Sports

રોહિત શર્મા બન્યો વન-ડેમાં કેપ્ટન પણ વાઈસ કેપ્ટન કોણ? આ બે ખેલાડીઓના નામ ચર્ચામાં

નવી દિલ્હી : રોહિત શર્માને (Rohit sharma) ભારતીય ODI ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2021 પછી, રોહિતને પહેલાથી જ T20 ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને હવે તેને ODI ટીમની કપ્તાની પણ સોંપવામાં આવી છે. KL રાહુલને T20 ટીમનો વાઈસ કેપ્ટન બનાવાયો, પરંતુ ODI ટીમનો વાઈસ કેપ્ટન કોણ હશે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે રાહુલને ODI ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવશે પરંતુ રિષભ પંતને પણ ભાવિ કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવશે.

રિષભ પંતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ ટીમનું નેતૃત્વ કર્યું છે અને તેના નેતૃત્વથી પ્રભાવિત છે. પંતની કપ્તાનીમાં દિલ્હી કેપિટલ્સ ટીમ IPLના નોકઆઉટ સ્ટેજમાં પહોંચી હતી. પંત પહેલા દિલ્હી કેપિટલ્સની કમાન શ્રેયસ અય્યરના હાથમાં હતી. ઈજાના કારણે ઐયર IPL 2021ના પ્રથમ તબક્કામાં રમી શક્યો ન હતો, જેના કારણે પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે IPL 2021ના બીજા તબક્કામાં ઐયર ટીમમાં પાછો ફર્યો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટે પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો.

T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. રવિ શાસ્ત્રી, ભરત અરુણ અને આર શ્રીધરનો મુખ્ય કોચ, બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે જોડાયો હતો. વિરાટે ટી20 વર્લ્ડ કપ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે ટી20 કેપ્ટન તરીકે આ ટૂર્નામેન્ટ તેની છેલ્લી ટૂર્નામેન્ટ છે. જો કે, વિરાટે તે સમયે કહ્યું હતું કે તે વનડે અને ટેસ્ટનો કેપ્ટન બનીને રહેશે. હવે વિરાટ ટેસ્ટ ટીમની કમાન સંભાળી રહ્યો છે, જ્યારે રોહિત ODI અને T20 ફોર્મેટમાં કેપ્ટન રહેશે. આ સિવાય રોહિતને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અજિંક્ય રહાણે પાસેથી ટેસ્ટ ટીમની ઉપ-સુકાની પદ છીનવી લેવામાં આવ્યું છે.

આ પહેલા યુએઇમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપ પહેલા જ વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટ પછી ટી-20 ટીમના કેપ્ટનપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી રોહિતને ટી-20 ટીમનો કેપ્ટન બનાવાયો હતો અને તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટી-20 સીરિઝ રમીને 3-0થી જીત મેળવી હતી. રોહિત શર્મા આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસથી ભારતની વન ડે ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી લેશે. આ પ્રવાસમાં ભારતીય ટીમે પહેલા ત્રણ ટેસ્ટ અને તે પછી ત્રણ વન ડેની સીરિઝ રમવાની છે. ટેસ્ટમાં તે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન તરીકેની અને વન ડેમાં કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવશે.

Most Popular

To Top