ચોરી થયો હોઈ બેન્કનો ચેક આપવા કહ્યું હતું. મારા પર વિશ્વાસ રાખો ચેક પાસ થઈ જશે એમ કહ્યું હતું.

મહિલા ખરેખર ડેપ્યુટી કલેક્ટર છે અને તેનો મોબાઈલ ચોરાયો છે તે તપાસ કરવા ઝવેરીએ સારોલી પોલીસ ચોકીમાં ફોન કરી તપાસ કરી હતી. પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ હેતલકુમારીએ કરી હોવાની વિગતો જાણવા મળી હતી, તેથી મહિલા પર વિશ્વાસ બેઠો હતો અને ઝવેરીએ 12.38 લાખના દાગીના આપી દીધા હતા. જોકે, ઝવેરી જ્યારે તા. 3 એપ્રિલે બેન્કમાં ચેક જમા કરાવવા ગયો ત્યારે તે બાઉન્સ થયો હતો.

આથી ઝવેરીએ મહિલાને ફોન કર્યો હતો મહિલાએ કહ્યું, બેલેન્સ છે તેથી ચેક બાઉન્સ નહીં થાય. ઝવેરીએ બાદમાં મહિલા ડેપ્યુટી કલેક્ટર છે કે નહીં તે અંગે તપાસ કરાવતા ગાંધીનગરમાં એવી કોઈ મહિલા ડેપ્યુટી કલેક્ટર નહીં હોવાની વિગતો બહાર આવી હતી. આથી પોતે છેતર્યાં હોવાનો ખ્યાલ આવતા ઝવેરીએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top