National

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર સહિત 6 સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરાશે, જાણી લો શિડ્યૂલ

અમદાવાદ: (Ahmedabad) મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા આગામી સૂચના સુધી 6 જોડી સ્પેશિયલ ટ્રેનોને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેવું અમદાવાદના મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું. જે 6 જોડી સ્પેશિયલ ટ્રેનો (Special Train) ફરી શરૂ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે, તેમાં બાન્દ્રા ટર્મિનસ-જામનગર હમસફર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (ત્રિ-સાપ્તાહિક), બાન્દ્રા ટર્મિનસ – જામનગર સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર સોમવાર, ગુરુવાર અને શનિવારે 23.55 કલાકે ઉપડશે અને બીજા જ દિવસે 14.25 કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેન 24 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે.

તેવી જ રીતે જામનગર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન દર મંગળવાર, શુક્રવાર અને રવિવારે 20.00 કલાકે જામનગરથી ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 25 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને હાપા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ રહેશે. બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (સાપ્તાહિક), બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર સોમવારે 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.40 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન 26 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે.

તેવી જ રીતે ભાવનગર ટર્મિનસ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર રવિવારે 17.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 25 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. મુસાફરી દરમિયાન ટ્રેન બંને દિશામાં બોરીવલી, દહાનુ રોડ, વાપી, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, જોરાવરનગર, બોટાદ, ઢોલા, સોનગઢ અને સિહોર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે. અમદાવાદ – સોમનાથ સ્પેશિયલ ટ્રેન દરરોજ 10.40 કલાકે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે 19.40 કલાકે સોમનાથ પહોંચશે. આ ઉપરાંત વેરાવળ – ઇન્દોર સ્પેશિયલ ટ્રેન વેરાવળથી દર બુધવારે 22.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.05 કલાકે ઈન્દોર પહોંચશે. આ ટ્રેન 21 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે.

આવી જ રીતે ટ્રેન નંબર 09304 ઇન્દોર – વેરાવળ સ્પેશિયલ ટ્રેન દર મંગળવારે ઈન્દોરથી 22.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.25 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 20 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. મુસાફરી દરમિયાન ટ્રેન બંને દિશામાં દેવાસ, ઉજ્જૈન, રતલામ, ગોધરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર રોકાશે. સુરેન્દ્રનગર સ્ટેશન પર ટ્રેન નંબર 09304 ને અતિરિક્ત સ્ટોપેજ આપવામાં આવશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે. તેવી જ રીતે મુંબઇ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેન 21 જુલાઇ, 2021 થી રવિવાર સિવાય તમામ દિવસો માટે પુન:સ્થાપિત કરવામાં આવશે.

Most Popular

To Top