National

સરકાર કોવિશિલ્ડ અને કોવેક્સિનના વધુ 66 કરોડ ડોઝ ખરીદશે, આ વખતે ભાવ વધુ ચુકવવો પડશે

નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ અને કોવેક્સિનના (Covishield and Covexin) 66 કરોડ વધુ ડોઝ ખરીદવા માટેનો ઓર્ડર (Order) આપ્યો છે. જે ડોઝ આ વર્ષના ઓગસ્ટથી ડીસેમ્બર વચ્ચે સપ્લાય કરવામાં આવે તે રીતે કરવામાં આવ્યા છે. જોકે આ વખતે બંને વેક્સિનની ખરીદી સરકારને વધુ ભાવે કરવી પડશે. આ ઓર્ડર પ્રતિ ડોઝ અનુક્રમે રૂ. 205 અને રૂ. 215 ના સુધારેલા દરે મૂકવામાં આવ્યા છે જેમાં કરવેરાનો સમાવેશ થતો નથી. જોકે આ ભાવ વધારાનો બોજો લોકો ઉપર થવાનો નથી. અગાઉ જે રીતે લોકોને સરકાર દ્વારા નિશુલ્ક વેક્સિન અપાઈ રહી છે તે જ રીતે લોકોને વેક્સિન અપાશે.

દેશમાં વેક્સિનેશન ઝડપી બને અને વધુમાં વધુ લોકો વેક્સિન લઈ સુરક્ષિત થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને નિશુલ્ક વેક્સિન આપવામાં આવી રહી છે. જોકે હવે કેન્દ્રને આ રસીઓ માટે વધુ ભાવ ચુકવવો પડશે. બંને રસીઓ કેન્દ્ર સરકાર એક ડોઝના 150 રૂ.ના ભાવે ખરીદતી હતી તે હવે કોવિશિલ્ડના એક ડોઝના રૂ. 205 અને કોવેક્સિનના રૂ. 215 ચુકવશે. ઓગસ્ટથી ડીસેમ્બર વચ્ચે આ 66 કરોડ ડોઝ ખરીદવામાં આવશે. ઉત્પાદન ઝડપી બનાવવાનું કહેવામાં આવતા રસી ઉત્પાદકોએ ભાવ વધારવાની માગણી કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા પાસેથી 37.5 કરોડ ડોઝ અને ભારત બાયોટેક પાસેથી 28.5 કરોડ ડોઝ ખરીદવામાં આવશે. કોવિડ-૧૯ની રસીઓ – કોવિશિલ્ડ અને કોવેક્સિનના ૬૬ કરોડ વધુ ડોઝ ઓગસ્ટ અને ડીસેમ્બર વચ્ચે નવા સુધારેલા ભાવે પુરા પાડવામાં આવે તે માટે ઓર્ડર મૂકવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પહેલા આ રસીઓ પ્રતિ ડોઝ રૂ. ૧૫૦ની કિંમતે ખરીદતું હતું તેણે સંકેત આપ્યો હતો કે જૂન ૨૧થી નવી ખરીદી નીતિ અમલી બન્યા બાદ આ રસીઓ હવે નવા ભાવે ખરીદવામાં આવશે. ઉત્પાદકોને રસીનું ઉત્પાદન ઝડપી બનાવવાનું કહેવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે જૂના દરે ઝડપી ઉત્પાદન કરવાનું શક્ય બનશે નહીં તેથી નવા ભાવે રસી ખરીદવામાં આવી રહી છે એમ જાણવા મળે છે.

ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 38,079 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને 3,10,64,908 પર પહોંચી ગઈ છે. જ્યારે, કોરોનાનાં કારણે વધુ 560 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,13,091 પર પહોંચી ગયો છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આંકડા અપડેટ કરતાં કહ્યું હતું. દેશમાં સક્રિય કેસો ઘટીને 4,24,025 થઈ ગયા છે. જે કુલ કેસના 1.36 ટકા છે. જ્યારે કોરોના સામે સાજા થવાનો દર 97.31 ટકા નોંધાયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, શુક્રવારે 19,98,715 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા વધીને 44,20,21,954 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દૈનિક પોઝિટિવિટી દર 1.91 ટકા નોંધાયો છે. જે સતત 26 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.10 ટકા રહ્યો છે. મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,02,27,792 થઈ ગઈ છે.

Most Popular

To Top