Feature Stories

ફળોના રાજા સાથે મારે નથી કોઇ નાતો, સુરતીઓ કરી રહ્યાં છે ખાટી મીઠી વાતો

ઉનાળાની વાત હોય એટલે ગરમીમાં ઠંડક આપતી કેરીની યાદ તો આવી જ જાય. ઘણા કેરી રસિયાઓ તો ઉનાળાની એટલા માટે કાગડોળે રાહ જોતાં હોય છે કે હાશ, હવે કેરી ખાવા મળશે. કેરી આખો વર્ષ નહીં મળતી હોવાથી મોટાભાગના લોકો તેને સૂકવીને કે તેના અંબોડિયા, પાપડ કે રસ વગેરે બનાવીને સ્ટોર કરે છે. અને એવું ભાગ્યેજ કોઇ ઘર હશે જ્યાં કેરીનું અથાણું નહીં જોવા મળે. કેરીની આવી રસ ઝરતી વાતો સાંભળીને જ કેટલાંકના મોમાં તો પાણી આવી જતું હોય ત્યારે કેટલાંક લોકો એવા પણ છે જેમનું મોં કેરીનું નામ પડતાં જ બગડી જતું હોય છે. કેરી સાથે કેટલાક લોકોની મીઠી મધુરી યાદો જોડાયેલી હોય છે તો કેટલાક લોકો એવા છે જેમને કેરી નથી ભાવતી એ નવાઈની વાત છે. તો આવો આપણે એવા કેટલાંક લોકો સાથે વાત કરીએ કે તેમને અમ્રુત કહેવાતું આમ્રફળ કેમ પસંદ નથી

ગેસ અને એસિડિટીને કારણે કેરી બંધ કરી : રીટા દેસાઈ
રીટાબેન કહે છે કે હું પહેલા કેરી ખાતી હતી પરંતુ વખત જતા મને એસિડિટી અને ગેસની લકલીફ વધી ગઇ. પહેલા તો ખબર જ ન પડી કે કેમ આવુ઼ં થાય છે. ધીમે-ધીમે ખબર પડવા માંડી કે કેરી ખાવાથી મને તકલીફો થતી હતી એટલે મેં બંધ કરી તો મારા ઘરનાં લોકો મારી મજાક ઉડાવવા માંડ્યા. મેં જીમ જવાનું ચાલું કર્યું અને વજન વધી જવાના ડરથી મેં કેરી ખાવાની બંધ કરી તોય હું મારા પરિવારમાં હાંસીને પાત્ર બનતી હતી. કોઇ માનવા જ તૈયાર ન થાય અને હસે કે કઇ કારણો થોડી હોય કેરી ન ખાવાના.

કેરી ભાવતી નથી અને સાસુમાએ કેરીની વાનગીઓ બનાવી: ભાગ્યેશ સેવક
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ભાગ્યેશની તો હાલત ત્યારે કફોડી થઈ હતી કે જ્યારે લગ્ન બાદ પ્રથમવાર કેરીની સિઝનમાં તેણે સાસરે જમવા જવાનું થયું અને ત્યાં એમને ન ભાવતી કેરીની અવનવી વાનગીઓ પીરસવામાં આવી. આ અંગે ભાગ્યેશ હસતાં હસતાં જણાવે છે કે, ‘મારા નવા નવા લગ્ન થયા હતા અને મારે સાસરે જમવા જવાનું થયું. કકડીને ભૂખ લાગી હતી અને વિચાર્યું કે મસ્ત પેટ ભરીને ખાઈશ પણ જ્યાં જમવા બેઠો ત્યારે જોયું કે જમવામાં કેરીનો રસ, કેરીનું અથાણું, કેરીનાં પાપડ વગેરે વાનગીઓ પીરસવામાં આવી હતી. સ્વાભાવિક છે કે કેરીની સિઝન હોય અને એવું પણ નહીં હોય કે કોઈને કેરી નહીં ભાવતી હોય. મને તીખું ખાવાનો શોખ છે અને કેરીમાં આવતી મીઠાશના કારણે મને એનો ટેસ્ટ ભાવતો નથી. પણ સાસુમાં એ પ્રેમથી બધુ બનાવ્યું હતું તો ના પણ કેમ પાડવી. પણ મારા પત્નીએ બાજી સંભાળી લીધી જેથી સાસુમાએ આગ્રહ પણ ન કર્યો અને પછી મેં પૂરી શાક અને દાળભાત વગેરે પેટભરીને ખાઈ લીધા જેથી તેમને ખોટું પણ નહીં લાગ્યું.’

કેરી જોઈને 5 ફૂટની દૂરી બનાવી લઉં છું: રમેશ ચૌધરી
પાલ વિસ્તારમાં રહેતાં રમેશભાઈ ચૌધરીનું તો કેરીનું નામ સાંભળીને જ મોં બગડી જાય છે. રમેશભાઈ કહે છે કે, એકવાર થયું એવું કે હું ગામડે ગયો હતો અને ત્યાં આંબાના ઝાડ પર સરસ લટકતી એક પાકી કેરી જોઈ. ઝાડ પરથી કેરી તોડીને ખાવાની મળી જાય તો એમાં જોવાનું શું, એમ વિચારી મેં જોયા વગર કેરી મોમાં મૂકી દીધી અને થોડીવાર પછી ગોટલી બહાર કાઢી તો ઇયળ જોઈને મારા તો હોશ ઊડી ગયા. મિત્રોએ મારી ખાસ્સી એવી મજાક ઉડાવી પણ ત્યારથી કેરીમાંથી મારો રસ ઊડી ગયો. જો કે પછી પરિવારજનોએ અલગ અલગ પ્રકારે કેરી ખવડાવવાના પ્રયાસ કરી જોયા પણ કેરી મોં પાસે લઉં ને પેલી ઘટના યાદ આવી જાય. જેથી મે તો કેરીથી 5 ફૂટની દૂરી જ બનાવી લીધી છે.’

Most Popular

To Top