National

શ્રીલંકા: ગોટાબાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ પદ છોડ્યું, સિંગાપુરથી સ્પીકરને ઈ-મેલથી રાજીનામું મોકલ્યું

શ્રીલંકા: ગોટાબાયા રાજપક્ષેએ ગુરુવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું છે. માલદીવથી સિંગાપોર પહોંચ્યા પછી તેમણે શ્રીલંકાની સંસદના સ્પીકરને ઈ-મેલ દ્વારા રાજીનામું મોકલી દીધું છે. શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાંથી નિકળી દેશની બહાર માલદીવ જતા રહેલા રાજપક્ષેએ ભારે વિરોધ વચ્ચે 13 જુલાઈએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પરંતુ પરિસ્થિતિને જોતા તેઓ રાજીનામું આપવાને બદલે દેશ છોડીને માલદીવ ભાગી ગયા હતા. ત્યારબાદ માલદીવમાં પણ વધી રહેલા વિરોધને જોતા ગોટાબાયાને સિંગાપુર જવું પડ્યું હતું. બીજી તરફ શ્રીલંકામાં સેનાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે અને વિરોધીઓ પીછેહઠ કરી ગયા છે. આ બિલ્ડિંગમાં થોડા પત્રકારો અને સેનાના જવાનો સિવાય કોઈ નથી.

રાજપક્ષે સિંગાપુર પહોંચતા જ ત્યાંની સરકારે સ્પષ્ટતા નિવેદન બહાર પાડ્યું હતું. સિંગાપુરના વિદેશ મંત્રાલયે કહ્યું કે રાજપક્ષે ખાનગી મુલાકાતે સિંગાપુર આવ્યા છે અને તેના આધારે તેમને પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે તેમણે આશ્રય માંગ્યો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજપક્ષેએ ન તો આશ્રય માંગ્યો છે અને ન તો તેમને આશ્રય આપવામાં આવ્યો છે. 

જાણો કેમ આપવું પડ્યું ગોટાબાયાએ રાજીનામું
શ્રીલંકામાં થયેલ જનઆંદોલન 1 માર્ચ, 2022 ના રોજ, 6 યુવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ દિવસે શ્રીલંકાના કોહુવાલા શહેરમાં, 6 છોકરાઓ તેમના હાથમાં મીણબત્તીઓ અને પોસ્ટરો સાથે તેમના ઘરની બહાર નીકળ્યા હતા કારણકે તેઓને દિવસમાં 10-10 કલાક પાવર કટનો સામનો કરવો પડ્તો હતો. આ આંદોલન શ્રીલંકાની રાજધાની કોલંબો અને મિરિહાના અને ગાલે સુધી ફેલાઈ ગયું હતું. આ આંદોલન ઘણાં દિવસો સુઘી ચાલ્યું તેમજ લોકો પણ આ આંદોલનમાં જોડાવા લાગ્યા. 31 માર્ચે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં મિરિહાનામાં એક વિશાળ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો.

થોડા સમય પછી સનથ જયસૂર્યા, કુમાર સંગાકારા, મારવાન અટાપટ્ટુ, મુરલીધરન જેવા ક્રિકેટરોએ મિરાહાનામાં પોલીસ કાર્યવાહી સામે અવાજ ઉઠાવ્યો હતો. શ્રીલંકાની વિપક્ષી પાર્ટી એસબીજેના પ્રમુખ અને પૂર્વ રાષ્ટ્રપતિ આર પ્રેમદાસાના પુત્ર સાજીથ પ્રેમદાસા માર્ચના અંત સુધીમાં આંદોલનમાં જોડાયા હતા. તેમના સિવાય તમિલ નેશનલ એલાયન્સ, નેશનલ પીપલ્સ પાવર, જનતા વિમુક્તિ પેરામુના, ફ્રન્ટલાઈન સોશ્યલિસ્ટ પાર્ટી જેવા પક્ષો પણ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઉપરાંત શ્રીલંકાનો વિદેશી હૂંડિયામણ ભંડાર ખાલી થઈ ગયો હતો. તિજોરીમાં એટલા પૈસા પણ બચ્યા ન હતા કે તે અન્ય દેશોમાંથી જરૂરી વસ્તુઓ મેળવી શકે. અન્ય દેશમાંથી આયાત બંધ થઈ ગઈ હતી. લોકો દૈનિક આવશ્યક ચીજો મેળવી શકતા ન હતા. જો તે ક્યાંય મળતો હતો તો તેમણે આ માટે બમણા પૈસા ચૂકવવા પડતા હતા.

1 એપ્રિલે શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. 2 એપ્રિલના રોજ, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે 15 કલાક બાદ જ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. રાજપક્ષે કેબિનેટનું રાજીનામું એ સરકાર સામેના જાહેર વિરોધનું સીધું દબાણ હતું, તેથી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમના ભાઈ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સિવાય સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું પડ્યું હતું. રાજપક્ષેએ 5 એપ્રિલે બહુમતી ગુમાવી દીધી હતી. આ સાથે દેશમાંથી કટોકટીની સ્થિતિ હટાવી લેવામાં આવી હતી.

કોલંબોમાં 9 એપ્રિલના રોજ, વિરોધીઓએ ગાલે ફેસ ગ્રીન પર કબજો કર્યો અને ત્યાં એક વિરોધ શિબિર સ્થાપવામાં આવી. આ વિરોધ શિબિરમાં ખાણી-પીણીથી લઈને તબીબી સુવિધાઓ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ રોજબરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ દિનપ્રતિદિન આસમાને આંબી રહ્યા હતા.

9 મેના રોજ, ગોટાબાયાના પક્ષના સમર્થકોએ ગાલે ફેસ ગ્રીનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન પર હુમલો કર્યો. આ હુમલામાં નવ પ્રદર્શનકારીઓના મોત થયા હતા જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાને કારણે રાષ્ટ્રપતિ રાજપક્ષે માટેનો લોકોનો ગુસ્સો વધી ગયો હતો. લોકોનું પ્રદર્શન હિંસક બન્યું હતું. શ્રીલંકાના ઘણા રાજકારણીઓના ઘરો પર હુમલા શરૂ થયા હતાં. આ પરિસ્થિતીના કારણે મહિન્દા રાજપક્ષેએ 9 મેના રોજ પીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

શ્રીલંકામાં 6 મેથી 20 મે સુધી ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. 9 જુલાઈના રોજ રસ્તા પર ઉતરેલા લોકોએ રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાનના નિવાસસ્થાન પર કબજો જમાવ્યો હતો. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવનમાંથી ભાગી ગયા હતા. 13 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ રાજપક્ષે પરિવાર સાથે માલદીવ ભાગી ગયા હતા. શ્રીલંકામાં ફરીથી ઈમરજન્સી લાદવામાં આવી હતી. 6 લોકોથી શરૂ થયેલા આ આંદોલને રાષ્ટ્રપતિને પોતાનો દેશ છોડીને ભાગી જવાની ફરજ પાડી હતી.

Most Popular

To Top