Dakshin Gujarat Main

સાપુતારામાં વરસાદના છાંટા પડ્યા, નવસારીમાં પારો 4 ડિગ્રી ગગડી જતા દક્ષિણ ગુજરાતમાં ઠંડી જામી

સાપુતારા(Saputara) : ડાંગ (Dang) જિલ્લાનાં ગામડાઓમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવી જતા અમીછાટણા પડતા સમગ્ર વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યુ હતુ. ભારતીય હવામાન વિભાગની આગાહીનાં પગલે રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં શુક્રવારે (Friday) વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શુક્રવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિતનાં પંથકોનાં ગામડાઓમાં વહેલી સવારે કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લામાં વાતાવરણનાં પલટાનાં કારણે શિયાળુ પાકોને જંગી નુકસાનની ભીતી સર્જાઈ છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં દિવસ દરમ્યાન અમીછાટણા, તો ક્યારેક હળવો તડકો તો ક્યારેક ઠંડકમય વાતાવરણ છવાઈ રહેતા અહીનાં પંથકોનું વાતાવરણ દ્વિભાષી પ્રતીત થવા પામ્યુ હતું.

  • સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિતનાં પંથકોનાં ગામડાઓમાં વહેલી સવારે કમોસમી વરસાદનાં અમીછાટણા
  • વાતાવરણનાં પલટાનાં કારણે શિયાળુ પાકોને જંગી નુકસાનની ભીતિ સર્જાઈ

નવસારીમાં મહત્તમ તાપમાન 4.2 ડીગ્રી ગગડતા ઠંડીમાં વધારો

નવસારીમાં આજે લઘુત્તમ તાપમાન નહિવત ઘટાડો થયો હતો. જ્યારે મહત્તમ તાપમાન 4.2 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીમાં વધારો થયો હતો. નવસારીમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં રોજ-રોજ વધારો-ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી નવસારીમાં ઠંડીમાં પણ વધારો-ઘટાડો થઇ રહ્યો છે. આજે શુક્રવારે મહત્તમ તાપમાન 4.2 ડિગ્રી ગગડતા 30 ડિગ્રી નોંધાયું હતું. અને લઘુત્તમ તાપમાન 0.3 ડિગ્રી ગગડતા 16.6 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે સવારે ભેજનું પ્રમાણ સવારે 95 ટકા હતું. જે બપોર બાદ ઘટીને સાંજે 58 ટકા થયું છે. જ્યારે દિવસ દરમિયાન પશ્ચિમ દિશાએથી 3.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સિસ્ટમના લીધે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયું

ગુજરાત પર અફધાનિસ્તાન તેમજ પાકિસ્તાન પરથી સરકીને આવેલી સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ તથા વેસ્ટર્ન ડિસ્ટબન્સની સિસ્ટમની અસર હેઠળ ગુરૂવારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં 58 તાલુકામાં કમોસમી વરસાદથયો હતો. રાજ્યમાં આ સિસ્ટમ કલીયર થઈ જતાં 48 કલાકના સમયગાળામાં ઠંડીનો પારો 5 ડિગ્રી જેટલો નીચે ઉતરી જાય તેવી ચેતવણી પણ હવામાન વિભાગે આપી છે. ખાસ કરીને રાજ્યમાં 1થી 7 મીમી જેટલો વરસાદ જુદા જુદા તાલુકાઓમાં થયો હતો. ગીર સોમનાથના વેરાવળમાં 7 મીમી વરસાદ થયો હતો. અમદાવાદ તથા ગાંધીનગરમાં ગુરુવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ થયો હતો. વહેલી વારે અમદાવાદ તથા ગાંધીનગરમાં ગાઢ ધુમ્મસભર્યુ વાતાવારણ જોવા મળ્યું હતું.

Most Popular

To Top