Shinor

શિનોર તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો: 16માંથી 14 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી

કોંગ્રેસ માત્ર 2 બેઠકો સુધી સીમિત, તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો
સાધલી જિલ્લા પંચાયત બેઠક ભાજપના ખાતામાં, શિનોર બેઠક કોંગ્રેસે જીતતા મિશ્ર પરિણામ

શિનોર:
વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રભાવી પ્રદર્શન કરતાં કુલ 16માંથી 14 બેઠકો પર વિજય મેળવી તાલુકા પંચાયત પર સ્પષ્ટ બહુમતી સાથે સત્તા કબજે કરી છે. કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળતાં સ્થાનિક સ્તરે ભાજપનો દબદબો વધુ મજબૂત બન્યો છે.

શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા યોજાઈ હતી. મતગણતરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

પરિણામ મુજબ 15 બેઠકો માટે યોજાયેલી મતગણતરીમાં ભાજપે 13 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે મોટા કરાળા અને માલસર બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. અગાઉ એક બેઠક બિનહરીફ જાહેર થતાં ભાજપની કુલ બેઠકોની સંખ્યા 14 સુધી પહોંચી હતી.

જિલ્લા પંચાયતની સાધલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિભાબેન હરિકૃષ્ણભાઈ પટેલે નોંધપાત્ર જીત મેળવી હતી, જ્યારે શિનોર જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ વિજેતા બન્યા હતા. પરિણામ જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે કોંગ્રેસ તરફ મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

રિપોર્ટર: અમિત સોની.

Most Popular

To Top