Gujarat

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં તારંગા હિલથી અંબાજી, અંબાજીથી આબુ રોડ સુધી નવી રેલવે લાઈનને મંજૂરી

ગાંધીનગર : ગુજરાત (Gujarat) તેની સંસ્કૃતિ, કળા, અભયારણ્યો, યાત્રાધામો, ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન સ્થળોના વિકાસના કારણે દેશના પ્રવાસન (Tourism) ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં દર મહિને સરેરાશ ૧૦૦ લાખથી પણ વધુ પ્રવાસીઓ ભારતમાં (India) આવે છે. ગુજરાતના ટોપ-10 પ્રવાસન સ્થળો અને ટોપ-5 યાત્રાધામોમાં સ્થાન પામનાર પવિત્ર યાત્રાધામ અંબાજીમાં જ દર મહિને સરેરાશ પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિ.મી. લાંબી નવી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી છે. આ રેલવે લાઈનથી ગુજરાતના 2 મહત્વપૂર્ણ યાત્રાધામોની કનેક્ટિવિટીમાં વધારો થતા રોજગારીની નવી તકો સર્જાશે અને સાથે જ યાત્રાધામોનો પણ વિકાસ થશે.

  • કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 116.65 કિ.મી. લાંબી નવી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી
  • આ રેલવે લાઈનથી ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે
  • ગુજરાતના ૨ મહત્વપૂર્ણ યાત્રાધામોની કનેક્ટિવિટીમાં વધારો થતા રોજગારીની નવી તકો સર્જાશે

આબુરોડ થી અંબાજી થઇ તારંગા જતી આ રેલવે લાઈનનું કામ અંદાજીત વર્ષ ૨૦૨૬-૨૭માં પૂર્ણ થશે.રૂ.૨૭૯૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલવે લાઈનથી અંબાજી મંદિર અને અજીતનાથ જૈન મંદિર યાત્રાધામનો વિકાસ થશે એમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. રેલવે લાઈન મંજૂર કરતા દાંતા અને અંબાજીના સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. કેન્દ્ર સરકારે મંજૂર કરેલી આ રેલવે લાઈનથી ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. દુર્ગમ અને કુદરતી સૌંદર્ય ધરાવતી અરાવલીની ગિરિમાળાઓ વચ્ચેથી પસાર થતી આ રેલવે લાઈન આ વિસ્તારના સર્વાંગી વિકાસની ધોરીનસ સમાન સાબિત થશે.

૫૧ શક્તિપીઠમાં અગ્રીમ સ્થાન ધરાવતા યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા દર વર્ષે ભારતભરમાંથી 60 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ત્યાં આવતા હોય છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ દ્વારા તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને આપવામાં આવેલી મંજૂરીને આવકારતાં જણાવ્યું હતું કે, પીએમ મોદી ભારતીય સંસ્કૃતિના પ્રાચીન તીર્થ સ્થાનોના પુનરુત્થાન કરવા તેમજ યાત્રાધામો પર શ્રદ્ધાળુઓને સુવિધાઓ પૂરી પાડવા માટે સતત કાર્યરત છે. જેને પગલે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ગુજરાત માટે અતિમહત્વપૂર્ણ છે.

Most Popular

To Top