Sports

વરસાદને કારણે ભારતીય ટીમ નેટ પ્રેક્ટિસથી વંચિત, ઇનડોર પ્રેક્ટિસ કરવી પડી

પોર્ટ ઓફ સ્પેન: વેસ્ટઇન્ડિઝ પ્રવાસની આવતીકાલે શુક્રવારે રમાનારી પ્રથમ વન ડે (One Day) પહેલા ભારતીય ટીમની (Indian Team) નેટ પ્રેક્ટિસ (Practice) પૂર્વે અચાનક વરસાદ (Rain) તૂટી પડતા ભારતીય ટીમ આઉટડોર પ્રેક્ટિસથી વંચિત રહી હતી, જો કે ટીમ મેનેજમેન્ટે પ્રેક્ટિસ જ ન કરવાના સ્થાને ઇનડોર પ્રેક્ટિસ કરવાનું બહેતર સમજ્યું હતું અને ભારતીય ટીમના ખેલાડીઓએ ઇનડોર નેટ પ્રેક્ટિસ કરી હતી.

શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમના બોલરો અને બેટ્સમેનોએ ઇનડોરમાં પણ આકરી પ્રેક્ટિસ કરીને પોતાની તૈયારીને તપાસી લીધી હતી. બીસીસીઆઇ દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા એક વીડિયોમાં ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલે કહ્યું હતું કે અમે ઇંગ્લેન્ડથી આવ્યા હોવાથી અમે આઉટડોર પ્રેક્ટિસ કરવા માગતા હતા, જોકે વરસાદ પડવા માંડતા અમે તેમ કરી શક્યા નહોતા. આ સ્થિતિમાં પ્રેક્ટિસ ન કરવાના સ્થાને ઇન્ડોર પ્રેક્ટિસ કરવી બહેતર હતી.

ગીલે કહ્યું હતું કે પ્રેક્ટિસ સારી રહી અને અમે અંડરઆર્મ બોલ રમવા જેવી કેટલીક વિશેષ બાબતો પર કામ કર્યું હતું. અમે આ ત્રણ વન ડે રમવા બાબતે ઘણાં ઉત્સાહી છીએ અને આશા રાખીએ છીએ કે આ સીરિઝ સારી રહેશે. ધવન ઉપરાંત અન્ય કેટલાક બેટ્સમેનોએ બેટીંગ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે અર્શદીપ સિંહે બોલીંગ પ્રેક્ટિસ કરી હતી. ઇનડોર પ્રેક્ટિસ દરમિયાન શુભમન ગીલે લાંબો સમય સુધી બેટીંગ પ્રેક્ટિસ કરતાં એવા એંધાણ મળ્યા હતા કે તે શિખર ધવનની સાથે ઓપનીંગ કરી શકે છે.

આજે વેસ્ટઇન્ડિઝ સામે પહેલી વન ડે, ભારતના સેકન્ડ કેડરના ખેલાડીઓની થશે કસોટી
પોર્ટ ઓફ સ્પેન: વેસ્ટઇન્ડિઝ સામેની ત્રણ વન ડેની સીરિઝ દરમિયાન શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં સામેલ સેકન્ડ કેડરના ખેલાડીઓની આકરી કસોટી થઇ શકે છે. આવતીકાલે શુક્રવારે રમાનારી પહેલી વન ડેમાં ભારતીય ટીમ શિખર ધવનની સાથે ઓપનીંગમાં કોને ઉતારે તેના પર બધાની નજર રહેશે. મોટાભાગે શુભમન ગીલ ઓપનીંગમાં ઉતરે તેવી સંભાવના દેખાઇ રહી છે.

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે અચાનક વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા ઇન્ટરનેશનલ ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમ ખાસ કરીને દ્વિપક્ષિય સીરિઝ બાબતે ચર્ચાઓ જોર પકડી રહી છે. સ્ટોક્સે કહ્યું હતું કે ત્રણે ફોર્મેટમાં નિયમિત રમવુ અસંભવ છે. આ સ્થિતિમાં ટેસ્ટ અને ટી-20 વચ્ચે સેન્ડવીચ જેવી સ્થિતિમાં આવી ગયેલા વન ડે ક્રિકેટ માટે પોતાનું સ્થાન જાળવી રાખવું મુશ્કેલ બન્યું છે. ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે ત્રણ વન ડેની સીરિઝ પછી પાંચ ટી-20 મેચની સીરિઝ પણ રમવાની છે, જેમાં ભારતના સીનિયર ખેલાડીઓ પાછા ફરશે.

આ વર્ષે ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે, ત્યારે એ સ્થિતિમાં વન ડેનું મહત્વ ઓછું થયું છે, જો કે તેમ છતાં ટોચના ખેલાડીઓની ગેરહાજરીમાં નવા ખેલાડીઓને તક મળશે અને તેઓ આ સીરિઝ દરમિયાન પોતાની ક્ષમતા દાખવવા માટે આતુર રહેશે. માત્ર વન ડે ફોર્મેટમાં રમતો ધવન પોતાની કેરિયરમાં બીજીવાર ટીમનું સુકાન સંભાળશે.

Most Popular

To Top