Business

Income Tax: પુનઃ આકારણીની નોટિસની કામગીરી પર હાઇકોર્ટનો સ્ટે

સુરત: ઈન્કમટેક્ષ (Income Tax) કાયદા હેઠળ કરદાતાઓના કેસની પુનઃ આકારણી (Re-assessment) કરવાની જોગવાઈઓમાં ફાઈનાન્સ એકટ (Finance act), ૨૦૧૧ દ્વારા થયેલા સુધારાઓના પરિણામે, ૧ લી એપ્રિલ, ૨૦૨૧ થી પુનઃ આકારણીની જૂની જોગવાઈઓને સ્થાને નવી જોગવાઈઓ અમલમાં આવી છે. તાઃ ૩૧ મી માર્ચ , ૨૦૧૧ પછી , એટલે કે તા.૦૧ -૦૪-૨૦૨૧થી નવી દાખલ થયેલી કલમ ૧૪૮ એ હેઠળ, જે તે આકારણી અધિકારીએ પોતાના ઉપરી અધિકારીની અગાઉથી મંજૂરી લઈ, તેને મળેલી માહિતીઓને આધારે જરૂરી તપાસ કરી અને જે તે કરદાતાને પૂરેપૂરી ન્યાયિક ધોરણે સાંભળવાની તક આપ્યા પછી પુનઃ આકારણીની નોટિસો બજવવાની જોગવાઈઓ અમલમાં આવી છે. આ નવી દાખલ થયેલી જોગવાઈઓનું આકારણી અધિકારીએ ફરજીયાતપણે પાલન કરવાનું રહે છે.

આ નવી જોગવાઈઓ દાખલ કરવા પાછળનો ઈરાદો પુનઃ આકારણીના કેસોને પરિણામે દેશના કરદાતાઓને લિટીગેશનથી સર્જાતી મુશ્કેલીઓમાંથી સરળ પુનઃ આકારણીની પ્રક્રિયા તરફ લઈ જવાનો છે. સુરત અને દક્ષિણ ગુજરાત સહિત દેશભરમાં કરદાતાઓને જૂના કાયદાની જોગવાઇને એક્સટેન્શન આપી કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવતા ત્રણ રાજ્યોના કરદાતાઓ હાઇકોર્ટમાં જતા ઇનકમટેક્સની પુન: આકરણીની નોટિસોને ત્રણ રાજ્યોની હાઇકોર્ટમાં પડકારવામા આવતા આકરણીની સમગ્ર પ્રક્રિયા પર સ્ટે આપવામા આવ્યો છે. આ અંગે સીએ મિતિષ મોદીએ જણાવ્યુ હતું કે ડિપાર્ટમેન્ટ દ્વારા જૂના કાયદા હેઠળ નોટિસો બજાવવાની સમય મર્યાદા જૂન સુધી વધારાઇ હતી.

જૂના કાયદા પ્રમાણે નોટિસો મોકલવાની સમયમર્યાદા 30 જૂન સુધી વધારવામાં આવી હતી

હાલમાં, આકારણી વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ માટે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા અનેક કરદાતાઓને તા.૩૧ મી માર્ચ,૨૦૨૧ પછી પુનઃ આકારણીની નોટિસ ઈન્કમટેક્ષના જૂના કાયદા હેઠળ બજાવવામાં આવી છે. ઈન્કમટેક્ષ વિભાગના અર્થઘટન પ્રમાણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષીસ, ન્યુ દિલ્હીના તાઃ ૩૧-૦૩-૨૦૧૧ના રોજના નોટિફિકેશન નં. ૨૦૨૦૨૧ હેઠળ નોટિસ જારી કરવાની સમયમર્યાદા ૩૦ મી જૂન,૨૦૨૧ સુધી લંબાવવામાં આવી હોવાથી, જૂના કાયદાની જોગવાઈઓ હેઠળ ૩૧ મી માર્ચ, ૨૦૨૧ પછી પણ પુનઃ આકારણીની નોટિસો જારી કરી શકાય. આવી અગણિત નોટિસોને પરિણામે દેશના ઘણા કરદાતાઓને પુનઃ આકારણી હેઠળ આવરી લેવાયા છે. તાજેતરમાં જ, આવી પુનઃ આકારણીની જૂની જોગવાઈઓ હેઠળ બજાવવામાં આવેલી નોટિસોને હાઈકોર્ટોમાં પડકારવામાં આવી છે.

સીબીડીટી દ્વારા એક્ટેન્શન ખોટી રીતે આપવામાં આવ્યું: સીએ મિતિષ મોદી

હાઈકોર્ટ સમક્ષ એવી ધારધાર રજૂઆત કરવામાં આવી છે કે સી.બી.ડી.ટી. ધ્વારા ટેક્ષેશન એન્ડ અધર લોઝ (રીલેકસેશન એન્ડ એમેન્ડમેન્ટ ઓફ સર્વેન પ્રોવીઝન્સ)એકટ,૨૦૨૦ની કલમ ૩(૧) હેઠળ જૂના કાયદા હેઠળ પુનઃઆકારણીની નોટિસો ઈસ્યુ કરવાની તારીખ ૩૦ મી જૂન,૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે, તે ઈન્કમટેક્ષ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે કારણ કે ફાઈનાન્સ એકટ,૨૦૨૧ ધ્વારા કરવામાં આવેલા સુધારાઓ મુજબ, પુનઃ આકારણીની જૂની કલમ ૧૪૮ ની જોગવાઈઓને સ્થાને, પુનઃ આકારણીની કલમ ૧૪૮ અને ૧૪૮ એ ની જોગવાઈઓ તાઃ ૦૧-૦૪-૨૦૧૧થી ફરજીયાતપણે અમલમાં આવેલ છે અને તેથી તાઃ ૩૧ મી માર્ચ, ૨૦૧૧ પછી તાઃ ૩૦ મી જૂન,૨૦૨૧ સુધીમાં પુનઃ આકારણીની જૂની કલમ ૧૪૮ની જોગવાઈઓ હેઠળ જારી કરવામાં આવેલ નોટિસો રદબાતલ ઠરાવવાને પાત્ર છે.

જે કરદાતાઓને નોટિસ મળી તેઓ જવાબ માટે કોર્ટના અંતિમ ચૂકાદાની રાહ જુવે

દિલ્હી હાઈકોર્ટ, મુંબઈ હાઈકોર્ટ અને કલકત્તા હાઈકોર્ટે જુદા જુદા કિસ્સાઓમાં, રજૂ કરેલી દલીલો, ઈન્કમટેક્ષ કાયદાની પ્રવર્તમાન જોગવાઈઓ અને સી.બી.ડી.ટી.ના નોટીફીકેશન્સ વગેરેને ધ્યાનમાં લઈ આ તમામ નોટિસોની કાર્યવાહી પર સ્ટે મુકયો છે અને પરિણામે, જયાં સુધી અંતિમ ઓર્ડર ન આવે ત્યાં સુધી હાઈકોર્ટે ઈન્કમટેક્ષ વિભાગને આવી જૂના કાયદા હેઠળની પુનઃ આકારણીની નોટિસો પર કોઈપણ કાર્યવાહી ન કરવાનો હુકમ કરેલ છે. સીએ મિતિષ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે જયાં સુધી વિવિધ હાઈકોર્ટોનો આ બાબતે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી રાહ જોવી વ્યાજબી અને હિતાવહ છે .

Most Popular

To Top