Sports

થોમસ કપમાં જીતની સાથે બેડમિન્ટનમાં ભારતના નવા સૂર્યોદયનો પ્રારંભ

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે 73 વર્ષથી રમાતી આવેલી થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત જ ટાઇટલ જીતીને એક અલગ ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં કદી પણ સેમીફાઇનલથી આગળ વધી શકી નહોતી અને આ વખતે ભારતીય ટીમે જે રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તેનાથી એવું લાગતું હતું કે આ ભારતીય ટીમ નવો ઇતહાસ રચી શકે છે. આમ તો ફાઇનલમાં પહોંચીને જ આ ભારતીય ટીમે નવો ઇતિહાસ રચી દીધો હતો પણ તે પછી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાની ટીમને 3-0થી હરાવીને માત્ર બેડમિન્ટનમાં પોતાના વર્ચસ્વ સ્થાપવા ભણી એક ડગલું જ માત્ર આગળ નથી ધપાવ્યું પરંતુ એ પણ બતાવ્યું કે ડેનમાર્ક, મલેશિયા, ઈન્ડોનેશિયા અને ચીનનું જે વર્ષોથી વર્ચસ્વ આ રમત પર રહ્યું છે તેના અંતનો હવે આરંભ થઇ ગયો છે .

ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં ત્યારે જ ઈતિહાસ રચ્યો જ્યારે ટીમે ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. હતો. ભારતીય ટીમ છેલ્લા 43 વર્ષમાં પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા ટીમ 1952, 1955 અને 1979માં સેમીફાઈનલમાં પહોંચી હતી. જો કે તે પછી સેમી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ ડેનમાર્કને 3-2થી હરાવીને 73 વર્ષના ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી અને તેની પહેલી જ ફાઈનલમાં ટૂર્નામેન્ટ પણ જીતી લીધી. થોમસ કપમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. થોમસ કપમાં ભારતનો કોઈપણ પ્રકારનો આ પહેલો મેડલ છે. ભારત આ ટૂર્નામેન્ટ જીતનારી વિશ્વની માત્ર છઠ્ઠી ટીમ બની હતી. ભારતે પોતાની પ્રથમ ગ્રુપ મેચમાં જર્મનીને 5-0થી હરાવ્યું હતું.

લક્ષ્ય સેને મેક્સ વેઇસ્કિર્ચન સામે 21-16, 21-13થી આરામદાયક શરૂઆત કરી હતી. સાત્વિક અને ચિરાગની ડબલ્સની જોડી જોન્સ, રાલ્ફી જેન્સન અને માર્વિન સીડેલથી પરેશાન હતી, પરંતુ ભારતીય જોડીએ 21-15, 10-21, 21-13થી જીત મેળવી હતી. વર્લ્ડ નંબર 11 શ્રીકાંતે કાઈ શેફરને 18-21, 21-9, 21-11થી હરાવ્યો હતો. અર્જુન અને ધ્રુવ કપિલાએ બજાર્ને ગેઈસ અને જેન કોલિન વોલ્કરને 25-23, 21-15થી હરાવ્યા હતા, જ્યારે વિશ્વના 23 નંબરના પ્રણયએ મેથિયાસ કિચલિત્ઝ સામે 21-9, 21-9થી જીત નોંધાવી હતી. તે પછી ભારતીય ટીમે ગ્રુપ રાઉન્ડની બીજી મેચમાં કેનેડાને હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ મેચમાં લક્ષ્ય સેનને આરામ આપવામાં આવ્યો હતો. શ્રીકાંતે પ્રથમ મેચમાં બ્રાયન યાંગને 20-22, 21-11, 21-15થી હરાવ્યો હતો. સાત્વિક અને ચિરાગની ડબલ્સ જોડીએ જેસન એન્થોની હો-શુ અને કેવિન લીને 21-12, 21-22થી હરાવ્યા હતા. એચએસ પ્રણોયે બીઆર સંકીરથને 21-15, 21-12થી જ્યારે કૃષ્ણ પ્રસાદ અને વિષ્ણુવર્ધનની જોડીએ ડોંગ એડમ અને નાઇલ યાકુરાને 21-15, 21-11થી હરાવ્યા હતા. અને પ્રિયાંશુ રાજાવતે વિક્ટર લાલ સામે છેલ્લી મેચમાં 21-13, 20-22, 21-14થી જીત મેળવી હતી. ગ્રુપ સ્ટેજની બે મેચ જીત્યા પછી ભારતે ચાઈનીઝ તાઈપેઈ સામેની મેચ 2-3થી હારતા ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહી શક્યું નહોતું.

ગ્રુપ સ્ટેજની મેચો પત્યા પછી ક્વાર્ટર ફાઇનલમાં ભારતની સામે મલેશિયાની મજબૂત ટીમ હતી. લક્ષ્ય સેન વિશ્વના છઠ્ઠા ક્રમાંકિત ખેલાડી લી જી જિયા સામે 23-21, 21-9થી હારી ગયો. બીજી તરફ સાત્વિકસાઈરાજ અને ચિરાગે ગોહ સે ફી અને નૂર ઈઝુદ્દીન સામે 21-19, 21-15થી જીત મેળવીને ભારતને 1-1ની બરાબરી પર લાવી દીધું હતું. શ્રીકાંતે એનજી તજે યોંગ સામે 21-11, 21-17થી જીત મેળવીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. ક્રિષ્ના પ્રસાદ અને વિષ્ણુવર્ધનની જોડી એરોન ચિયા અને ટીઓ ઈ યી સામે 19-21, 17-21થી હારી ગઈ અને સ્કોર 2-2થી બરાબર થઈ ગયો. છેલ્લી મેચમાં પ્રણોયે ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં લઈ જવા માટે લીઓંગ જુન હાઓ સામે 21-13, 21-8થી ઐતિહાસિક જીત નોંધાવી હતી. તે પછી સેમીફાઈનલમાં ભારતે ડેનમાર્ક સામે 3-2થી જીત નોંધાવી હતી.

શરૂઆતની મેચમાં વિશ્વના નંબર વન વિક્ટર એક્સેલસેને લક્ષ્ય સેન સામે 21-13, 21-13થી જીત મેળવીને ડેનમાર્કને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ સાત્વિક અને ચિરાગે એસ્ટ્રુપ અને ક્રિશ્ચિયનસેનને ત્રણ ગેમના મુકાબલામાં 21-18, 21-23, 22-20થી હરાવ્યા હતા. શ્રીકાંતે વિશ્વના ત્રીજા નંબરના એન્ડર્સ એન્ટોનસેન સામે 21-18, 12-21, 21-15થી જીત નોંધાવી હતી, કૃષ્ણ પ્રસાદ અને વિષ્ણુવર્ધન જો કે એન્ડર્સ સ્કારપ રાસમુસેન અને ફ્રેડરિક સોગાર્ડના હાથે 14-21, 13-21થી હારી ગયા હતા. આમ સ્કોર 2-2ની બરાબરી પર રહ્યો હતો. નિર્ણાયક મેચમાં એચએસ પ્રણોય અને તેનાથી રેન્કમાં બહેતર રાસમસ ગેમકે વચ્ચે જોરદાર મેચ જોવા મળી હતી.

ભારતીય ખેલાડી પ્રથમ ગેમ 13-21થી હારી ગયો હતો. પ્રણયને પ્રથમ ગેમમાં જ પગની ઘૂંટીમાં ઈજા થઈ હોવા છતાં, તેણે મેચ રમવાનું ચાલુ રાખ્યું અને પછીની બે ગેમ જીતી લીધી. પ્રણોયે ગેમકેને 21-9, 21-12થી હરાવી ભારતને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચાડ્યું. અંતે ફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો ટુર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ ઈન્ડોનેશિયા સાથે થયો હતો. લક્ષ્ય સેને પ્રારંભિક મેચમાં ઇન્ડોનેશિયાના ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ટોની સિનિસુકાને 8-21, 21-17, 21-16થી હરાવ્યો હતો. બીજી મેચમાં પણ સાત્વિક અને ચિરાગની જોડીએ 18-21, 23-21, 21-19થી જીત મેળવી હતી. ત્રીજી મેચમાં કિદામ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

ટૂર્નામેન્ટમાં પહેલીવાર ભારતની ટીમ મજબૂત જણાતી હતી
ભારતને ગ્રુપ સીમાં રાખવામાં આવ્યું હતું, જેમાં ચાઈનીઝ તાઈપેઈ, જર્મની અને કેનેડાની ટીમો પણ સામેલ હતી. ભારતે ટુર્નામેન્ટ માટે મજબૂત ટીમ મોકલી હતી. જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલિસ્ટ લક્ષ્ય સેન, વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલિસ્ટ કિદામ્બી શ્રીકાંત, એચએસ પ્રણય અને પ્રિયાંશુ રાજાવતને સિંગલ્સ મેચ માટે મોકલવામાં આવ્યા હતા. ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ રન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી, એમઆર અર્જુન અને ધ્રુવ કપિલા તેમજ કૃષ્ણ પ્રસાદ અને વિષ્ણુવર્ધન ગૌરની જોડીને ટુર્નામેન્ટમાં મોકલવામાં આવી હતી.

થોમસ કપ ટૂર્નામેન્ટમાં ભારતે ચેમ્પિયન ટીમોને હરાવી
થોમસ કપના ઈતિહાસની વાત કરીએ તો ઈન્ડોનેશિયાએ 14 વખત, ચીન 10 વખત, મલેશિયાએ પાંચ વખત અને જાપાન, ડેનમાર્કે એક-એક વખત ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે પહેલા ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયા જેવી મજબૂત ટીમને પછાડી તેનાથી એ પુરવાર થયું હતું કે ભારતીય ટીમ આ વખતે થોમસ કપમાં ઇતિહાસ રચવા માગે છે. તે પછી સેમીફાઈનલમાં ડેનમાર્ક સામેની જીતની ઉજવણી જોઈને ખબર પડી કે ફાઈનલ ભારત માટે કેટલી મહત્વની હતી.. ભારતીય ટીમે ફાઇનલમાં ઇન્ડોનેશિયા જેવી 14 વારની ચેમ્પિયન ટીમ સામે પહેલી ત્રણ મેચ જીતીને જ પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી દીધી અને તેના કારણે ભારતે બાકીની બે મેચ રમવાનો વારો જ ન આવ્યો. આમ ભારતે આ તમામ ચેમ્પિયન ટીમોને હરાવી ટોપ પર પહોંચીને પહેલીવાર થોમસ કપ ટાઇટલ કબજે કર્યું હતું.

ભારતીય ખેલાડીઓએ એક યૂનિટની જેમ રમીને ટીમને ચેમ્પિયન બનાવી
ભારતના સ્ટાર પુરૂષ ખેલાડીઓ કિદામ્બી શ્રીકાંત, લક્ષ્ય સેન અને એચએસ પ્રણોયે ટૂર્નામેન્ટની જવાબદારી પોતાના ખભા પર લઇને ભારતને ચેમ્પિયન બનાવ્યું. આ સિવાય સાત્વિકસાઈરાજ રન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સની જોડીએ પણ અસરકારક પ્રદર્શન કર્યું અને જ્યારે પણ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ત્યારે બંનેએ જીત અપાવી અને ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરી. મલેશિયા અને ડેનમાર્ક સામે લક્ષ્ય પ્રથમ મેચમાં હારી ગયો હતો. આ પછી, માત્ર સાત્વિક અને ચિરાગની જોડી જ હતી જેણે ભારતને વાપસી કરાવી હતી. ત્યારપછી કિદામ્બી શ્રીકાંત અને પ્રણોયે પોતાની જોરદાર રમતથી વિરોધી ટીમોને સ્તબ્ધ કરી દીધી હતી એટલે કે કોઇ એક હારે તો તે પરાજયની ભરપાઈ કરવા માટે ટીમ ઈન્ડિયાએ અનેક ચેમ્પિયન તૈયાર કર્યા હતા. પ્રથમ વખત ભારતીય ખેલાડીઓ એક ટીમ તરીકે રમતા જોવા મળ્યા હતા.

Most Popular

To Top