Editorial

કેફી દ્રવ્યોના વધતા બંધાણીઓ: વિશ્વભરના દેશોમાં ચિંતાનો વિષય

છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતના બંદરો પર કેફી દ્રવ્યોના અનેક મોટા જથ્થાઓ પકડાયા છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાના પ્રયાસો પાકિસ્તાની ડ્રગ્સ માફીયાઓ દ્વારા કરવામાં આવતા હોવાનું ખૂલ્યું હતું. અને આ  પકડાયા વિનાનું કેટલું કેફી દ્રવ્ય ભારતમાં ઘૂસી જતું હશે તે તો શી ખબર? આજે દેશના મહાનગરો જ નહીં પણ બીજી કક્ષાના શહેરોમાં પણ કેફી દ્રવ્યોના બંધાણીઓની સંખ્યા ખૂબ વધી ગઇ છે અને દેશની ભાવિ પેઢીનું ભવિષ્ય  કેફી દ્રવ્યોના નશામાં બરબાદ થઇ રહ્યું છે તે એક મોટી ચિંતાનો વિષય છે. અને આ ફક્ત ભારતની જ ચિંતા નથી પણ વિશ્વના અનેક દેશોના યુવાનોમાં કેફી દ્રવ્યોની લત વધી રહી છે અને કેફી દ્રવ્યો આજે એક વૈશ્વિક ચિંતાનો  વિષય બની ગયો છે. દુનિયાભરમાં કરોડો રૂપિયાના કેફી દ્રવ્યોનું દરરોજ સેવન થતું હશે, અને આમાં ફક્ત બંધાણીઓના આરોગ્યની જ નહીં પણ તેમના નાણાની અને તેમના કુટુંબોની પણ બરબાદી થાય છે.

દુનિયાભરમાં કેફી દ્રવ્યોનો જે બેફામ વેપલો ચાલે છે અને લાખો લોકોને બંધાણી બનાવવાના પ્રયાસો થાય છે તેની પાછળ કેફી દ્રવ્યોમાંથી માફીયા તત્વોને તથા તેમને સાથ આપનારાઓને થતી અઢળક કમાણીની લાલચ  જવાબદાર છે. જેને ડ્રગ્સના નામે ઓળખવામાં આવે છે તે કેફી દ્રવ્યોના વેપારમાંથી જે અઢળક કમાણી થાય છે તેના કારણે આ દ્રવ્યોનો ધંધો કરતા માફીયા તત્વો પોતાના આ કાળા ધંધા માટે હવે અત્યાધુનિક સાધનોથી સજજ  પોતાનું એક આગવું નેટવર્ક જ ધરાવે છે. આમાં પણ ખાસ કરીને મધ્ય અમેરિકાના અને દક્ષિણ અમેરિકાના ડ્રગ્સ માફિયાઓથી માની નહીં શકાય તેવું મજબૂત નેટવર્ક ધરાવે છે.

હાલમાં મધ્ય અમેરિકાના મેક્સિકો દેશમાંથી જેને  અમેરિકા તરીકે ઓળખવામાં આવે છે તે યુનાઇટેડ સ્ટેટ્સ(યુએસ)ના એક શહેર સુધી આવતી એક જંગી ટનલ પકડાઇ, જે એટલી બધી સવલતો ધરાવે છે કે તેના વિશે જાણીને લોકો અચંબામાં પડી ગયા છે. અમેરિકાના સાન  ડિયેગો શહેરના એક ગોડાઉનથી પાડોશી દેશ મેક્સિકોના તિજુઆના શહેર સુધી જતી એક ૧૮૦૦ ફૂટ જેટલી લંબાઇની ટનલ પકડાઇ છે અને તેને જોઇને તપાસકર્તાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ બોગદાનો ઉપયોગ  અમેરિકામાં મેક્સિકોથી કેફી દ્રવ્યો ઘૂસાડવા માટે કરવામાં આવતો હતો. અમેરિકા અને મેક્સિકોના સત્તાવાળાઓએ સંયુક્ત રીતે તપાસમાં આ ટનલ શોધી કાઢી હતી.

જમીનની નીચે ૬૧ ફૂટ ઉંડાઇએ આ ટનલ બનાવવામાં આવી  છે અને તે ૧૭૪૪ ફૂટ જેટલી લાંબી છે. તેનો વ્યાસ ૪ ફૂટનો છે. આ ટનલમાં મજબૂત દિવાલો પણ બનાવવામાં આવી છે. તેમાં હેરાફેરી કરનારાઓની સગવડ માટે વિજળી અને રેલ સિસ્ટમ પણ છે! હવાની અવરજવર માટે  વેન્ટિલેશન સવલત પણ તૈયાર કરવામાં આવી છે. સાન ડિયેગો ખાતેના ગોદામમાંથી આ ટનલ મેક્સિકોના તિજુઆના શહેર સુધી જતી હતી. આ ટનલનો ઉપયોગ કરીને અમેરિકામાં કેફી દ્રવ્યો ઘૂસાડવામાં આવતા હતા. એક  ચેકીંગ દરમ્યાન સાન ડિયેગો ખાતેના ગોદામ અને આ ટનલનો પર્દાફાશ થયો હતો. આ પછી છ જણાની ધરપકડ કરવામાં આવી હતી જેઓ અમેરિકામાં ડ્રગ્સ વેચવામાં સંડોવાયેલા હતા. ગોદામમાંથી કોકેઇન, હેરોઇન વગેરે  મળીને અઢી કરોડ ડોલરના કેફી દ્રવ્યો મળી આવ્યા હતા! છેલ્લા બે દાયકામાં અમેરિકામાં આવી બે ડઝન જેટલી ટનલો પકડાઇ છે. આના ઉપરથી સમજી શકાય છે કે અમેરિકામાં મેક્સિકોમાંથી કેટલી વ્યાપક રીતે ડ્રગ્સ  ઘૂસાડવામાં આવતું હશે. મધ્ય અમેરિકાના કેટલાક ડ્રગ્સ માફિયાઓ તો પોતાના અંગત વિશાળ જહાજ પણ ધરાવતા હોવાનું કહેવાય છે.

હેરોઇન, હશીશ, મારીજુઆના, કોકેઇન વગેરે અનેક પ્રકારના કેફી દ્રવ્યોનું સેવન વિશ્વભરમાં બંધાણીઓ કરે છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં દુનિયાભરમાં કેફી દ્રવ્યોના બંધાણીઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે. શત્રુ દેશને આર્થિક  રીતે પાયમાલ કરવા માટે કેફી દ્રવ્યોનો ઉપયોગ શસ્ત્ર તરીકે પણ થાય છે અને તેથી પણ અનેક કિસ્સાઓમાં કેફી દ્રવ્યોનો ફેલાવો ઇરાદાપૂર્વક કરવાના પ્રયાસો થયા છે અને કેફી દ્રવ્યોના બંધાણીઓ વધવા માટેનું એક કારણ આ  પણ છે. એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ વપરાતું કેફી દ્રવ્ય એ ગાંજો છે, એક અંદાજ પ્રમાણે દુનિયાભરમાં ગાંજાના ૧૯ કરોડ કરતા વધુ બંધાણીઓ છે, અને બીજા કેફી દ્રવ્યોના બંધાણીઓ તો જુદા. ગરીબી, મર્યાદિત  શિક્ષણ, એક પ્રકારની ઉત્તેજનાનો આનંદ, કૂતુહલ, હતાશા વગેરે અનેક કારણો છે કે જે વ્યક્તિને કેફી દ્રવ્યોની બંધાણી બનાવી દે છે. દુનિયામાં કેફી દ્રવ્યોના બંધાણીઓ વધતા જાય છે તો ડ્રગ્સ માફીયાઓની કમાણી પણ વધતી  જાય છે અને દુનિયાભરની યુવાપેઢીનો એક મોટો વર્ગ ખોખલો થતો જાય છે. આ કેફી દ્રવ્યોના ધંધા સાથે જોડાયેલા લોકો સામે વિશ્વભરના દેશો સહકાર કરીને તેમના પર ત્રાટકે તો જ આ દૂષણ ખતમ થઇ શકે તેમ છે.

Most Popular

To Top